બાળકો પર સાયબર ટેકનોલોજીની માઠી અસર જોવા મળી

 

- પત્ર લખી ન શકનાર બાળકો ચેટીંગમાં પાવરધા

 

- વાલીઓ વિમાસણમાં

 

અંકલેશ્વર,તા.૩૦

 

વકેશનનાં રજાનાં સમયમાં ગામ મહોલ્લા કે શેરીમાં રમાતી ગીલ્લી દંડા, લખોટી, ભમેડા જેવી દેશી રમતો હવે લુપ્ત બની ગઈ છે. જ્યારે એનું સ્થાન આજની આધુનિક વિડીયોગેમ, સોશ્યલ નેટવર્કિંગ સાઈટ કે પછી મોબાઈલે લઈ લીધુ છે. બાળકોના જીવનમાંથી હવે ટીવી, બાઈક, મોબાઈલ તેમજ ઈન્ટરનેટથી દુર રાખી શકાય એમ નથી અને આ બધી આધુનિક સુવિધાઓની બાળકોનાં કુમળા મન પર માઠી અસરથી વાલીઓ ચિંતાતુર બન્યા છે.

 

હાલમાં ઉનાળુ વેકેશન અને ગરમીનાં પ્રકોપ સામે ઘરની બહાર રમવા જવુ બાળકો માટે કપરૃ બન્યુ છે અને ગામ મહોલ્લા કે શેરીમાં રમાતી દેશી રમતો પણ ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે. જેની સામે ઈન્ડોર ગેમ હવે વધુ પ્રચલિત થઈ રહી છે. બાળકોમાં વિવિધ કારણોસર ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં આનંદ, મનોરંજન અને પરસ્પર સંદેશા વ્યવહારનો ઉદ્દેશ સૌથી મોખરે છે.

 

આજકાલ ફેસબુકનો જમાનો છે. ફેસબુક સોશ્યલ નેટવર્કિંગ સાઈટથી સૌ કોઈ પરિચિત બન્યા છે. આજનાં બાળકોને કાગળ પર પત્ર લખતા નથી આવડતુ પરંતુ મોબાઈલ પરથી મેસેજ તથા ઈન્ટરનેટથી ઈ-મેઈલ મોકલવાની કળામાં મોટેરાઓ કરતા પણ વધુ પાવરધા બન્યા છે. બાળકો માટે આ માધ્યમો સ્કુલ બાદ ઘરમાં સુલભ બન્યુ છે જેનો આ પ્રતાપ છે.

 

બાળકોની શીખવાની સમજવાની નવુ જાણવાની પ્રવૃત્તિ માટે ઈનેટરનેટ પણ એક ગુરુની ગરજ સારી શકે છે. પરંતુ તેની સાથે - સાથે બાળક કોઈ અન્ય પ્રવૃત્તિઓ જેવી કે અક્ષોભનીય ચલચિત્રો કે અશ્લીલ ફિલ્મો જોવા જેવી પ્રવૃત્તિ નહીં કરે તેવી ચિંતા વાલીઓને કોરી ખાઈ રહી છે.

 

ઈન્ટરનેટથી બાળક સેક્સ, નશો કે ગુનાખોરીનાં માર્ગે ચઢી જશે તેવો ભય પણ વાલીઓમાં રહે છે. એક તજજ્ઞાનાં જણાવ્યા અનુસાર વાલીઓએ બાળકોને સુખ સુવિધાનાં સાધનો ઉપલબ્ધ કરાવે તે જરૃરી પણ છે અને જો બાળક તેનો દુરઉપયોગ કરે ત્યારે આવા સમયે વાલીઓએ તેની સાથે હિંસા પ્રવૃત્તિ કરીને તેને તેનાંથી દૂર રાખવા જોઈએ નહીં. નહીંતર તેની બાળકનાં કુમળા મન પર વિપરિત અસર પહોં શકે છે. તેનાં બદલે બાળકને પ્રેમથી વાતચીત કરીને આ માધ્યમોનાં ફાયદા ગેરફાયદા વિશે માહિતગાર કરવા જોઈએ.

 

બાળકોને પુસ્તકોનું આકર્ષણ નથી

 

એક સમય હતો કે વેકેશન કે અન્ય ફ્રિ સમયનો ઉપયોગ બાળકો વાર્તાનાં પુસ્તકો, ધાર્મિક કથા કે કાર્ટૂન કોમિક્સ વાંચીને પણ રજાઓનો સદ્દઉપયોગ કરતા હતા અને તેમાંથી કંઈક નવુ શિખવાની વૃત્તિ રાખતા હતા પરંતુ હવે મોબાઈલ કોમ્પ્યુટર તેમજ ખાસ કરીને ઈન્ટરનેટનાં આ યુગમાં પુસ્તકોની દુનિયા બાળકો માટે ભુલાઈ રહી છે અને આખુ વર્ષ પુસ્તકીયા જ્ઞાાનમાં અટવાયેલા રહેવા બાળકો પણ નથી ઈચ્છતા કે ઈતર પ્રવૃત્તિમાં કોઈ પુસ્તક વાંચવુ પડે.