ભારતે 300 અબજ ડોલરની નિકાસના લક્ષ્યને પાર કર્યું

 

-માર્ચ માસમાં એક્સપોર્ટ ૫.૭૧ ટકા ઘટયો

 

-ઇમ્પોર્ટ ૪૮૮ અબજ થતાં ચિંતાજનક વેપારી ખાધ અમેરિકા, યુરોપમાં મંદી છતાં એક્સપોર્ટનું લક્ષ્ય પૂરું થયું

 

નવી દિલ્હી, તા. ૧

 

યુરોપ અને અમેરિકામાં મંદી અને વિષય આર્થિક સ્થિતિ હોવા છતાં વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ભારતે તેના ૩૦૦ અબજ ડોલરની નિકાસના લક્ષ્યને પાર કરી દીધું છે. માર્ચમાં શિપમેન્ટમાં ૫.૭૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેના કારણે વ્યાપાર ખાધ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી ૧૮૫ અબજ ડોલર પર પહોંચી હતી.

 

દેશની નિકાસ ગત નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૦૩.૭ અબજ ડોલર પર પહોંચી છે. જોકે ગત નાણાકીય ગાળા દરમ્યાન માર્ચમાં નિકાસ ઘટીને ૨૮.૬૮ અબજ ડોલર પર જતી રહી હતી. જે અગાઉના માર્ચ માસ દરમ્યાન ૩૦.૪૧ અબજ ડોલર હતી. તે માસ દરમ્યાન થયેલી આયાતો ૪૨.૬ અબજ ડોલર હતી જેના કારણે આયાત-નિકાસ વ્યાપાર ખાધ ૧૩.૯ અબજ ડોલર પર પહોંચી હતી, તેવું વાણીજ્ય મંત્રાલયે બહાર પાડેલા અહેવાલમાં જણાવાયું હતું. દેશનું વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન સોના અને ક્રૂડતેલની આયાતમાં વધારો થવાને કારણે આયાત બીલ ૪૮૮.૬ અબજ ડોલરે સ્પર્શી ગયું હતું. કુલ આયાતી ખર્ચમાં આ બે વસ્તુઓનો હિસ્સો ૪૪ ટકા હતો. આમ આ કાળા અને પીળા સોના એ જ આયાત બિલમાં ૫૦ ટકા હિસ્સો રોક્યો હોઈને આગામી નાણાકીય વર્ષ દરમ્યાન આ સ્થિતિ કદાચ હજી પણ બગડી શકે છે. તેવો મત વાણિજ્ય સચીવ રાહુલ ખુલ્લરે વ્યક્ત કર્યો હતો.

 

જો બેલેન્સ ઓફ ટ્રેડ (બી.ઓ.ટી.) જ્યાં હતું ત્યાં જ સ્થિર રહે તો દેશની નિકાસમાં ૨૮ ટકા વધારો થાય ત્યારે બી.ઓ.ટી. સમતોલ થઈ શકે. આપણે તાત્કાલીક ૨૮ ટકા નિકાસ ક્યાં વધારી શકીએ?

 

ઊંચી વ્યાપાર ખાધ રીઝર્વ બેંક તેમજ નિકાસકારો બન્ને માટે ચિંતાનો વિષય બની છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશ (એફ.આઈ.ઈ.ઓ.)એ તેમજ રિઝર્વ બેંકે આ મુદ્દે જણાવ્યું હતું કે જો આયાત-નિકાસ વ્યાપારમાં આ પ્રમાણેની ખાધ ચાલુ રહેશે તો તે એક પડકારરૃપ બની રહેશે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન સોના ચાંદીની આયાતમાં આગલા વર્ષની તુલનાએ ૪૪.૪ એટલે કે ૬૧.૫ અબજ ડોલરનો વધારો થયો હતો. જ્યારે ક્રૂડ ઓઈલની આયાતમાં ૪૬.૯ ટકા એટલે કે ૧૫૫.૬ અમે. ડોલરનો વધારો થયો હતો.

 

ઓઈલ અને નોનઓઈલ આયાતોમાં માર્ચ મહિના દરમ્યાન જ ૩૨.૪૫ ટકા એટલે કે ૧૫.૮૩ અબજ ડોલર અને ૧૯.૯૧ ટકા એટલે કે ૨૬.૭૫ અબજનો વધારો નોંધાયો હતો.

 

એફ.આઈ.ઈ.ઓ.એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિકાસમાં વૈવિધ્ય લાવીને તેનું પ્રમાણ વધારીને આયાત સાથે સાંકળી લેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ. આ નીતિએ હવે જો કે તેના પરીણામો દર્શાવવાનું ચાલુ કરી દીધું છે તેમ કહી શકાય. આ સંદર્ભે ફેડરેશનના પ્રમુખ એમ. રફીક અહેમદે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ વ્યાપાર ખાધ એ ચિંતાની બાબત છે પણ તેમાં સુધારણાનો અવકાશ ખુબ ઓછો જણાય છે કેમકે આયાત પેટ્રોલીયમ, ગોલ્ડ, સીલ્વર અને કોલસાની કરવામાં આવેલી છે.