Last Update : 02-May-2012, Wednesday

 

એક હતાં બા સૌના બા...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


એક હતાં બા
એક હતાં બા.
‘વોકર’ના સહારે ચાલે
ધીમું ધીમું.
એક વાર એકદમ
એ સફાળા દોડવા લાગ્યાં
શ્વાસભેર
જાણે મનમાં વાળી ગાંઠ
પિયા મિલન કો જાના.
પાછું વળીને તો જોયું જ નહીં.
અમે જોતાં રહી ગયા -
હોસ્પિટલના આ બિછાને
એમને શ્વસતાં કેવું જોરથી !

વાત્સલ્યમૂર્તિ બા.
ચંિતા એમને સહુ વાતની
‘કુણ’ આયું.. ‘કુણ’ ગયું
સહેજ અમથા અવાજે
સાદ દેતાં, સફાળા બેઠાં થઈ જતાં.

આજે આસપાસ આટઆટલા અવાજો.
પણ તમે સાવ સ્થિત.. પ્રજ્ઞ..
ભજનમગ્ન..
તમારા એ પ્રિય
‘વૈકુંઠ નહીં રે આવું’ની ઘૂનમાં.
આ ‘આઈ.સી.યુ.’માં સતત ચાલતો
કાર્ડિયોગ્રામ
સાઉન્ડ સિસ્ટમનું જાણે કોઈ
ગહન ઇકિવલાઇઝર !
તમે સૌને મળતાં
- નહીં કે અમે !
આજે તમને મળવા
બધાં, બધાં જ આવી ચડ્યાં,
મળવા દીઘું બહુ હેતથી,
સૌ તમને મળી ગયાં
- નહીં કે તમે.

અમે તો વર્તમાનમાં વ્યસ્ત.
મસ્ત.

તવ ભવ્ય મુખરેખા વિશે
ચિરંજીવ
અતીતની એ ગરિમા, નખશિખ
એ હતાં બા. સૌનાં બા.
- પ્રબોધ ર. જોશી

 

કવિતાની શરૂઆત થાય છે વાર્તાની જેમ. જે બાએ વાર્તાઓ કહીને મોટા કર્યા એ બા હવે વાર્તા બની ગઈ છે. હું સ્પષ્ટ માનું છે કે શબ્દો એ કવિતા નથી. શબ્દો તો કવિતાને પ્રગટ થવા માટે સ્પેસ ઊભી કરી આપતા હોય છે. અવકાશ રચી આપતા હોય છે. અને એ અવકાશમાં પ્રત્યેક ભાવક પોતાના ગજાની પાંખો જેટલું ઊડી લેતો હોય છે. અને એટલે જ કવિતાનો કોઈ પણ આસ્વાદ ક્યારેય અંતિમ આસ્વાદ નથી હોતો. અરે એક જ વ્યકિત એક જ કવિતા જેટલી વાર વાંચે એટલી વાર એનો જુદો જ આસ્વાદ થતો હોય છે. અનુભવતો હોય છે.
બા હવે વાર્તા બની ગઈ છે. એટલા માટે જ પહેલી પંક્તિ ઈશારો કરે છે એક હતા બા. ઉંમરની સાથે પગ કામ કરતા બંધ થયા છે. બા વૉકરના સહારે ધીમું-ધીમું ચાલી શકે છે. પણ એક વાર અચાનક સફાળા થઇને દોડવા લાગ્યા, શરીરથી નહીં મનથી. એ દોડ મૃત્યુ તરફની હતી. એક જ શ્વાસે બા દોડયા છે. સમગ્ર કવિતાની અંદર પ્રત્યેક પંક્તિએ સતત જુદા-જુદા વળાંક આવ્યા કરે છે. ચાલી ન શકનારા બા દોડ્યા છે. શ્વાસભેર દોડયા છે, મનમાં ગાંઠ વાળીને દોડયા છે, પાછું વળીને જોયા વગર દોડયા છે. ક્યા ? પિયા મિલન કો જાના.. આ પંક્તિઓ મૂકીને જાણે મીરાંબાઈ કે પેલો પરમનો સંદર્ભ રચી આપ્યો છે. બા જે ઝડપથી દોડયા છે આખું કુટુંબ જાણે જોતું જ રહી ગયું. બા એટલું ઝડપથી દોડયા કે હૉસ્પિટલના બિછાના ઉપર ખૂબ ઝડપથી શ્વાસો લેતા-લેતા એ સૂતા હતા.
બા એટલે જ વાત્સલ્યમૂર્તિ. કુણ આયું ? કુણ ગયું ? આ અવાજમાં વતનની સુગંધ, વાત્સલ્ય, પ્રત્યેક વ્યક્તિની ચંિતા, કાળજી દેખાય છે અને કોઇ પણ આવે કે જાય ત્યારે એ સફાળા બેઠા થઇ જાય છે. કવિતામાં બે વખત સફાળા શબ્દ આવ્યો છે. બા અચાનક જે સફાળા દોડવા મંડયા હતા એ બા જીવનભર કુટુંબની પ્રત્યેક વ્યકિતની આવ-જા વખતે સફાળા બેઠા થઈ જતા હતા. પણ આજે હૉસ્પિટલમાં આટઆટલા અવાજો વચ્ચે પણ એ બેઠા નથી થતા. સ્થિતપ્રજ્ઞની જેમ સૂઈ રહ્યા છે.
મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું... બાનું પ્રિય ભજન. બાને હંમેશાં આ જ ભજન ગાતા સાંભળ્યા છે. આજે એ બા આઈ.સી.યુ.માં સૂતી છે અને કાર્ડિયોગ્રામ સતત લેવાઈ રહ્યો છે. કવિ તાજા ભૂતકાળમાં સરી પડે છે. બા ઘરમાં બેઠી-બેઠી આવતા-જતા સૌને મળતી-બોલાવતી હતી. અને સૌ પોતપોતાની ઉતાવળમાં ન મળવા જેવું મળતા હતા. આજે હોસ્પિટલમાં સમગ્ર પરિવાર દોડીને મળવા આવી ચડયો છે. બધાને બા મળવા દે છે. પણ બા આજે ન મળવા જેવું મળી રહી છે. બાના અંતિમ દર્શન વખતે બાની ભવ્ય મુખરેખા દેખાય છે. ભૂતકાળની એ જ ગરિમા નખશિખ જળવાયેલી છે. હૃદયમાં કદી નાશ ન પામે એવી ચિરંજીવ છબીઓ સચવાયેલી છે. એક બા હતી. એ સૌની બા હતી. પ્રત્યેકની મા એ સૌની મા હોય છે. પ્રત્યેક માતાની વાતમાં સૌને પોતાની મા જ દેખાતી હોય છે. આથી જ કવિતાની અંતિમ પંક્તિ એ હતાં બા.. સૌના બા... અહીં કવિતા પૂરી નથી થતી. અહીંથી આ કવિતા બા જીવનમાં ક્યાં-ક્યાં પથરાયેલી છે, છૂપાયેલી છ, તેની સાથે જોડી આપે છે.
પ્રબોધભાઈની પિતાજી વિશેની કવિતા વાંચીએ. ઉમાશંકર જોશીની પંક્તિઓ સહજ યાદ આવે. અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા. જે પિતાના ખભા ઉપર અમે ચંિતાઓનું વજન થઇને ફર્યા હતા, જે પિતાના ખભે બેસીને અમે નિશ્ચંિત થઇ જગતમાં ફર્યા આજે એ પિતાને ખભે ઉંચકીને સ્મશાને લઈ જઈ રહ્યા છીએ. કવિ પ્રબોધ જોશી એવી જ એક અદ્‌ભુત બીજી વાત આ કવિતામાં જણાવે છે. અંતિમ યાત્રા વખતે પિતાને ખભે ઊંચકીને એ ચાલે છે અને કવિ પોતે જ પોતાને પૂછે છે કે મને એવું કેમ લાગ્યું કે હું એમની આંગળી પકડીને ધીરે-ધીરે ચાલી રહ્યો છું. બાળપણમાં ચાલતા શીખ્યા પછી પિતાની સાથે ચાલતા હતા એ દિવસો યાદ આવ્યા કે પછી હવે પિતાની અદ્રશ્ય આંગળી પકડીને આ જગતમાં ચાલતા શીખવાનું છે ?
પિતાશ્રીને -
અંતિમ ક્ષણોમાં
તમે
અશબ્દ
ને હું સ્તબ્ધ
તમે કંઇક કહેવા માંગતા હતા
પણ એ હું સાંભળી શકતો ન હતો
એવું તો તમે નહીં જ માનતા હોવ
ખરું ને ?
અંતિમ યાત્રામાં
આજે તમને ખભે ઊંચકીને
ચાલ્યો
થોડું થોડું
ત્યારે
એવું કેમ લાગ્યું કે
તમારી
આંગળી પકડી
ચાલી રહ્યો છું
ધીરે ધીરે...
એ પછી
સ્મશાનમાં, શોકસભામાં
ઘર અને બહાર
મળ્યા ચહેરા અનેક
મૌન...
પછી ભળી ગયા એકમેક
રચાયું કેવું ઐક્ય !
વીસર્યો કે હું એક..

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved