હું ક્રિકેટ છોડીને રાજકારણમાં જવા માગતો નથી ઃ સચીન તેંડુલકર

 

 

-રાજ્યસભામાં નોમિનેશન બાદ માસ્ટર બ્લાસ્ટરે સ્પષ્ટતા કરી

 

પુણે, તા. ૧

 

ભારતીય ક્રિકેટર સચન તેંડુલકરને રાજ્યસભાના સભ્યપદને મુદ્દે વિવાદ ઊભો થયો છે ત્યારે માસ્ટર બ્લાસ્ટરે સ્પષ્ટતા કરી હતી કે રાજકારણમાં જોડાવાની તેની કોઈ ઈચ્છા નથી. ૨૬મી એપ્રિલે રાજ્યસભામાં નામાંકન મેળવ્યા બાદ આ મુદ્દે પહેલીવાર બોલતાં તેણે જણાવ્યું હતું કે ક્રિકેટ છોડીને તે ક્યારેય રાજકારણમાં જશે નહીં કારણ કે ક્રિકેટ તેનું જીવન છે.

 

પુણે ખાતે એક ખાનગી કાર્યક્રમમાં માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું હતું કે ''હું રાજકારણી નથી. હું ખેલાડી છું અને કાયમ રહેવાનો. ક્રિકેટને છોડીને હું ક્યારેય રાજકારણમાં જઈશ નહીં. ક્રિકેટ મારી જીંદગી છે અને હું ક્રિકેટ રમતો જ રહીશ.'' તેંડુલકરે રાજ્યસભાનું સભ્યપદ સ્વીકારતા ખેલાડીઓ અને રાજકારણીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે અનેકલોકોએ સચીનને સમ્માન આપવા બદલ સરકારની સરાહના કરી છે તો બીજી બાજુ સચીન રાજ્યસભા માટે સમય કાઢી શકશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરનારાઓની સંખ્યા પણ મોટી છે.

 

૩૯ વર્ષીય સચીને કહ્યું હતું કે ક્રિકેટના ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ તેને આ બહુમાન એનાયત થયું છે. ૨૨ વર્ષ સુધી ક્રિકેટના ક્ષેત્રે કરેલા કામને જોઈને રાષ્ટ્રપતિએ તેનું નામ પસંદ કર્યું હોવાનું તે માને છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારા ભારતીય ક્રિકેટરે જણાવ્યું હતું કે સુરસામ્રાજ્ઞાી લતા મંગેશકર અને અભિનેતા પૃથ્વીરાજ કપુરને પણ રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા.