કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત

 

- સલમાન, શાહરૃખ અને આમિર સાથે શૂટિંગ કરવાનો આનંદ

 

- જાસૂસી થ્રિલર 'એક થા ટાઈગર'માં તે સલમાન ખાન સાથે

 

મુંબઈ, તા. ૨

 

કેટરિના કૈફનું આ વર્ષ ખાન ત્રિપુટી માટે છે. જાસૂસી થ્રિલર 'એક થા ટાઈગર'માં તે સલમાન ખાન સાથે રોમાન્સ કરી રહી છે તેમજ યશ ચોપરા દિગ્દર્શિત પ્રણય ત્રિકોણ પર આધારિત ફિલ્મમાં તે શાહરૃખ ખાન સાથે છે અને જુલાઈ મહિનાથી આમિર સાથેની તેની ફિલ્મ 'ધૂમ મચાલે'નું શૂટિંગ શરૃ થવાનું છે.

 

''સલમાન અને મેં મૈંને પ્યાર ક્યોં કિયા' (૨૦૦૫) અને 'પાર્ટનર' (૨૦૦૭) જેવી કોમેડી ફિલ્મો તેમજ રોમાન્ટિક ફિલ્મ 'યુવરાજ' (૨૦૦૮) કરી છે, પરંતુ અત્યાર સુધી અમને એક સાથે એડવેન્ચર ફિલ્મ કરવાની તક મળી નહોતી. આથી 'એક થા ટાઈગર' સાથે કરવાનો એક રોમાંચ છે.

 

આયરલેન્ડ, તુર્કી, કયુબા જેવા રમણિય સ્થળો પર શૂટિંગ કરવાની અમને તક મળી હતી. અને હવે અમે બેંગકોક અને થાઈલેન્ડમાં શૂટિંગ કરવા જવાના છીએ. મેં બીજા ખાન, કબીર, સાથે 'ન્યૂ યોર્ક' (૨૦૦૯)માં કામ કર્યું હતું. મને તેની ફિલ્મ બનાવવાની સ્ટાઈલ અને વિઝન પસંદ છે. સાથે કામ કરવા માટે સલમાન અને હું એક યોગ્ય સ્ક્રિપ્ટ અને સેટઅપની રાહ જોતા હતા અને આ ફિલ્મ અમારે માટે બધી રીતે યોગ્ય છે,'' એમ કેટરિનાએ કહ્યું હતું.

 

આઠ વર્ષના અજ્ઞાાતવાસ પછી દિગ્દર્શન ક્ષેત્રમાં પાછા ફરનારા યશ ચોપરા સાથે કામ કરવા માટે પણ કેટરિના ઘણી ઉત્સાહિત છે. આ ઉપરાંત શાહરૃખ ખાન સાથે પહેલી વાર કામ કરવાનો આનંદ પણ તેને છે.'' હિન્દી ફિલ્મોમાં યશજી રોમાન્સના પિતામહ છે. સમય સાથે તેઓ કેટલો તાલ મેળવી શક્યા છે એ વાત નવાઈ પમાડે તેવી છે. તેમની કલ્પનાશક્તિ પણ ગજબની છે. તેમના સેટ પર મને ક્યારે પણ અસુવિધા કે તકલીફ પડતી નથી,'' એમ કેટરિનાએ કહ્યું હતું.

 

આ ઉપરાંત યશરાજ હિરોઈન બનવાનો આનંદ પણ તે છૂપો રાખી શકતી નથી. તેને મટે આ એક સપનું સિધ્ધ થયું છે. જોકે આ ફિલ્મમાં કેટરિના શિફોન સાડીઓમાં વરસાદમાં ગીત ગાતી જોવા નહીં મળે. '''મેરે બ્રધર કી દુલ્હન' ફિલ્મ પણ યશરાજની હતી, પરંતુ એમાં મારી ભૂમિકા એક રોકસ્ટારની હતી.'' એમ કેટરિનાએ કહ્યું હતું.

 

યશ ચોપરા દિગ્દર્શિત ફિલ્મના તેના સહ અભિનેતા શાહરૃખ ખાન વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ''શાહરૃખનો સ્વભાવ ઉષ્માભર્યો અને મૈત્રી પૂર્ણ છે. તેની એનર્જી, મહેનત અને કામ પ્રત્યેના તેના ઝનૂનની હું પ્રશંસક છું.''

 

જોકે 'ધૂમ-થ્રી' વિશે તે વધુ વાત કરવા તૈયાર નથી. ''આ ફિલ્મ ગ્લેમરથી ભરપુર એકશન ફિલ્મ છે અને એક હિટ ફ્રેન્ચાઈઝ છે, ''માત્ર એટલું જ તેણે કહ્યું હતું. આ ફિલ્મ માટે ૧૦ કિલો જેટલું વજન ઉતારવા માટે તેણે મેક્રોબાયોટિક ડાયેટપધ્ધતિ અપનાવી હોવાનું તેમજ કયૂબામાં હતી ત્યારથી તેણે તેના ટ્રેનર સાથે તાલીમ લેવાનું શરૃ કર્યું હોવાની અફવાનું કેટરિનાએ ખંડન કર્યું હતું.

 

''આ ફિલ્મની મેં તૈયારી શરૃ કરી નથી. ટૂંક સમયમાં જ હું આની તૈયારી શરૃ કરવાની છું. આમિર પાસેથી શક્ય હોય એટલું શીખવાની મારી ઇચ્છા છે,'' એમ કેટરિનાએ વધુમાં જણાવ્યું હતું.