લાદેનનો મૃતદેહ સુરત નજીકનાં દરિયાકાંઠે ?

 

- શબ વજનદાર પેટીમાં હોવાથી હાલ પણ એ જ સ્થળે

 

 

- મને અમેરિકન સરકારથી ખતરો : વોરેન

 

મેલબોર્ન, તા.3 મે, 2012

 

અમેરિકાના કેલિફોર્નિયાના એક ટ્રેઝર હન્ટરે દાવો કર્યો છે કે તેને ઓસામા બિન લાદેનનો મૃતદેહ ગુજરાત રાજ્યના સુરત શહેરથી 200 માઈલ દૂર પશ્ચિમ દિશામાં આવેલા દરિયાઈ વિસ્તારમાં મળી આવ્યો છે. બીજી તરફ ઓબામાએ લાદેનની બોડીની પ્રથમ તસવીર અંગે વાતચીત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

વોરેન નામના આ ટ્રેઝર હન્ટરે અમેરિકન નેવી દ્વારા તાજેતરમાં જ બહાર પડાયેલા ફોટોગ્રાફનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે આ તસવીરો દ્વારા લાદેનને સુરત નજીકના સમુદ્રમાં દફનાવાયો છે. વળી, લાદેનના શબને જે પેટીમાં રાખવામાં આવ્યું હતું તે વજનદાર હોવાથી તે હાલની તારીખે પણ એ જ સ્થળ પર છે.

 

સ્પેનિશ અખબાર અલ મુન્દોને આપેલા ઈન્ટર્વ્યુમાં વોરેને આ માહિતી આપી હોવાનું ન્યૂઝ.કોમ.એયુ નામની વેબસાઈટે જણાવ્યું હતું. વોરેને એવો પણ દાવો કર્યો હતો કે લાદેનના મૃતદેહને જે જગ્યાએથી દરિયામાં નાખી દેવાયો હતો તે તેણે શોધી કાઢી છે.

વોરેન જણાવ્યું હતું કે આ માહિતી ધરાવતો હું એકમાત્ર વ્યક્તિ છું. લાદેનનો મૃતદેહ હાલમાં ભારતના શહેર સુરતથી પશ્ચિમ દિશામાં 200 માઈલ એટલે કે 320 કિમી દુર દરિયામાં પડેલો છે. દરિયામાં ડૂબેલા જહાજોની શોધખોળ કરતાં વોરેને અત્યારસુધી આ પ્રકારે 200 જેટલા ટ્રેઝર હંટ શોધ્યા છે. વળી, પોતે જૂન-2011થી આ ઘટનાક્રમનું ફોલોઅપ કરી રહ્યો હતો.

 

લાદેનની લાશને બહાર કાઢવા માટે પોતાને બે લાખ ડોલરની જરૂરિયાત હોવાનું વોરેને કહ્યું હતું પરંતુ સાથે તેણે એ પણ સ્વીકાર્યું હતું કે તે આ કામ માત્ર પૈસા ખાતર નથી કરી રહ્યો. તેણે કહ્યું હતું કે લાદેનની લાશને દરિયામાંથી બહાર કાઢવા પાછળનો તેનો ઉદ્દેશ સંપૂર્ણપણે અંગત તેમજ લાદેન મોતને ભેટી ચુક્યો છે તે વાતની ખરાઈ કરવાનો છે.

 

તેણે એક અખબારને આપેલી મુલાકાતમાં આ અંગે જણાવ્યું હતું કે અમે આ લાદેનની લાશને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા છીએ કારણકે અમે દેશભક્ત અમેરિકનો છીએ અને પ્રમુખ ઓબામા લાદેનના મોતના પુરાવા આપવામાં પણ નિષ્ફળ ગયા છે.

 

લાદેનની લાશ બહાર કાઢવા કમર કરી રહેલા વોરેને એમપણ જણાવ્યું હતું કે લાદેનની લાશની શોધખોળ કદાચ તેની જિંદગીનું આખરી ટ્રેઝહ હંટ સર્ચ હોઈ શકે છે કારણકે તેને અમેરિકન સરકારથી પણ ખતરો મહેસૂસ થઈ રહ્યો છે.

 

એકવાર નાણાં મળી જાય તેના એક સપ્તાહથી લઈને ત્રણ મહિનની અંદર જ પોતે લાદેનની લાશ શોધી કાઢશે તેમપણ વોરેને કહ્યું હતું. જોકે, તેણે સ્પેનિશ અખબારને જણાવ્યું હતું કે તેનું આયોજન લાદેનની લાશને બહાર લાવવાનું નહીં પરંતુ તેના ડીએનએ નમૂના લેતા પહેલા તેના ફોટોગ્રાફ અને વીડિયો લેવાનું છે.