Last Update : 02-May-2012, Wednesday

 

આજે સમાજમાં સારા માણસનું શોષણ અને ખરાબ માણસનું પોષણ થતું હોય તેમ કેમ લાગે છે?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

- ‘‘આપણે સંસારને ખોટી રીતે વાંચીએ છીએ અને કહીએ છીએ કે સંસાર અમને ઠગે છે’’

* આજે સમાજમાં સારા માણસનું શોષણ અને ખરાબ માણસનું પોષણ થતું હોય એમ કેમ લાગે છે?
પ્રશ્નકર્તા ઃ ભાવસાર કનૈયાલાલ હરિભાઈ, ભાવસાર ઓળ, મુ. વડનગર
સારપ દેખાડયા છતાં એમ બની શકે કે દુર્યોધન દુર્યોધન જ રહે, તે યુધિષ્ઠિર ન જ બને અને દુષ્ટ વ્યવહાર છતાં યુધિષ્ઠિર યુધિષ્ઠિર જ રહે, દુર્યોધન ન જ બને. બન્ને પોતપોતાના સ્વભાવથી બંધાએલા છે. સ્વભાવનાં કેટલાંક લક્ષણો જન્મજાત હોય છે અને કેટલાંક પારિવારિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક એમ અનેક પરિબળોના પ્રભાવથી નિર્મિત થયાં હોય છે.
સારો માણસ એટલે સજ્જન માણસ, નીતિથી ચાલનારો માણસ, જેની કથની અને કરણી એકસમાન હોય એવો પારદર્શી માણસ, જે નિષ્કલંક અને નિર્મળ હોય, સત્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ હોય, મન-વચન-કર્મથી ઉદાત્ત હોય, ઉપકારને યાદ રાખનારો હોય, દૂષિત કર્મો અને પ્રવૃત્તિઓથી પોતાની જાતને અલિપ્ત રાખતો હોય, સેવા પરાયણ અને પરગજુ હોય, કરૂણાવાન અને ચારિત્ર્યશીલ હોય, સમર્થ હોવા છતાં ક્ષમાશીલ હોય, સંયમી અને સમર્પણશીલ હોય. આવો સજ્જન ગરીબો માટે કલ્પવૃક્ષ, સદ્‌ગુણરૂપી ફળથી વિનમ્ર, સત્પુરુષોને પોતાના કુટુમ્બીજનો માનનારો, શિક્ષિત વ્યક્તિઓ માટે આદર્શ, સચ્ચરિત્ર શીલતાની કસોટી, શીલનો સાગર, સત્કાર્યોનો કર્તા, કોઈનો પણ અનાદર નહીં કરનારો, ગુણોનો મહાસાગર, સરળ, સત્વશીલ, માણસ જ સાચા અર્થમાં જીવિત ગણાય. તે ગર્વ કરતો નથી, કડવાં વેંણ ઉચ્ચારતો નથી, અપ્રિય વચનને સહન કરી લે છે, ક્રોધને આશરે આપતો નથી, બીજાના દોષોને ઢાંકે છે.
આવો સજ્જન સ્વભાવે અનાસક્ત હોય છે તેને દગો-પ્રપંચ પસંદ હોતાં નથી. સ્વભાવે સરળ હોવાને કારણે પ્રમાણમાં આવા માણસમાં ભોળપણ હોય છે. તે નિરૂપદ્રવી હોવાને લીધે બીજાં લોકો તેનાથી ડરતાં નથી. એટલે સમાજમાં આવા સજ્જનોનું શોષણ કરવાનું સરળ હોય છે. સજ્જનમાં વેરવૃત્તિ હોતી નથી એટલે દુર્જનો તેનો ગેરલાભ લે છે. સજ્જનો પોતાની સીમા ઓળંગતા નથી. ન્યાય અને નીતિ ખાતર ખુવાર થઈ જાય છે, પણ પાપના કીચડમાં પગ મૂકવાનું તેઓ ક્યારેય પસંદ કરતા નથી. એમનું અતિ સૌજન્ય એમને ભારે પડે છે. સારા માણસો નીતિ-નિયમ નેવે મૂકીને કોઈ કામ કરતા નથી એટલે એમને ‘નકામા’ ઠેરવનારની સંખ્યા પણ બહુ મોટી હોય છે. સજ્જનો ચાલાક લોકોની ચાલમાં આવી જાય છે. ક્યારેક તો એમના સૌજન્યની ચરમ સીમા બઘું જાણ્યા-સમજ્યા છતાં, સામેની વ્યક્તિ શોષણ કરી રહી છે, એવા ખ્યાલ આવ્યા છતાં એમને મૌન ધારણ કરવા પ્રેરે છે. સારા માણસો પર સૌથી વધારે આક્ષેપો થતા હોય છે. સમાજના મોટાભાગના લોકો સ્વાર્થી હોય છે એટલે સજ્જન માણસને પોતાની મેલી મુરાદો બર લાવવાનું સાધન ગણે છે. ઘર હોય કે કાર્યાલય જે માણસ ભલો હશે તેને ભાગે વૈતરું આવશે, વઢ ખાવાનું પણ તેને લમણે જ લખાશે, જ્યારે બહાનાખોર, ચાલબાજ, ગણતરીબાજ લોકો ખુશામતને જોરે પોતાનું ધાર્યું કરવામાં અને અલ્પ પરિશ્રમે વઘુ લાભ લેવામાં સફળ થાય છે. એટલે માણસે એ વાત પણ યાદ રાખવી જ જોઈએ કે કોઈ પોતાના સૌજન્યનો દુરુપયોગ કરે એટલી હદ સુધી ભોળપણ કે ભોટપણ ન જ દેખાડવું જોઈએ. કોઈ પોતાને અન્યાયનો શિકાર બનાવે, ભોળપણ કે સરળતાને શોષણનો વિષય બનાવે, એટલી હદ સુધીનું અતિ સૌજન્ય અને નિષ્ક્રિયતા ન જ દાખવવી જોઈએ.
માણસ ખરાબ હોય પણ એ ખપનો હોય તો લોકો એને નમે છે, એની ખુશામત કરે છે, એના દુર્ગુણો પરત્વ આંખ આડા કાન કરી એની વાહવાહી કરે છે, એને માન સન્માન આપે છે, કારણ કે એ ‘દૂધારૂ’ ગાય છે એટલે લોકો એની લાત સહેલા પણ તૈયાર હોય છે.
દુર્જન માણસ નડી શકે છે, નુકસાન પહોંચાડી શકે છે અને આડાં-અવળાં સાધનો પ્રયોજીને પણ ધાર્યું કામ કરી શકે છે કે કરાવી શકે છે. એટલે એવા માણસોને લોકો નમતાં-ભજતાં રહે છે. સ્વાર્થદ્રષ્ટિ માણસને અંધ અને વિવેકહીન બનાવે છે. લોભ માણસની તટસ્થ મૂલ્યાંકન દ્રષ્ટિ છીનવી લે છે. એટલે જેનાથી લાભ થવાનો હોય તેના દુર્ગુણો માણસ ઘ્યાનમાં લેતો નથી! આજે આઝાદી પહેલાંના ભારતના રાજકારણમાં અને આઝાદી પછીના દશકાઓમાં જે ભેદ જોવા મળે છે તે આ જ છે. સજ્જનોથી લોકો વિમુખ થતા ગયા, કારણ કે એમના સૌજન્યથી સ્વાર્થી લોકોને લાભ ન દેખાયો. જેમનામાં ન્યાયપ્રિયતા કે નીતિ નહોતી, કળ, બળ અને છળ જેમનાં હાથવગાં સાધનો હતા એમનું વર્ચસ્વ વધતું ગયું. લોકોની પ્રીતિ એમના ‘ભય’ને કારણે પણ વધતી ગઈ અને એક સમયે પેલી કહેવત પ્રચલિત હતી કે ‘જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ’ - ને બદલે ‘જેણે મૂકી લાજ, તેનું આખી દુનિયામાં રાજ’ - જેવી સ્થિતિ સર્જાઈ છે.
દુષ્ટ કે દુર્જન માણસો ક્યારેય આત્મદર્શન કરતા નથી, હા, ગુણવાન વ્યક્તિઓના દોષો શોધવા તેઓ સદાય તત્પર રહે છે. જો ગુણવાન વ્યક્તિ લજ્જાશીલ હશે તો દુષ્ટ તેને મૂર્ખ તરીકે ચિતરશે, જો એ વ્રતમાં રૂચિ ધરાવતો હશે, તો ખરાબ માણસ તેવા સજ્જનને દંભી કહેશે, તેનામાં શુદ્ધતા દેખાતી હશે તો તેને ઢોંગી તરીકે વર્ણવશે, જો શૂરવીર હશે તો તેને દૂર ગણાવશે, જો એ પ્રિયવચનો બોલનારો હશે તો એને બિચારો ઠેરવશે, તેજસ્વી હશે તો તેને ગર્વિષ્ઠ કહેશે, જો એ વક્તા હશે તો એને બકવાટીઓ ગણાવશે, જો એ સ્થિર હશે તો એને દુષ્ટ માણસ શક્તિહીન તરીકે પ્રચારિત કરશે. સજ્જનો ગુણ શોધે છે અને દુર્જનોની નજર દુર્ગુણો પર કેન્દ્રિત હોય છે. પણ લોકો દુર્જનને દુર્જન કહેવાનું સાહસ કરતા નથી, ઉલટા એનાં વખાણ કરે છે, કારણ કે ખરાબ લોકો વખાણભૂખ્યા હોય છે. અંદરનો ખાલીપો દૂર કરવા માટે એમને એવા ખુશામતીઆ લોકોની ખુશામત ગમે છે. લોકો પાકા ગણતરીબાજ હોય છે એટલે ખરાબ લોકો વખત આવે ખપ લાગશે એમ માની ‘સંઘર્યો સાપ પણ કામનો’નું ગણિત અજમાવતા હોય છે. સમાજની આવી સ્વાર્થભક્તિને કારણે જ સૌજન્યમાં ઓટ અને દુર્જનત્વમાં ભર્તીનાં મોજાં ધૂઘવાટો કરી રહ્યા છે. આજકાલ ભ્રષ્ટાચારની માત્રામાં પુષ્કળ વધારો જોવા મળે છે એનું કારણ પણ આ જ છે. ભ્રષ્ટાચારી માણસ ધનની લાલચથી ગમે તેવું હલકટ, અન્યાયપૂર્ણ, ગેરકાનૂની કે બિન પ્રામાણિક કામ પણ કરી આપે છે. આવું કામ કરી આપનાર વ્યક્તિ દુષ્ટ હોવા છતાં લોકોને ગમે છે કારણ કે તે તેમની સ્વાર્થસિદ્ધિનું સાધન બને છે. દુષ્ટો અનીતિને પોતાનો કર્મસિદ્ધ અધિકાર માને છે. આજના સમાજમાં સાધનની શુદ્ધતા નહીં, પણ સ્વાર્થની સિદ્ધિ જ મહત્ત્વની બની ગઈ છે. નીતિથી કામ કરાવવા જતાં ધક્કા ખાવા પડે, તેમ છતાં ન્યાય ન પણ મળે, પરંતુ અનીતિની રાહે ખરાબ લોકોની મદદથી કામ સિદ્ધ થાય છે પરિણામે ખરાબ માણસોને લોકો પોષે છે.
અહીં બીજો પણ એક પ્રશ્ન વિચારણીય છે. દુષ્ટોને દુષ્ટ બનાવવામાં સમાજનો પણ હાથ હોય છે. અપ્રામાણિકતાની આજે બોલબાલા છે કારણ કે પ્રામાણિકતાનું મૂલ્ય ચૂકવવાની ધીરજ અને સાહસ લોકો ખોઈ બેઠાં છે. દુષ્ટને પૂછો તો એ અવશ્ય કહેશે કે મારે સારા બનવું છે, પણ તમારા સમાજને સારો માણસ મંજૂર છે ખરો? સમાજનાં બે અક્ષમ્ય પાપો ઃ સજ્જનના દેવત્વનાં વખાણ પણ સન્માનિત કરવાનો દુર્જનને, કારણ કે એ ‘ખપનો’ છે. ટાગોરે સાચું જ કહ્યું છે ઃ આપણે સંસારને ખોટી રીતે વાંચીએ છીએ અને કહીએ છીએ કે સંસાર અમને ઠગે છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved