Last Update : 02-May-2012, Wednesday

 

નમીએ નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત !

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

ગુજરાત ગૌરવ ગાન કેવું હોવું જોઈએ ?
વર્ષોથી આપણે કવિ નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત’ ગીત ગાતા આવ્યાં છીએ. તે ઉપરાંતના ગૌરવ-ગીતો પણ છે. કવિ ન્હાનાલાલે ગાયું ઃ
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ.
હિન્દ માતાની લાડીલી બાળ, ગુજરો, જય જય તવ ચિર કાળ !
કવિ ઃ ખબરદારે પણ કહ્યું ઃ
ગુર્જરવાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત
‘હું ગુર્જર ભારતવાસી’ કહેનારા કવિ ઉમાશંકર જોશીએ પણ ગુર્જરવંદના કરતાં કહ્યું ઃ
મળતાં મળી ગઈ, મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
અને એમ પણ ટકોર્યું કે ઃ એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?
આ સહુએ, (અને અન્ય પણ અનેક કવિજનોએ) ગુજરાતનો મહિમા કર્યો. ગીત કવિ રમેશ ગુપ્તાનું ગીત તો આજે ય બહુ જ લોકપ્રિય રહ્યું છે ઃ સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશ ગાથા ગુજરાતની.
જેની યશ ગાથા, સુવર્ણ અક્ષરે લખવી ગમે એવું છે આપણું ગુજરાત ! સ્વર્ણિમ ગુજરાત !
તો ફિલ્મોમાં પણ કયારેક આવાં ગુર્જરપ્રેમનાં ગીતો આવ્યાં. ફિલ્મ ‘ઉપર ગગન વિશાળ’માં ગીતકારે ‘જેની ધરતી સદા રસાળ, હરિયાળી ડુંગરમાળ’ કહીને આ ધરતીને બિરદાવી છે. વર્તમાન કવિઓએ પણ ગુજરાત પ્રત્યેના ભાવને શબ્દસ્થ કર્યો છે, અને કરતા રહેવાના. ગુજરાતમાં પ્રવર્તમાન પરિસ્થિતિઓ સંબંધે, પ્રસંગે પ્રસંગે, જે તે સમયે, કવિઓએ કટાક્ષ કાવ્યો કે વ્યથા કાવ્યોમાં પણ હૈયાની વાત કહી છે. પણ આજે તો આંગણે અવસર છે. ને અવસર હોય ત્યારે તો બઘું ભૂલીને હરખ જ ગવાય. આપણે સૌ પણ આપણે આંગણે પ્રસંગ- પર્વ ઉજવીએ છીએ ત્યારે કડવાશને બે ઘડી ભૂલવું પસંદ કરીએ જ છીએ. મૃત્યુની નિશ્ચિતતા જાણીએ છીએ એથી કાંઇ વર્ષગાંઠ ઉજવવાનું છોડી નથી દેતા. દામ્પત્યજીવનની કઠણાઈ સમજવા છતાં, પ્રસન્ન દામ્પત્યની આશાએ લગ્ન સમારંભો ઉજવાય જ છે ને !
‘ગુજરાત ગૌરવ ગાન’માં આજનું ગુજરાત અપેક્ષિત હોય એ સ્વાભાવિક છે. નવી પેઢીની એ જ અપેક્ષા હોય. એમની આસપાસનું ગુજરાત અને એમના સ્વપ્નનું ગુજરાત. એ જ રીતે, જૂની પેઢી ઇચ્છે કે ગુજરાતનો ગૌરવપૂર્ણ ઇતિહાસ પણ એમાં ઝીલાય. કોઇકને એમાં વાસ્તવ ગમે, કોઇકને ભાવનાત્મક લખાણ ગમે. ખુવારી કરતાં ખુમારીનું ગાન કરવાનો જ આ અવસર હોઇને, ગીત પાસે પણ પ્રજામાં ઉલ્લાસ અને ગૌરવ બોધ જાગે તેવી અપેક્ષા હોય. વીતેલા દિવસો, વર્તમાનનો સમય અને ભવિષ્ય ત્રણેના ત્રિવેણી સંગમ સમું એ હોય. એમાં ભવ્ય ભૂતકાળનો વારસો, વર્તમાનનું વાસ્તવ અને નવ્ય ભાવિની અભિલાષા ઝળકતી હોય. આવા ગીતની પ્રજાને જરૂર છે. આપણી પાસે આવું ‘રાજ્ય ગીત’ નથી.
આપણી ગુર્જર વંદનામાં એક વાત એ પણ હોવી ઘટે કે એમાં ગુજરાત ગૌરવની સાથોસાથ, એનું આ ભવ્ય ભારતવર્ષ સાથેનું અનુસંધાન પણ પ્રગટતું હોય. ભારતને ભૂલીને, અલગ અલગ ગુજરાતનું ગૌરવ ગાન અઘૂરું જ લાગે. અને, આપણે સહુ પણ, ભલે ને આપણી સવિશેષ ઓળખમાં ‘ગુજરાતી’ છીએ, પણ આપણી સામૂહિક ઓળખ ‘ભારતીય’ની હોય તે પણ અત્યંત આવશ્યક છે.
આવું ગીત ગુજરાતીમાં હોય એ સ્વાભાવિક છે. પણ, ગુજરાતની વંદનાનું ગીત રાષ્ટ્ર ભાષામાં પણ હોઈ શકે. જેમ રાષ્ટ્ર વંદનાનું ગીત ગુજરાતીમાં પણ હોય જ છે. સમગ્ર દેશને ગુજરાતની અસ્મિતાનો પરિચય કરાવવો હોય તો ગુજરાતી સિવાયની ભાષામાં પણ ગીત થઇ શકે. પણ, આપણે આંગણે અવસર હોય ત્યારે, એક ગીત આપણી માતૃભાષા ગુજરાતીમાં ય હોય એ સહજ છે.
આવું ગુજરાતી-ગીત, ગુજરાતી લાગવું જોઈએ, અને એને સાંભળીને ગુજરાતીઓના લોહીમાં ઉછાળ આવવો જોઈએ એવી અપેક્ષા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રગટ કરી તે ઘ્યાન ખેંચે તેવું અવલોકન છે. આ ગીતરચના પાસેથી આ હેતુ સિદ્ધ કરવાની અપેક્ષા છે. ને એવું ના લાગે તો તેની સામેનો અણગમો છે. એમની કલાપ્રીતિ અને કલાસૂઝ સર્વવિદિત છે જ, એટલે એમનું આ અવલોકન મહત્વનું છે.
ગીત ગુજરાતીમાં હોય, પણ ગુજરાતી ન હોય એવું લાગે ત્યારે સમજી જવાય કે એમાં ગુજરાતીતાની ખામી છે. ને ગુજરાતીતાના ઇન્જેકશન આપી ન શકાય. એ તો ભીતરથી જ પ્રગટતી હોય છે. એક પંજાબીને એની માટીની સૌંધી સૌંધી ખુશ્બુ લોહીમાં જ મળે છે, એક દક્ષિણ ભારતીયને મંત્રગાન એના શ્વાસમાં જ મળે છે. એક રાજસ્થાનીને રણની રેત પર વાગતા રાવણહથ્થાનો સૂર હૃદય ધબકારામાં જ મળે છે. આ માટે, જે તે માટીમાં મૂળ જરૂરી છે. અલબત્ત, અહીં પ્રાંતવાદ કે પ્રાદેશિકતાવાદની વાત નથી જ, અહીં તો જે તે પ્રદેશની સુગંધના વારસાની વાત છે.
બીજો મહત્વનો મુદ્દો છે ભાષા. ભાષા જ્ઞાન એટલે જે તે ભાષાનું અક્ષર જ્ઞાન કે વ્યાકરણ જ્ઞાન માત્ર નહિ. ગુજરાતી ભાષા એટલે એ પ્રદેશના વસનારાઓની અસ્મિતા. એમનો ભૂતકાળ. એમના રીત રિવાજ. એમની ખાણીપીણી એમના ઉત્સવો એમની માન્યતા એમની શ્રઘ્ધા- અશ્રઘ્ધા ને અંધશ્રઘ્ધા. એમનો સ્વભાવ એમની ટેવો, એમની ખાસિયત. આ બઘું ને ઉપરાંત ઘણું બઘું... અને, આ બધાની ‘માત્ર જાણકારી’ થી ય કામ ન ચાલે. આ બઘું અંદર રસાઇને આવવું જોઈએ. રાજસ્થાની ગીત લખતી વખતે ‘રા’ અને ‘ભંવરજી’ નો ઉપયોગ કરી દેવાથી કે પંજાબી ગીત માટે ‘દા’ અને ‘સોણા’ના પ્રયોગ માત્રથી જે તે ભાષાના ગીત ન રચાય. ‘મક્કે દી રોટી ને સરસૌંદા સાગ’નો સ્વાદ અમદાવાદની હોટલમાં ઉજવાતા ‘પંજાબ ફેસ્ટીવલ’થી માણી લઈએ એથી કૈં ‘સાંઝા ચૂલ્હા’ની ખબર ન પડે. ગુજરાતી જ નહીં, કોઇ પણ ભાષાનો અરધો પરધો પરિચય એને પૂરો ન્યાય ન જ આપે. કામચલાઉ થીગડું મારી શકાય, પણ પોત એ નજ આવે. અલબત્ત, ફિલ્મોમાં આવા કસબીઓ છે કે જે અન્ય પ્રદેશની સુગંધ શબ્દોમાં ભરી લાવે છે, પણ એ તો અપવાદ રૂપ સજ્જતા જ ગણાય.
ગુજરાત ગૌરવ ગાન રૂપ રચના ગુજરાતી ભાષામાં હોય એટલું જ નહિ, ગુજરાતી હોય, ગુજરાતીતાથી છલકતી હોય. જેને સાંભળીને ગુજરાતી એની સાથે અનુસંધાન અનુભવી શકે અને અ-ગુજરાતીને પણ ખબર પડે કે આ ગીત ગુજરાત ગૌરવનું ગીત છે.
ગુજરાતી જેની સાથે અનુસંધાન અનુભવે એ ગીત એવું ય હોવું જરૂરી છે કે અશિક્ષિત કે અર્ધશિક્ષિત કે શિક્ષિત- તમામ ગુજરાતી ને એ સમજાય. અને એનું સ્તર સચવાય. એ હળવું હોય, પણ હલકું ન હોય. ટેલીવિઝન સિરીયલમાં હાસ્યરસ નીપજાવવા ગુજરાતીતાનું હાસ્યાસ્પદ ચિત્ર જોઇને દેશભરના લોકો ગુજરાત અને ગુજરાતીઓ વિષે જે માનવું હોય તે માને-પણ, ગુજરાત અને ગુજરાતીઓનું વાસ્તવ એવું જ માત્ર નથી. એમાં એ સિવાય પણ ઘણું ઘણું છે. હાસ્યરસ ને માટે લેવાતી છૂટ કે અતિરેકને માણી શકાય ત્યાં સુધી માફ. પણ ગીત એવું ય ન હોય કે એ માત્ર વિદ્વાનોને જ સમજાય. કેવળ કવિ-વિવેચકોની જ દાદ પામે. માત્ર સુશિક્ષિત જ એ સાંભળીને મર્યાદામાં ડોકું હલાવે !’ એ ગીત એવું ય હોય કે અશિક્ષિત ને ય અપીલ કરે. આ કામ અઘરું છે. સ્તરને સાચવીને સર્વને ગમે એવું લખવું સહેલું નથી. એટલે જ અહીં ‘ગેયતા’ જરૂરી બને છે. ગાલિબની ગઝલો ગવાય છે ને એટલે એને ન સમજનારા ય એને માણે છે. આ જાદૂ સંગીતનો છે.
સહુને સમજાય, સહુને ગમે, સહુને પોતાનું લાગે, સહુ એમાં સૂર પૂરાવે, સહુ એની સાથે અનુસંધાન સાધે એવું ગીત રચવામાં શબ્દની મદદે સંગીત આવે છે. આપણું રાષ્ટ્રગીત ‘જન ગણ મન...’ કઈ ભાષામાં લખાયું છે ? એ ભાષા આખા ભારતની ભાષા છે ? ભારતભરના લોકો એને શ્રઘ્ધાથી ગાય છે. એ આપણો પ્રાણ છે. અશિક્ષિત ને એ કદાચ શબ્દશઃ ન સમજાય એવું બને, પણ એનો રાષ્ટ્રપ્રેમ તો એમાં ભળે જ છે.
‘ગુજરાત ગૌરવ ગાન’ એવું હોવું જોઈએ. એના શબ્દો, એની પાછળની ભાવનાને ચરિતાર્ત કરે તેવા હોય. એની રચના સહુને સમજાય તેવી હોય અને એનું સ્વરાંકન સહુ સાથે મળીને એને ગાઈ શકે તેવું હોય.
સ્વરાંકન એટલે, ગીતને કઇ રીતે ગાવું તેનો ઢાળ નક્કી કરવો તે આ ઢાળ, ગીતના કવિએ પ્રયોજેલ લય પ્રમાણે પણ હોય. અને એથી જૂદો, પણ, ગીતના ભાવ અને અર્થને પ્રગટાતો હોય એ જરૂરી છે. અને, એ બહુ કઠિન ન હોય તો જ એ સહુ ગાઇ શકે. અન્યથા એને માત્ર માણીને ને જ આનંદ અનુભવવો રહ્યો. કુશળ સંગીતકારને જો આ અપેક્ષાની જાણ કરી દેવામાં આવે તો તે એ મુજબનું સ્વરાંકન કરે છે. એ માટે એ પોતાની કલાને કાબૂમાં રાખી, કસબને, કૌશલને કામે લગાડે છે. આપણા રાષ્ટ્ર ગીતનું સ્વરાંકન એવું જ છે. જાણકારો જાણે છે કે આ રચના નિશ્ચિત સમયમર્યાદામાં - એક મિનીટથી ઓછા સમયમાં - ગવાય છે. ને છતાં ય કેવી પ્રભાવક છે ! અહીં સ્વરાંકન સમયે જ સ્પષ્ટતા હતી કે આ ગીત ઘ્વજને વંદન કરતાં ગવાશે, ઉભા ઉભા ગવાશે. એને સુદીર્ધ બનાવવાથી અગવડ ઊભી થશે. પ્રમાણે મર્યાદિત સમયમાં જ એની અસર સર્જાય એનું ઘ્યાન રખાયું છે.
સ્વરકારનું કામ અઘરું છે. એણે આ બધી જ બાબતો વિષે અગાઉથી માહિતગાર થઇને જ કામ હાથ પર લેવું ઘટે. એક ગીત તરીકે એને બહેલાવી શકાય, પણ એક ‘રાજ્યગીત’ ની બાબતે મર્યાદાઓ રહેવાની જ. કદાચ, એને સમય-સીમાથી મુકત રખાય તો પણ, એની લંબાઇની મર્યાદા તો રહે જ. વળી, જો એની વાદ્યવૃંદ સંગતમાં જ રજૂઆત થવાની હોય તો અલગ રંગ જોઈએ, અને એના વગર પણ ગાવાનું હોય તો સ્વરાંકન અલગ જ હશે. એ ઓછું અટપટું હોય એ અનિવાર્ય છે. અને તમામ સફળ રચનાકારો જાણે જ છે કે સરળ રચવું કેટલું કઠિન હોય છે ! પોતાના જ જ્ઞાન પર લગામ મૂકવી પડે છે !!

ગીત-સંગીત એટલે કે શબ્દ અને સ્વરની સહિયારી રજૂઆત સ્વયં એક પડકાર છે. આપણે કાને પડતાં ગીતોમાંના ઘણા બધાં પહેલાં લખાય છે, પછી સ્વરબદ્ધ થાય છે. એમના કવિ-સ્વરકાર એક મેકથી પરિચિત પણ હોય ને અજાણ્યા પણ હયો. સ્વરબઘ્ધ થવાની આ પ્રક્રિયામાં એ બંને એકમેકનાં સંપર્કમાં પણ હોય કે સાવ અજાણ પણ હોય. ને છતાં, ગમતાં ને ન ગમતાં ગીતો બને છે. બીજો એક પ્રકાર, એનાથી અલગ છે. અને એનો પ્રયોગ ફિલ્મોમાં સવિશેષ થાય છે. જેમાં સંગીતકાર ઘૂન પહેલા તૈયાર કરે છે ને ગીતકાર પછીથી શબ્દ ભરે છે, અથવા ગીત રચે છે. (રચના તૈયાર થયે એની ખબર પડે છે !) આવા પ્રયોગમાં સંગીતકાર ઘૂન બાબતે નિશ્ચિત છે, માત્ર શબ્દોની અનિશ્ચિતતા રહે છે. અને ઘૂનને ન જ બદલવી હોય ત્યાં શબ્દો બદલી શકાય છે. આની સામે ગીત પહેલાં લખાયેલું હોય ત્યાં ઘૂનની અનિશ્ચિતતા રહે છે. પણ, અહીં, ગીત કવિને પૂછયા વગર ઘૂનને અનુકૂળ ફેરફાર કરવાની ‘છૂટ’ હજી તો ઓછી લેવાય છે. પણ, પરિણામે ન ગમે એવા ગીતો ય કાને પડે છે. કારણ કે, સ્વરકારની અપેક્ષાને અનુરુપ ફેરફારનું એને સ્વાતંત્ર્ય નથી. અને, એ જ ગીત સ્વરબઘ્ધ કરવાની ઇચ્છા અથવા આવશ્યકતાને કારણે, કામ બગડે છે.
સ્વરાંકન પ્રમાણે શબ્દ લખવાની પ્રવૃત્તિને કૃત્રિમ અને આયાસપૂર્ણ ગણાવતા લોકો, એમાં કવિને બાંધી દેવાયાના અને સર્જકતાના અભાવના ય આક્ષેપ કરે છે. કેટલાક એને ખમીસના માપનું શરીર શોધવાની તો કોઇક એમાં કોફીનના માપે મૃતદેહ શોધવાની પ્રવૃત્તિ જુવે છે.
પણ, આ પ્રકારે પણ, અનેક રચનાઓ થઇ છે. અને લોકપ્રિય પણ બની છે. આ કસબ કલમનો છે. સર્જકતા અને શિસ્તના મિલનની કમાલ છે, જયારે પ્રસંગને અનુરુપ ગાન માટેનું સ્વરાંકન બની જાય, સહુને એ ઘૂન ગમી જાય, ત્યારે એને ગીતથી ભરવાનો પડકાર ઉભો થાય છે.
ગુજરાત ગૌરવ ગાન હોય કે અન્ય કોઇ પ્રસંગે આવી અપેક્ષા સર્જાય ત્યારે એના દરદ પ્રમાણેના ડોકટરની જરૂર ઉભી થાય છે. આ કામ અસંભવ નથી હોતું પણ સરળ પણ નથી જ હોતું. એમાં કવિના હાથ બંધાયેલા હોય છે. એની સામે વિષય સ્પષ્ટ છે, પણ એની અભિવ્યકિતને મર્યાદામાં મૂકવાની છે. ને એવું જયારે ગુજરાત ગૌરવ ગાન જેવો પ્રસંગે હોય ત્યારે તો આ બઘું મળીને, શબ્દ અને સંગીત એક ગુજરાતીતાનો અનુભવ કરાવે તેવું જરૂરી બને છે.
સંગીતમાં ‘ગુજરાતીતા’ એ પણ સમજવા જેવી છે. ગુજરાતી સંગીત એટલે લોકગીત- ગરબા, એવું હવે રહ્યું જ નથી. આપણે ત્યાં સંગીતના આઘૂનિક પ્રવાહોનું અવતરણ થઇ ચૂકયું છે અને એન જાણનારા ગુજરાતી તજજ્ઞો પણ છે. કાવ્ય સંગીતમાં થતા પ્રયોગો કે પોપ મ્યુઝીકમાં પણ ગુજરાતી ગીતો ‘રેપ’ સુધી પહોંચ્યા જ છે. એટલે, ગુજરાત ગૌરવ ગીતનું સંગીત ગુજરાતી હોય એવું અપેક્ષિત છે. ત્યારે એટલું જ અપેક્ષિત છે કે એ જૂની-નવી બંને પેઢીને આકર્ષે તેવું હોય. એમાં લોક સંગીતની છાંટ ભલે હોય પણ નર્યો ગરબો હોય તો જ ગુજરાતી એવું ય નહિ. નવા વાદ્ય, નવી ઘ્વનિમુદ્રણ કલા, આ બધાનો ય એમાં વિનિયોગ તો હોય જ. ને આમ છતાં, એ અ-ગુજરાતી ન લાગવું ઘટે.
પ્રસંગ અનુસાર, અપેક્ષા પ્રમાણેની રચના તૈયાર કરાવવા શબ્દકાર અને સ્વરકારને યોગ્ય સૂચના મળે અને એ પરસ્પરના સંકલમાં રહે તો, એવું ગીત જરૂર બને કે જે હેતુ સિદ્ધ કરી શકે. અ-ગુજરાતી કવિ અને અ-ગુજરાતી સંગીતકાર આ ન જ કરી શકે એવું નથી. પણ એમને ગુજરાતીતાનો પરિચય કરાવનાર કોઇક સેતુ રૂપ હોય તો એમનું કાર્ય પણ સરળ બને. જરૂર છે, અવસરની ઉજવણી માટે આવશ્યક ઉલ્લાસમય વાતાવરણ સર્જવામાં પ્રામાણિક યોગદાનની. એક મર્મજ્ઞનું અવલોકન, સર્જકતાને સાદર આવકારે છે, ત્યારે ઉત્તમ જ હાથ લાધવાનું. નબળાને તો કહી જ દેવાયું છે ને ઃ એક બે ને સાડા ત્રણ !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved