Last Update : 02-May-2012, Wednesday

 

કેટલીક વ્યક્તિઓ લાગણીઓના મુદ્દે લોહી ચુસનારી વાગોળ જેવી હોય છે

તારી અને મારી વાત -હંસલ ભચેચ

- અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે.

‘જીવન એક યાત્રા છે, આપણે બધા યાત્રાળુ છીએ. હસતા-રમતા આપણે યાત્રા પૂરી કરી અને પરમધામમાં પહોંચી જવાનું છે’ હમણાં એક કાર્યક્રમમાં મારા સહ-વક્તા (ઘણાં શ્રોતાઓના ગુરુજી) જીવનના સત્યને સમજાવવા જાણે એકધાર્યા ઉપડ્યા હતાં. આ શબ્દો જેવા મારા કાનમાં પડ્યા કે મારા મનમાં સતપત થવા માંડી - જીવન એક યાત્રા સાચી, આપણે બધા યાત્રાળુ; ચાલો એ’ય સાચું, પરમધામ પણ સાચું પરંતુ હસતા-રમતા કેવી રીતે પહોંચવું? મોટાભાગના તો ભાગતા, દોડતા, લંગડાતા, હાંફતા, ઝગડતા, અફસોસ કરતાં, ફરિયાદો કરતાં, સંઘર્ષ કરતાં, એકબીજાના ટાંટિયા ખેંચતા અને સાથેસાથે પ્રેમ-સમર્પણ-ઉદારતા-ક્ષમા-માનવતાની વાતો કરતાં કરતાં જીવનની મજલ કાપતા જણાય છે?!! મંચ ઉપરથી પ્રશ્ન ત્યારે જ પૂછાય જ્યારે ઓડિયન્સ પ્રશ્નોત્તરી દરમ્યાન કંઈ બોલતું ના હોય અને વક્તાને લાગી આવે કે કોઈએ કેમ કંઈ પૂછવામાં રસ ના બતાવ્યો? અને એમાં’ય આવા સ્ફોટક પ્રશ્નો તો ના જ પૂછાય એ ન્યાયે પ્રયત્નપૂર્વક બેસી રહેવું પડ્યું પણ એ વિચારોની સતપતનો એક અંશ અહીં જરૂરથી ટપકાવવાનું શક્ય છે.
કોઈપણ યાત્રા મઝાની ક્યારે બને?! આ ‘મઝા’ ઘણાં પરિબળો પર આધારિત હોઈ શકે છે, અંગત મંતવ્યો અને માન્યતાઓની આ વાત છે. મારી તો સ્પષ્ટ માન્યતા છે કે યાત્રાની સાચી મઝાનો આધાર તમારા સહયાત્રીઓ કોણ છે તેની ઉપર છે. એક કકળાટીયો, ઉત્પાતીયો, વાંધાળો, રઘવાટિયો કે જીવખઉં તમારી આખેઆખી યાત્રા બગાડવા પૂરતો હોય છે. જો સાથ-સંગાથ સારો હોય તો ખાખરાના ઝાડ હેઠળ પણ મઝા આવે અને જો એકબીજાને અનુકૂળ ના હોય તો સ્વીત્ઝરલેન્ડમાં ય લોહી ઉકાળા થાય!
‘પણ, બોસ આપણે તો એકલા જ યાત્રા કરતા હોઈએ છીએ. સાથ-સંગાથની બબાલ જ નહીં’ કેટલાક અંતર્મુખી અને નિજાનંદમાં મસ્ત યાત્રીઓ દલીલ કરશે પરંતુ યાત્રીગણ, તમે એકલા યાત્રા કરો અને બાજુની સીટમાં સતત રોતું છોકરું અને એને છાનું કેવી રીતે રાખવું એ વિષયમાં સંપૂર્ણ ‘ઢ’ એવી માતા હોય તો?! સાથ-સંગાથની બબાલ વગર પણ મગજ કાણું થઈ જાય બોસ!
જરૂરી નથી કે હંમેશાં બધો દોષ સામે ખાટલે જ ઓઢાડી શકાય. કેટલીકવાર સહયાત્રીઓ ખૂબ સારા મળે અને તમે પોતે રાશી હો એમ પણ બને! અને ત્યારે પેલા થાકીને મૂંગા થઈ જાય કે પોતાની યાત્રા સુધારવા હળવેથી સાથ છોડી જાય તેમ પણ બને!!
હવે મહત્ત્વની વાત આવે છે. આપણી યાત્રાઓમાં તો સહયાત્રીઓ મોટાભાગે આપણે જ પસંદ કરતાં હોઈએ છીએ. મનમેળ હોય તેવા મિત્રોને સાથે લઈને આપણે રખડીએ છીએ અને યાત્રાની મઝા લઈએ છીએ. મઝા ના આવતા સહયાત્રીઓ બદલવાની કંઈક અંશે આઝાદી પણ ભોગવીએ છીએ. પરંતુ, જો જીવનને જ એક યાત્રા ગણીએ તો મોટાભાગના સહપ્રવાસીઓ તો આપણને એમ જ ભટકાઈ જાય છે અને તેમની સાથે જ ગમે કે ના ગમે જીવન વ્યતીત કરવું પડતું હોય છે. જીવન દરમ્યાન સંબંધોમાં સંઘર્ષ કરતાં દરેકને પોતાના સહયાત્રીઓ સાથે લાગણીઓના મુદ્દે પ્રશ્નો હોય છે, એ યાત્રી પછી જીવનસાથી હોય, કુટુંબી હોય, સંબંધી હોય, મિત્ર હોય, સહકર્મચારી હોય, બોસ હોય, પાર્ટનર હોય વગેરે. આ બધાજ ઈચ્છા-અનિચ્છાએ આપણા સહપ્રવાસીઓ છે, આપણા સમય-શક્તિ-લાગણીઓના સહભાગીઓ છે. આપણા જીવનની મઝાઓ ઘણાં અંશે આ બધા ઉપર આધારિત છે. એમાંના કેટલાય આપણી લાગણીઓને નીચોવી નાખનારા અને થકવી નાખનારા હોય છે. લાગણીઓના મુદ્દે લોહી ચુસનારી વાગોળ જેવા હોય છે. ઇચ્છવા છતાં’ય છોડી ના શકાય તેવી આ વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓ પોતે અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી હોય છે. ખૂબ આસાનીથી તે લાગણીઓના સંબંધ વિકસાવે છે અને તમારી લાગણીઓની શક્તિ ઉપર પોતાને સલામત અનુભવે છે. તેમને સતત પ્રેમ, કાળજી અને સ્વીકૃતિની આપો એટલી ઓછી પડે એ સ્તરની જરૂરીયાત રહે છે. તેમના ઉપરછલ્લા આત્મવિશ્વાસની નીચે આત્મવિશ્વાસનો અભાવ, ભય, શંકા, ગીલ્ટ, અપૂર્ણતા, પરાવલંબન વગેરે ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. જીવનના પ્રવાસમાં આવી વ્યક્તિઓનો સાથ આપણને રિબાવે છે. એમની સાથે જીવવાનું આવે તો વ્યક્તિ લાગણીઓથી નીચોવાઈ જાય, શરીરથી થાકી જાય, આક્રોશ અનુભવતી રહે, હતાશામાં રહે અને ભયથી જીવે. જ્યારે પણ એમનો સાથ કરવાનો થાય, સામનો કરવાનો થાય ત્યારે ત્યારે અંતર વલોવાય.
જીવનયાત્રા હસતા-રમતા પૂરી કરવા જરૂરી છે કે આવી વ્યક્તિઓને આપણે અગાઉથી ઓળખીએ અને તેની સાથે કેવી રીતે પનારો પડાય તે જાણીએ. સાથે સાથે આપણે એમાંના નથી ને તે પણ પ્રમાણિકતાથી ચકાસીએ અને જો હોઈએ તો કેવી રીતે પોતાને સુધારીએ?! લાગણીઓના મુદ્દે રિબાવે તેવી આ વ્યક્તિઓ કોણ છે તેની વાત માંડીને કરીશું આવતા સપ્તાહે...
પૂર્ણવિરામ ઃ મૂરખાઓનો આત્મવિશ્વાસ અને બુદ્ધિશાળીઓની શંકાઓ હંમેશા ખતરનાક હોય છે!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved