ગુજરાતમાં ૧૩૦૪ કિમી નવા માર્ગો માટે કેન્દ્રએ રૃા.૨૩૯૫૮ કરોડની ફાળવાવ્યા

 

 

- એહમદભાઈ પટેલના યોગદાનને બિરદાવતા આગેવાનો

 

- નર્મદા નદી પર રૃા.૫૫૦ કરોડના ખર્ચે બંધાનારા નવા ફોરલેન બ્રિજનો શિલાન્યાસ

 

 

ભરૃચ,તા.૧

 

 

ગુજરાતમાં હાલ જે માર્ગો બનાવવામાં આવી રહ્યા છે, તેમાં કેન્દ્ર સરકારનો પણ સહકાર રહ્યો છે. ગુજરાતમાં ૧૩૦૪ કિમી નવા માર્ગો માટે કેન્દ્ર સરકારે રૃા.૨૩૯૫૮ કરોડની ફાળવણી કરી હોવાનું કેન્દ્રીય પરિવહન પ્રધાન ડો. સી.પી. જોશીએ જણાવ્યું હતું.

 

વડોદરા - સુરત વચ્ચે સિક્સલેન રોડ માટે ભરૃચના ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી પર સરદારબ્રિજ પાસે રૃા.૫૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ફોર લેન બ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલના પ્રયાસો અને યોગદાનને બિરદાવતા જોશીએ કહ્યું હતું કે રોજ ૨૦ કિમી રોડ બને તેવો ધ્યેય રાખી આગામી દિવસોમાં ૨૦,૦૦૦ કિમીનું કામ ભાવિ આયોજન હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

 

કેન્દ્રના પરિવહન પ્રધાન ડો. સી.પી. જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્રની યુ.પી.એ સરકાર ધ્વારા કેટલીક નીતિઓમાં આમૂલ પરિવર્તન કરી આંતર માળખાકીય સુવિધા માટે નાણાંકીય ભંડોળ મેળવવામાં આવતા આ ક્ષેત્રે કામગીરીને વેગ મળ્યો છે. આઝાદી પૂર્વે અને ત્યારબાદ પણ આ વિઝન હતું પણ નાણાંકીય જોગવાઈના કારણે તે શક્ય બનતું ન હતું. હવે આનો શ્રેય સોનિયા ગાંધી અને એહમદભાઈ પટેલને જાય છે. એહમદભાઈ પટેલે સરદારબ્રીજ પર સર્જાતી ટ્રાફીક જામની સમસ્યા અને તેના નિવારણ માટે સરકાર સમક્ષ રજુઆત કરતા રહ્યા હતા અને તે અંગેની કાર્યવાહીથી થઈ તેની સતત પૃચ્છા કરતા રહેતા હતા. રાજ્ય સરકાર ધ્વારા જે માર્ગો બનાવવામાં આવી રહ્યા છે તે સારી વાત છે અને તેમાં કેન્દ્રનો પણ સહકાર રહેલો છે.

 

વર્તમાન કેન્દ્ર સરકારે કરેલા આધારભૂત પરિવર્તનના કારણે રાષ્ટ્રનો જીડીપી દર વધ્યો છે તેથી આર્થિક સમૃધ્ધિ વધી છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ તેવી શીખામણ આપવા સાથે તેમણે ટકોર કરી હતી કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે જો બે કદમ મેળવીને ચાલશે તો કેન્દ્ર સરકાર પણ ચાર કદમ આગળ વધવા તૈયાર છે. કેમકે દેશના વિકાસ સાથે ગુજરાતનો વિકાસ પણ સંકળાયેલો છે.

 

આ પ્રસંગે ગુજરાતના માર્ગ મકાન વિભાગના મંત્રીએ રાજ્ય સરકારની માળખાકીય સવલતો પ્રત્યે કાર્યરત હોવાનું જણાવીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જતા ૧૮૦૦ ગામડાઓ માટે મારુ વિલેજ યોજના હેઠળ બારમાસી માર્ગો બનાવ્યા છે તો ૧૫૩ નગરપાલિકાઓમાંથી પસાર થતા રસ્તાઓને ફોરલેન બનાવ્યા છે. ૧૮૦૦ ગામડાઓને શહેરો સાથે જોડાણ આપ્યુ છે. આ પ્રસંગે તેમણે મુલદથી ઝાડેશ્વર ચોકડીનો રોડ બનાવવાનો નિર્ણય સરકારે કર્યો હોવાની ઘોષણા કરી હતી.

 

ગુજરાત વિધાનસભાના વિપક્ષના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે એહમદભાઈ પટેલના ભરૃચ જિલ્લાના વિકાસમાં રહેલા યોગદાનને બિરદાવીને ગુજરાત સ્થાપના દિને રવિશંકર મહારાજના વાક્યોને ટાંકતા આયોજન એ.સી. ડોમમાં ન કરવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપના સમયે પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું હતું કે, પ્રજાની તિજોરીનો એક પૈસો પણ ખોટી રીતે ન વપરાવો જોઈએ. ભાજપ અને કોંગ્રેસ આજે એક મંચ પર છે ત્યારે અહમ નહિ પરંતુ પ્યાર આવવો જોઈએ કારણ કે કોઈ અમર નથી અને જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે અભિમાન શું કામ રાખવું જોઈએ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ડૉ. તુષાર ચૌધરી, વિધાનસભાના દંડક ઈકબાલ પટેલ, ઉપરાંત ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ પણ ઉદ્દબોધન કર્યા હતા.

 

અત્રે એ નોંધનીય છે કે નેશનલ હાઈવે - ૮ ના વડોદરા - સુરત સેકશન વચ્ચેના ૧૯૨.૦૦ કિ.મી. થી ૧૯૮.૦૦ કિ.મી. સુધીના માર્ગને છ માર્ગીય બનાવવાના ભાગરૃપે ઝાડેશ્વરના સરદારબ્રીજ પાસે ૫૫૦ કરોડના ખર્ચે શિલાન્યાસ વિધિ ગુજરાત સ્થાપના દિને ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવના મંદિર પાસે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ ભાજપના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા.