નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ

 

 

- મોન્ટે કાર્લો બાદ સાતમી વખત બાર્સેલોના ઓપનમાં જીતી

 

- ઓપન એરામાં આવી સિધ્ધિ મેળવનારો પ્રથમ ખેલાડી

 

બાર્સેલોના,તા.૩૦

 

ક્લે કોર્ટ કિંગ સ્પેનીશ જાયન્ટ નડાલે તેના જ દેશના ફેરરને ફાઇનલમાં ૭-૬, ૭-૫થી હરાવીને રેકોર્ડ સાતમી વખત બાર્સેલોના ઓપન ક્લે કોર્ટ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. આ સાથે નડાલ સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતનારો ઓપન એરાનો પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. નડાલે બાર્સેલોના ઓપનની ફાઇનલમાં તેના મિત્ર ફેરરને ચોથી વખત હરાવીને ટાઇટલ જીત્યું હતુ.

 

વર્લ્ડ ટુરમાં પ્રવેશના ૧૦ વર્ષની ઉજવણી નડાલે બાર્સેલોના ઓપન જીતીને કરી હતી. નડાલે હજુ ગત સપ્તાહે જ સતત આઠમી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ જીતી હતી અને હવે સતત ૩૪મી જીત સાથે તેણે સાતમી વખત બાર્સેલોના ઓપનનો તાજ પોતાના નામે કર્યો હતો.

 

૨૫ વર્ષીય નડાલનું આ કારકિર્દીનું ૪૮મું ટાઇટલ હતુ અને તેની ફેવરિટ સરફેસ ક્લે કોર્ટ પર તેણે ૩૪મી ટુર્નામેન્ટ જીતી હતી. નડાલે વિજય મેળવ્યા બાદ કહ્યું કે, ક્લે સિઝનની શરૃઆત બાદ આજની મેચ મારા માટે સૌથી મુશ્કેલ રહી. મને લાગે છે કે મારા કરતાં ફેરર આ ટાઇટલ જીતવાનો વધુ પ્રબળ હકદાર હતો. મારે તેને બાકીની કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવી જોઇએ.

 

હાઇપ્રોફાઇલ ફાઇનલના પ્રથમ સેટમાં બંને ખેલાડીઓએ જોરદાર રમત દર્શાવી હતી. ફેરર એક તબક્કે ૬-૫થી આગળ હતો અને નડાલની સર્વિસમાં તેને પાંચ સેટ પોઇન્ટ મળ્યા હતા પણ તે તેમાંથી એકેય કન્વર્ટ કરી શક્યો નહતો. જે પછી ટાઇ બ્રેકરમાં નડાલે ૭-૧થી બાજીમારી હતી. બીજા સેટમાં પણ એક તબક્કે ફેરરે ૫-૪થી સરસાઇ મેળવી હતી પણ નડાલે તેની સર્વિસ તોડીને સ્કોર ૫-૫ કરી દીધો હતો અને ત્યાર બાદ નડાલે વિજય મેળવ્યો હતો.

 

નડાલે તેની પ્રોફેશનલ ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ ૧૫ વર્ષની ઊંમરે ૨૯ એપ્રિલ, ૨૦૦૨ના રોજ કર્યો હતો. તેણે મયોર્કા ઓપનમાં પારાગ્વેના ડેલ્ગાર્ડોને પ્રથમ રાઉન્ડમાં ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. હવે તે ઓપન એરામાં સૌથી વધુ ક્લે કોર્ટ ટાઇટલ જીતવાના થોમસ મુસ્ટરના ૪૦ ટાઇટલના રેકોર્ડથી માત્ર છ જ ટાઇટલ દૂર છે. જ્યારે આ યાદીમાં ગુલેર્મો વિલાસ ૪૫ ટાઇટલ સાથે ટોચ પર છે.ક્લે કોર્ટ પર તેને માત્ર બે જ ખેલાડીઓ હરાવી શક્યા છે, જેમાં વર્લ્ડ નંબર વન યોકોવિચ અને ત્રીજો ક્રમાંક ધરાવતા ફેડરરનો સમાવેશ થાય છે.