આ દ્રશ્ય સૌરાષ્ટ્રના કોઈ નપાણિયા વિસ્તારનું નથી. આ દ્રશ્ય છે અમદાવાદની હદમાં આવેલા વિવેકાનંદનગરનું. આ વિસ્તાર મ્યુનિ. હદમાં ભળ્યાને વર્ષો વીતી ગયા પણ સ્થિતિ ઠેરની ઠેર છે. સ્વર્ણિમ ગુજરાતની જાહેરાત વખતે મ્યુનિ.એ સંકલ્પ જાહેર કર્યો હતો કે ૧૦૦ વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડવાનું વચન આપ્યું હતું પણ તે માત્ર 'વચન' જ રહી ગયું છે. અમદાવાદને મેગા સિટીનો દરજ્જો વસ્તીના આધારે મળ્યો છે પણ તેને ખરેખર સુવિધાપૂર્ણ મેગા સિટી બનાવવાની જવાબદારી ચૂંટાયેલા સત્તાવાળાઓની છે. વિકાસની ગુલબાંગો વચ્ચે તળની સ્થિતિ કેવી કફોડી છે, તેની ચાડી આ ફોટોગ્રાફસ ખાય છે. વિવેકાનંદના નામ સાથે સંકળાયેલી આ નગર જેવડી વસાહતમાં પાણીની કારમી તંગી છે. પાણી માટે લાઇનો લાગે છે અને જયાં પાણી આવે છે ત્યાં પ્રદુષિત હોય છે. કમળાના કેસો પણ આ વિસ્તારમાં બન્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે પાણીના ફાંફા મારતી આ તસ્વીર સંવેદનશીલ માણસને આઘાત પહોંચાડે તેવી છે. વિવેકાનંદનગરમાં કેટલા સેકટરમાં કેટલુ પાણી આવે છે તેની વાસ્તવિકતા જાણવા જેવી છે. ૧લી મે ગુજરાતના સ્થાપનાના દિનની રંગેચંગે ઉજવણી કરી, ગુજરાતમાં દસ વર્ષમાં અદભૂત વિકાસ થયો છે તેવું ઢોલ પીટીને આખા જગત સમક્ષ કહેવાઇ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા જુદી છે. ગુજરાતના ૫૦ વર્ષના ઈતિહાસ પછી અમદાવાદ શહેરનાં નાગરીકોને પાણી મળતું નથી. પાયાની જરૃરિયાત 'પાણી' જેવી સગવડ ન આપી શકતી સરકારની વાઈબ્રન્સી ને વિકાસની વ્યાખ્યા શું છે તે સમજાતું નથી. (તસવીર ઃ ગૌતમ મહેતા)