પાકિસ્તાનમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાય તેની શક્યતા નહીંવત્

 

 

- બાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો

 

- પાકિસ્તાનને ફટકોઃ

 

રાચી,તા.૩૦

 

બાંગ્લાદેશે પણ ક્રિકેટ ટીમને મળી રહેલી ધમકીઓને પગલે પાકિસ્તાનનો એક વન ડે અને ટ્વેન્ટી-૨૦ મેચ માટેનો પ્રવાસ હાલ પુરતો પડતો મુક્યો છે. જેના પરિણાંમે હવે પાકિસ્તાનમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન શરૃ થાય તેની શક્યતા નહીવત બની ગઇ છે. બાંગ્લાદેશના હાઇ કમિશને જાહેરાત કરી હતી કે, અમે જેવી પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ ખેડવાની જાહેરાત કરી તેની સાથે જ અમને ધમકીભર્યા ઇમેલ, સંદેશા તેમજ પત્રો મળવા શરૃ થઇ ગયા.પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર માર્ચ, ૨૦૦૯માં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. લાહોરમાં થયેલા આ હુમલા બાદ ક્રિકેટ જગતની કોઇ પણ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઇ નથી.

 

જે પછી ભારે પ્રયાસો બાદ પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશને એક વનડે અને એક ટ્વેન્ટી-૨૦ રમવા માટે પોતાને ત્યાં પ્રવાસ ખેડવા માટે મનાવ્યું હતુ.

 

બાંગ્લાદેશે પણ સિક્યોરીટીની પુરતી ચકાસણી બાદ ખુબ જ ટુંકા પ્રવાસને મંજુરી આપી હતી. જો કે બોર્ડના નિર્ણયને કારણે બાંગ્લાદેશના ટોચના ખેલાડીઓ નારાજ પણ હતા.દરમિયાનમાં પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના એહવાલમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર રોહલ આલમ સિદ્દિકીને ટાંકીને જણાવાયું છે કે, અમારી ક્રિકેટ ટીમ પર આંતકવાદીઓના હૂમલાનો ગંભીર ખતરો હોવાથી અમે પ્રવાસને હાલ પુરતો પડતો મુક્યો છે.

 

અમારી ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન ખેડે તેવી ધમકીઓ મળવાની શરૃ થઇ ગઇ હતી. ટીમ પાકિસ્તાન આવશે તો તેના પર આતંકવાદીઓ હુમલો કરે તેવો ભય હતો અને તેના પરિણાંમે અમે પ્રવાસ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.

 

સિદ્દિકીએ એમ પણ ઊમેર્યું કે, અમે પાકિસ્તાનના સત્તાવાળાઓને આ અંગે જાણ કરી દીધી છે. હું આ પ્રવાસ પડતો મુકાતા ખુબ જ નિરાશ થયો છું. જો કે મને આશા છે કે જલ્દી પરિસ્થિતી સુધરશે અને અમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડીશું.

 

દરમિયાનમાં બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે સલામતીના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ હાલ પુરતો રદ કરવાની જાણ પીસીબીને કરી દીધી છે.આ સાથે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનુ આયોજન ફરી શરૃ કરવાના ક્રિકેટ બોર્ડના પ્રયાસોને મરણતોલ ફટકો પહોંચ્યો છે. શ્રીલંકાની ટીમ પર થયેલા હુમલા બાદ ક્રિકેટ જ નહીં અન્ય રમતની ટુર્નામેન્ટમાં ભાગ લેવા પણ વિદેશી ટીમો પાકિસ્તાનમાં રમવાનું ટાળતી રહી છે. તાજેતરમાં ચીન તેની હોકી ટીમને પાકિસ્તાન મોકલી હતી અને બંને દેશો વચ્ચે હોકીની ટેસ્ટ મેચ રમાઇ હતી. જો કે હોકી બાદ ક્રિકેટનું આયોજન કરવાના પાકિસ્તાન બોર્ડના પ્રયાસને શરૃઆતમાં જ આંચકો લાગ્યો છે. જેના કારણે હવે પાકિસ્તાનને તેની ઘરઆંગણાની મેચો અન્યત્ર રમાડવાનું ચાલુ રાખવું પડશે.

 

પાકિસ્તાનના પ્રવાસના આયોજનથી નારાજ ભૂતપૂર્વ ક્રિકેટરે સ્થાનિક કોર્ટમાં કેસ કર્યો હતો અને જણાવ્યું હતુ કે સલામતિની ચિંતા હોવા છતાં બોર્ડ ખેલાડીઓની પાકિસ્તાન મોકલી રહ્યું છે. જેના પરિણાંમે સ્થાનિક કોર્ટે પ્રવાસને સ્થગિત કરવાનો આદેશ કર્યો હતો.