કપાસની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો

 

-કપાસનો સારો ફાલ થતાં નોંધણીને આધીન

 

મુંબઈ,તા.૩૦

 

કેન્દ્ર સરકારે આજે રૃની વધુ નિકાસ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો રૃની નિકાસ માટે કોઈ ટોચમર્યાદા પણ બાંધવામાં આવી નથી અને વધુ નિકાસ કરવા માટે હવે સરકારે ફરી નિકાસ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. આજે દિલ્હીમાં કૃષિ પ્રધાન શરદ પવારને મળ્યા પછી વાણિજય પ્રધાન આન ંદ શર્માએ ઉપર મુજબ નિર્ણય થયાનું જણાવ્યું હતું. ગયા મહિને જો કે સરકારે રૃની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો પરંતુ વધુ નિકાસ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ આપવાની પ્રક્રિયા થંભાવી દીધી હતી અને એ વખતે અગાઉ થયેલા નિકાસ રજીસ્ટ્રેશન સામે જ શિપમેન્ટ કરવાની છૂટ આપી હતી.

 

જો કે હવે આજે થયેલા નિર્ણય મુજબ રૃની વધુ નિકાસની છૂટ અપાતાં નિકાસ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરી શરૃ કરાઈ છે. યુપીએના અધ્યક્ષા સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલની આગેવાની હેઠળ ગુજરાતના કોંગ્રેસના સંસદસભ્યો તથા અર્જુન મોઢવડિયા તાજેતરમાં વડાપ્રધાન મનમોહન સિંહ તથા નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી અને વાણિજય પ્રધાન આનંદ શર્માને મળ્યા હતા અને રૃની વધુ નિકાસછૂટ આપવા રજૂઆત કરાઈ હતી. કૃષીપ્રધાન શરદ પવારે પણ તાજેતરમાં નિકાસ છૂટ માટે તરફેણ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રૅધાન નરેન્દ્ર મોદીએ પણ રૃનીનિકાસ માટે માગણી કરી હતી. દરમિયાન, હવે રૃની નિકાસ પર જથ્થાત્મક કોઈ ટોચ મર્યાદા રાખવામાં આવી નથી પરંતુ એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ દર બે-ત્રણ સપ્તાહે મળશે અને રૃની નિકાસ સ્થિતિનું મુલ્યાંકન કરશે તથા તેના આધારે ભવિષ્યમાં નિર્ણયો કરાશે એવું આનંદ શર્માએ જણાવ્યું હતું.

 

ભારતમાં ૨૦૧૧-૧૨ના ચાલુ રૃ વર્ષમાં ઉત્પાદન ૩૪૭ લાખ ગાંસડી થવાનો અંદાજ રૃ સલાહકાર બોર્ડ દ્વારા તાજેતરમાં બહાર પડયો હતો. ઘરઆંગણે રૃનો વપરાશ ૨૫૦ લાખ ગાંસડીનો અંદાજાયો છે. અત્યાર અગાઉ સરકારે ૧૩૦ લાખ ગાંસડીની નિકાસ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈસ્યુ કર્યા હતા જે પૈકી આશરે ૧૧૫થી ૧૨૦ લાખ ગાંસડીનું શિપમેન્ટ થઈ ગયું છે. હવે વધુ નિકાસ રજીસ્ટ્રેશન શરૃ થનાર છે. રૃમાં ઉત્પાદન વધતાં ભારત વિશ્વ બજારમાં નિકાસના નવા રેકોર્ડ આ વર્ષે સર્જી રહ્યું છે. દરમિયાન, ભારત વધુ નિકાસ છૂટ આપશે એવી આશાએ વિશ્વ બજારમાં ગયા સપ્તાહના અંતભાગમાં ન્યુયોર્ક રૃ વાયદો ૧૦૮ પોઈન્ટ તૂટયો હતો. આમ વિશ્વ બજારમાં ભાવો દબાણ હેઠળ રહ્યા છે. ભારતમાં પણ હવે મોસમના આખરી મહિનાઓ રહેતાં મથકોએ જે માલો બજારમાં આવી રહ્યા છે તેની ગુણવત્તા નબળી આવી રહી છે. નિકાસકારોના હાથ પર અગાઉ લઈ ગયેલા માલો સિલ્લક રહ્યા છે ચોમાસાની આગાહી હકારાત્મક થઈ છે. દેશમાં આગામી નવી મોસમમાં પણ રૃનો પાક સારો થવાની આશા છે. આ બધા સંજોગોમાં હવે રૃની નિકાસમાં કેવી સ્થિતિ ઊભી થાય છે અને તેવા નવા સોદા પડે છે તેના પર બજાર તથા કાપડ ઉદ્યોગની નજર રહી છે. રૃની નિકાસછૂટ અપાયા પછી આજે કચ્છ-સૌરાષ્ટ્ર લાઈનમાં ગુજ
રાત સંકર-૪માં રૃ.૩૫૦૦૦થી ૩૫૨૦૦ના ભાવોએ નિકાસકારોેએ થોડો માલ લીધાના સમાચારો હતા. મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ સારા માલોના ભાવો રૃ.૩૩૫૦૦થી ૩૪૫૦૦ તથા ગુજરાતમાં સારાના ભાવો ઉંચામાં રૃ.૩૫૫૦૦ રહ્યા હતા. રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ નરમા રૃના ભાવો મણના વધી આજે જાતવાર રૃ.૩૪૦૦થી ૩૭૫૦ રહ્યા હતા. કપાસ વાયદામાં આજે તેજીની સર્કિટ કોમોડિટીઝ એક્સચેન્જો પર લાગી હતી અને વાયદા બજારમાં વોલ્યુમ પણ વધ્યું હતું.

 

દરમિયાન કાપડ મિલો હાલ નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. દક્ષિણ ભારતમાં મિલોમાં વીજકાપની સમસ્યા પણ વધી છે. ઉત્પાદનની શિફટો ઘટી છે. યાર્નમાં પણ માંગ પાંખી રહી છે. મિલોમાં ઉઘરાણીના ધાંધીયા વધ્યા છે. આવી સ્થિતિમાં રૃની નિકાસ વધશે અને ભાવો ઉંચા જશે તો મિલો માટે નવા પ્રશ્નો સર્જાવાની શક્યતા મિલ વર્તુળોએ દર્શાવી છે.

 

દરમિયાન ભારતે રૃની વધુ નિકાસ છૂટ આપતાં વિશ્વ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ન્યુયોર્ક વાયદા બજારમાં ચાલુ બજારે ભાવો ૭૫થી ૧૨૫ પોઈન્ટ નીચા ચાલી રહ્યા હતા એવા સમાચારો મુંબઈમાં સોમવારે મોડી સાંજે મળ્યા હતા.