Last Update : 01-May-2012, Tuesday

 

શું હમીદ અન્સારી ભારતના નવા રાષ્ટ્રપતિ બનશે?

યુપીએના ઘટક પક્ષો સિવાયના દેશના તમામ વિપક્ષો ભેગા થઇને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને ફરીથી રેસમાં ઉતારવાની સંભાવનાઓ ચકાસી રહ્યા છે

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે. અમેરિકાની જેમ ભારતમાં પ્રમુખશાહી પદ્ધતિ ન હોવાથી દેશના મતદારોનો કોઇ અવાજ રાષ્ટ્રપતિની પસંદગીમાં હોતો નથી. લોકસભાના અને રાજ્યસભાના સંસદસભ્યો ઉપરાંત રાજ્યની વિધાનસભાઓના સભ્યો મળીને દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ ટૂંકમાં નિવૃત્ત થવાના છે અને તેમના સ્થાને નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં સત્તાધારી યુપીએ અથવા વિપક્ષો પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે રસાકસી થવાની સંભાવના છે. આ રસાકસી ટાળવાનો એકમાત્ર ઉપાય સર્વાનુમતે રાષ્ટ્રપતિની વરણી કરવાનો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વાનુમતે કરવી હશે તો તેમાં પહેલા નંબરે વર્તમાન ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારીનું નામ આવે છે.
થોડા સમય અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારે સૂચન કર્યું હતું કે આગામી રાષ્ટ્રપતિ બિનરાજકીય વ્યક્તિ હોવા જોઇએ. તેને પગલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ સર્વાનુમતે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બને એવી સંભાવના વ્યક્ત થઇ રહી હતી. ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે જો અબ્દુલ કલામ ચૂંટણી લડવા માંગતા હશે તો તેઓ તેમને ટેકો આપશે. શરદ પવારનો પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સત્તાધારી ગઠબંધનનો હિસ્સો હોવાથી શાસક પક્ષ પણ કલામને સંમતિ આપે એવી સંભાવના હતી, પણ શાસક મોરચાના અન્ય ઘટક પક્ષ ડીએમકેએ કલામના નામનો વિરોધ કરીને તેમની બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની સંભાવના ઉપર ઠંડું પાણી રેડી દીધું છે. અબ્દુલ કલામ પણ તામિલનાડુના હોવાથી ડીએમકેના સુપ્રિમો કરુણાનિધિ તેમની ઉમેદવારીનો જાહેરમાં વિરોધ નહીં કરે, પણ તેમણે યુપીએના નેતાઓને કલામ માટેની તેમની અનિચ્છા જણાવી દીધી છે. ઇ.સ. ૨૦૦૭માં કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે કરુણાનિધિના રાજકારણપ્રવેશની સુવર્ણજયંતિ ઉજવવામાં આવી હતી. આ સમારંભમાં ભાગ લેવાની કલામે ના પાડી દીધી ત્યારથી કરુણાનિધિ કલામની વિરુદ્ધ થઇ ગયા છે. આ ઘટના કલામને હવે નડી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ જેટલા મતોની જરૃર પડે એટલા મતો કોંગ્રેસ પાસે નથી. રાજ્યસભામાં યુપીએ પાસે સ્પષ્ટ બહુમતી નથી અને અનેક રાજ્યોની વિધાનસભાઓમાં બિનકોંગ્રેસી સરકાર છે. આ કારણે કોંગ્રેસ ધારે તો પણ પોતાની પસંદગીના ઉમેદવારને રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજમાન કરી શકે તેમ નથી. આ સંયોગોમાં કોંગ્રેસે રાષ્ટ્રપતિની પસંદગીને સરળ બનાવવી હશે તો યુપીએના પોતાના સાથીપક્ષો ઉપરાંત વિપક્ષોની પણ સહાય લેવી પડશે. કોંગ્રેસ પાસે અત્યારે રાષ્ટ્રપતિપદના ત્રણ ઉમેદવારો વિચારણા હેઠળ છે. તેની પ્રથમ પસંદગી નાણાં પ્રધાન પ્રણવ મુખરજી છે. બીજી પસંદગી વર્તમાન ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારી છે. તેઓ મુસ્લિમ છે એ તેમની સૌથી મહત્ત્વની લાયકાત છે. કોંગ્રેસની ત્રીજી પસંદગી લોકસભાના સ્પીકર મીરા કુમાર છે, જેઓ મહિલા હોવા ઉપરાંત દલિત પણ છે. પ્રણવ મુખરજી જો રાષ્ટ્રપતિ ભવનમાં જવા તૈયાર થાય તો કોંગ્રેસને સરકારમાં તેમની ખોટ પડે તેમ છે, કારણ કે તેઓ યુપીએ સરકારના સંકટમોચક તરીકે જાણીતા છે. પ્રણવ મુખરજીને ખ્યાલ આવી ગયો છે કે રાહુલ ગાંધીના કારણે તેઓ દેશના વડાપ્રધાન બની શકે તેમ નથી. તેના કરતાં રાષ્ટ્રપતિ તરીકે રાજકારણમાંથી નિવૃત્ત થવામાં વધુ શાણપણ તેમને દેખાય છે. વળી પ્રણવ મુખરજી પશ્ચિમ બંગાળના હોવાથી તેમને ડાબેરી મોરચાનો પણ ટેકો મળી રહે તેમ છે. પરંતુ પ્રણવ મુખરજીની સંકટમોચક તરીકેની ઉપયોગિતા તેમને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનતા રોકી રહી છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતમાં ચર્ચા કરવા ડીએમકેના સર્વેસર્વા કરુણાનિધિને મળ્યા હતા. આ કામ પ્રણવ મુખરજીને ન સોંપવામાં આવ્યું તેને કારણે એવી વાતો વહેતી થઇ છે કે પ્રણવ મુખરજી પોતે પાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે. જોકે ડીએમકેના સર્વેસર્વા કરુણાનિધિએ પોતાની પસંદગી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો પૈકી ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારી ઉપર ઢોળી હોવાથી યુપીએના સર્વાનુમત ઉમેદવાર તરીકે હમીદ અન્સારી ભારતના આગામી રાષ્ટ્રપતિ બને એવી સંભાવના ઉજ્જવળ બની છે.
ભારતના આગામી રાષ્ટ્રપતિ તરીકે ભાજપે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામનું નામ વહેતું મૂક્યું ત્યારે તેને આશા હતી કે યુપીએના ઘટક પક્ષો પણ સર્વસંમત ઉમેદવાર તરીકે કલામના નામને અપનાવી લેશે. શરદ પવારે કલામને ટેકો આપતું નિવેદન કર્યું તે સાથે આ આશા વધુ ઉજ્જવળ બની હતી. પરંતુ કરુણાનિધિના વિરોધને કારણે સર્વસંમત ઉમેદવાર તરીકે કલામના નામ ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. હવે ભાજપ વિપક્ષના સર્વસંમત ઉમેદવાર તરીકે કલામનું નામ વહેતું મૂકે તે અલગ બાબત છે, પણ કલામ આવી રસાકસીમાં ઉતરવાનું પસંદ કરશે નહીં. ભાજપ જો યુપીએના સાથીપક્ષો સિવાયના તમામ પક્ષોને સાથે લાવી શકે તો તે પોતાના ઉમેદવારને કદાચ જીતાડી શકે છે, પણ તેવી સંભાવના પાંખી છે.
ઉપ-રાષ્ટ્રપતિ હમીદ- અન્સારીના જમા પક્ષે એ બાબત છે કે તેઓ મુસ્લિમ છે અને બિનરાજકીય વ્યકિત છે. તેઓ બિનરાજકીય હોવાના કારણે શરદ પવારના પક્ષનો ટેકો પણ તેમને મળી શકે તેમ છે. વળી ડીએમકેના અધ્યક્ષ કરુણાનિધિએ હમીદ અન્સારી બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. હમીદ અન્સારી ઉપ-રાષ્ટ્રપતિ હોવાના નાતે પણ રાષ્ટ્રપતિપદના સૌથી પ્રબળ દાવેદાર છે. વળી તેઓ મુસ્લિમ હોવાથી સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ જેવા પક્ષોનો ટેકો તેમને આસાનીથી મળી શકે તેમ છે. ભાજપ જો વિપક્ષના ઉમેદવાર તરીકે અબ્દુલ કલામને જંગમાં ઉતારવા માંગતો હોય તો પણ મુસ્લિમ તરીકે તેઓ કલામનો આસાનીથી મુકાબલો કરી શકે તેમ છે. તેઓ વિદ્વાન હોવાથી ડાબેરી પક્ષોનો ટેકો મેળવવામાં પણ તેમન મુશ્કેલી નહીં પડે. આ જ કારણે તેમને મમતા બેનરજીના પક્ષનો ટેકો પણ મળી રહેશે.
કરુણાનિધિના ડીએમકે પક્ષ પાસે લોકસભામાં ૧૮, રાજ્યસભામાં ૭ અને તામિલનાડુની વિધાનસભામાં માત્ર ૨૩ વિધાનસભ્યો છે, પણ યુપીએ પાસે લોકસભામાં પાતળી બહુમતી હોવાથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડીએમકેના સાથની કિંમત વધી જાય છે. આ કારણે જ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બાબતમાં કરુણાનિધિને પૂછ્યા વિના તેઓ પાણી પણ પી શકે તેમ નથી. ભાજપે જ્યારે સર્વસંમત ઉમેદવાર તરીકે અબ્દુલ કલામનું નામ વહેતું મુક્યું ત્યારે કોંગ્રેસમાં પણ તેમની તરફેણમાં માહોલ પેદા થઇ રહ્યો હતો, પણ કરુણાનિધિ કલામને નડી ગયા હતા. રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસની પહેલી પસંદ હમીદ અન્સારી નહોતા પણ પ્રણવ મુખરજી હતી, પણ કરુણાનિધિએ હમીદ અન્સારીની તરફેણ કરતાં કોંગ્રેસને પોતાની વ્યૂહરચના બદલવી પડશે. આ રીતે માત્ર ૨૫ સંસદસભ્ય ધરાવતો પક્ષ દેશના રાષ્ટ્રપતિ નક્કી કરવાની સ્થિતિમાં છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ ચૂંટવા માટે જે સ્પષ્ટ બહુમતીની જરૃર છે એ કોઇ પક્ષ અથવા ગઠબંધન પાસે નથી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને તેમની સંભવિત ઉમેદવારી બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મગનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો હતો. તેનો અર્થ એવો થયો છે કે કલામે હજી પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. યુપીએ સિવાયના તમામ વિપક્ષો હજી પણ ભેગા થઇને વિપક્ષના સર્વસંત ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા કલામને સમજાવી રહ્યા છે. સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ પણ ઇ.સ. ૨૦૦૨ની જેમ કલામની ઉમેદવારીને ટેકો આપે એવી સંભાવના છે. તાજેતરમાં નવી દિલ્હીમાં મુખ્ય પ્રધાનોની પરિષદ યોજાઇ ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક અને તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ અલગ બેઠક યોજી હતી . આ બેઠકનો હેતુ પણ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના સર્વસંમત ઉમેદવાર નક્કી કરવાનો હોઇ શકે છે. આવતી ચોથી મેના રોજ પાટનગરમાં એનસીટીસીના મુદ્દે ફરીથી રાજ્યોના મુખ્યપ્રધાનો ભેગા થવાના છે. એ વખતે વિપક્ષના સર્વસંત ઉમેદવારની રણનીતિ ફાઇનલ થશે એમ માનવામાં આવે છે.
તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા અબ્દુલ કલામને વિપક્ષના સર્વસંમત ઉમેદવાર બનાવવાની બાબતમાં સક્રિય છે. તેઓ ચોથી મેના દિલ્હી આવ્યા પછી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને, પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલને, સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવને અને ટીડીપી તેમ જ એનસીપીના નેતાઓને પણ મળે એવી સંભાવના છે. જો ભારતના તમામ વિરોધ પક્ષો ભેગા થઇને કલામને સર્વસંમત ઉમેદવાર બનવાની વિનંતી કરે તો તે તેઓ તૈયાર થઇ જાય તેમ છે. આ સંયોગોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અત્યંત રસાકસીભરી થઇ શકે છે. જો કલામ આવી સ્પર્ધામાં ઉતરવાનો ઇનકાર કરી દે તો હમીદ અન્સારી માટે શ્રેષ્ઠ તકો છે. જોકે યુપીએના નેતાઓ છેલ્લી ઘડીએ કોઇ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારે અને મીરા કુમાર જેવાં દલિત નેતા રાષ્ટ્રપતિ બની જાય એ પણ સંભવિત છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved