દિલ્હી એરપોર્ટથી પ્રવેશ અને બહાર જવું મોંધું થશેઃ ફી પેટે 346 %નો વધારો

 

- ૧૫ મે થી અમલી ઃ ઇન્ટરનેશનલ માટે રૂા. ૫૦૦૦, ડોમેસ્ટીક માટે રૂા. ૧૫૦૦

દિલ્હી એરપોર્ટનો વપરાશ મે માસની ૧૫મી તારીખથી મોંઘો થઈ રહ્યો છે. એરપોર્ટ ઇકોનોમી રેગ્યુલેટરી ઓથોરીટી (AERA) એ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમીટેડને યુઝર્સ ડેવલોપમેન્ટ ફી (UDE) આવતા-જતા બંને પ્રવાસીઓ પાસેથી વસુલ કરવા સંમતિ આપી છે. આમ દિલ્હીમાં એરપોર્ટથી પ્રવેશ અને ત્યાંથી બહાર જવું બંને ખૂબ મોંધું પડશે. જે લોકોએ ૧૫ મે પછીની ટીકીટ અત્યારથી લીધી છે તેમણે પણ આ નવો ચાર્જ ભરવો પડશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે (DIAL) તો ૭૭૪ ટકાનો વધારો માંગ્યો હતો પરંતુ ૩૪૬ ટકાના વધારાને મંજૂરી અપાઈ હતી. આમ, આ ૩૪૬ ટકાના વધારાને કારણે ઇન્ટરનેશનલ પ્રવાસીઓને રૂા. ૫૦૦૦ અને સ્થાનિક એરલાઈન્સના પ્રવાસીઓને રૂા. ૧૦૦૦ ચૂકવવાના રહેશે.

 

આ ભાવવધારો બે વર્ષ માટે મંજૂર કરાયો છે. એર ફેર્સમાં લેન્ડીંગ, પાર્કંિગ અને હાઉસીંગ જેવા ખર્ચા જે એરલાઈન્સના માથે હતા તે પ્રવાસીના માથે આવશે. હાલમાં ઇન્ટરનેશનલ પ્રવાસીને રૂા. ૧૩૦૦ અને સ્થાનિક એરલાઈન્સના પ્રવાસીઓને રૂા. ૨૦૦ ચૂકવવા પડે છે.

 

આમ તો, આ વધારો ૨૦૦૯થી કરવાનો હતો પરંતુ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરલાઈન્સે તેને પડકાર્યો હતો. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટની ખોટનો સામનો કરવા માટે કરાયેલો આ ભાવ વધારાનો એરલાઈન્સ કેવી રીતે પ્રતિભાવ આપે છે તે પર પણ સૌની નજર છે. તેમના માટે લેન્ડંિગ ચાર્જીસ લગભગ બમણા થઈ ગયા છે.

 

આ ભાવ વધારાથી સમગ્ર એશિયા-પેસિફિકમાં દિલ્હીનું એરપોર્ટ સૌથી મોંધું બની જશે. હોંગકોંગ અને કુઆલાલુમ્પુર ૭૦ ટકા સસ્તા છે તેમજ ઓસાકા, ટોકિયો અને સિડનીના એરપોર્ટ કરતાં પણ દિલ્હીનું એરપોર્ટ મોંધું બનશે. આવા ભાવ વધારા અંતે તો પ્રવાસીના ખિસ્સા પર ટ્રાન્સફર થતા હોય છે.

 

એરપોર્ટ ચાર્જીસમાં થયેલો જંગી વધારો કોઈ એરલાઈન્સ ભોગવે તેમ નથી. જેમકે લેન્ડીંગ ચાર્જીસ ડબલ થઈ ગયા.

 

એક એરલાઈન્સના માર્કેટીંગ સ્ટાફે જણાવ્યું હતું કે હાલમાં અમે વર્ષે ૫૦ કરોડ રૂપિયા લેન્ડંિગ ચાર્જ તરીકે ચૂકવીએ છીએ હવે નવા ભાવ પ્રમાણે વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

 

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમીટેડની ૨૦૧૨ની અંદાજીત ખાધ રૂા. ૯૦૦ કરોડ રૂપિયાની છે. આ ખાધ પુરવાના સત્તાવાળાઓના પ્રયાસના એક ભાગરૂપે આવક ઉભી કરવાના વિવિધ પાસાનો અભ્યાસ થતો હતો. તાજેતરના ભાવવધારા અંગે પેસેન્જર્સ નો કોઈ અભિપ્રાય મંગાવાયો નથી કે તે ઘ્યાનમાં પણ નથી લેવાયો.

 

બહારથી એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની નીતિ વિવાદાસ્પદ બનવાની છે એમ મનાય છે.

 

‘T‌-૩’ એક તરફ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંથી આજના ૭૦ હજાર પ્રવાસીઓની અવરજવર છે. ૩૪૬ ટકાનો વધારો વિવાદ ઉભો કરી શકે એમ છે. કેટલાક પ્રવાસીઓનું માનવું છે કે એરપોર્ટ પર ચાલતી બેદરકારી પણ અટકાવવી જોઈએ.

 

તાજેતરમાં દિલ્હીમાં કાયમી એરોબ્રીજ ઓપરેટરો હડતાળ પર જતા તેમને આસિસ્ટ કરતા સ્ટાફે ઓપરેટીંગનું કામકાજ સંભાળ્યું હતું. એર ઇન્ડિયાની ફલાઈટ ઉડવાની તૈયારીમાં હતી ત્યારે બે એરોબ્રીજ એકદમ સામ સામે આવી ગયા હતા. જોકે અણીના સમયે સ્ટાફ દોડી આવ્યો હતો અને દુર્ઘટના ટાળી શકાઈ હતી.

 

૧૮મી એપ્રિલે બનેલી આ ઘટના અંગે સત્તાવાળાઓને ફરિયાદ પણ કરાઈ હતી.

 

એરોબ્રીજનું ઓપરેશન સંભાળતા ૨૦૦ જેટલા ઓપરેટરો ૧૨ એપ્રિલથી હડતાળ પર છે. જ્યારે એરપોર્ટ ચાર્જીસમાં ૩૪૬ ટકા જેટલો વધારો કરાય છે ત્યારે આવી ફરિયાદોને સ્થાન ના હોવું જોઈએ એવી પણ માગણી થાય તે સ્વાભાવિક છે.

 

બહારથી આવતા પ્રવાસીઓ પાસેથી યુઝર્સ ડેવલોપમેન્ટ ફી વસૂલ કરનાર દેશમાં દિલ્હીનું એરપોર્ટ પ્રથમ બનશે.

 

પેસેન્જર એસોસીએશને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી. આવતા-જતા બંને પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવાની વાત ગળે ઉતરે એવી નથી.

 

૧૫ મે થી થતો આ ભાવ વધારો પ્રવાસીઓની નાખુશી વધારશે. આ ભાવ વધારાના કારણે ટીકીટ દીઠ ૫૦ થી ૧૦૦ ડોલરનો વધારો થશે. આ ભાવવધારાનો વિરોધ થઈ રહ્યો છે, કેટલીક એરલાઈન્સ તેની ફલાઈટો ઓછી કરવા ઇચ્છે છે એવા સંકેતો પણ મળ્યા છે.