ગરીબીએ માઝા મૂકી ઃ ૨૫૦૦ ડોલર માટે માતાએ પોતાના બાળકને વેચી દીધું

 

 

-ચિલીના સાન્ટિઆગોની ઘટના

 

-પોલીસે બાળકને પાલકગૃહમાં મોકલી 'માતા'ની શોધખોળ શરૃ કરી

 

સાન્ટિઆગો, તા. ૧

 

'માતા' શબ્દની ગરીમાને બટ્ટો લગાડે તેવી એક ઘટના ચિલીની રાજધાની સાન્ટિઆગોમાં બની છે. અહીંની એક મહિલાએ તેના આઠ મહિનાના બાળકને ૨૫૦૦ ડોલરમાં વેચી દીધું હોવાનું સપાટી પર આવ્યું છે. સ્થાનિક પોલીસ હાલ આ 'માતા'ની શોધમાં લાગેલી છે. જોકે આ નિર્દોષ બાળકને પોલીસે પોતાની દેખરેખમાં લઈ લીધું છે.

 

સ્થાનિક પોલીસ અધિકારી કર્નલ લોરેન્ઝે મોરિલ્લો એ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં સાન્ટિઆગો પ્રાંતના સરકારી વકીલ દ્વારા તપાસ ચાલી રહી છે. સરકારી વકીલની કચેરીના અધિકારી લુઈસા લિરાન્ઝોએ બાળકને વેચનારી મહિલા અને બાળકને ખરીદનાર વ્યક્તિની ઓળખ આપવાનું નકારી કાઢ્યું હતું.

 

સાન્ટિઆગો પોલીસે જણાવ્યું હતું કે નવજાતને ખરીદનારી મહિલાના કહેવા મુજબ તેને બાળકો ઘણાં ગમે છે અને આ બાળકને ખરીદવા પાછળનો તેનો હેતુ માત્ર લગાવ તેમજ માતા તરીકેનો પ્રેમ આપવાનો જ હતો.

 

આ બાળકનો ઉછેર ઘણો સારી રીતે થશે તેની ખાતરી પણ તેણે આપી હતી. પેકિનમાં અતિગરીબ સ્તિતિમાં રહેતી આ બાલકની માતાને હાલ રાષ્ટ્રીય પોલીસનું ખાસ દળ શોધી રહ્યું છે. બીજી બાજુ બાળકને હાલ પાલક ગૃહમાં મોકલી દેવાયું છે અને કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેને આ ગૃહમાં જ રખાશે.