હવે અક્ષયકુમાર તીર્થ યાત્રાએ જવાને બદલે જરૃરિયાતમંદોને સહાય કરે છે

 

- પરેશ રાવલનું નાટક જોઈને ઈશ્વરને જોવાની નજર બદલાઈ

- જરૃરિયાતમંદ પાંચ પરિવારને રૃ.એક-એક લાખ આપું છું

 

અક્ષય કુમાર હમણા ઘણો બદલાઈ ગયો છે. પરેશ રાવલના નાટક 'કિશન વિ. કનૈયા'એ ભગવાન સાથેના તેના સંબંધોમાં ઘણો ફેરફાર કરાવ્યો છે.
અક્ષયે જણાવ્યા પ્રમાણે ''ધાર્મિક વિધિ અને પરંપરામાં મને ઘણો વિશ્વાસ હતો. પરેશનું નાટક જોયા પછી આધ્યાત્મિકતા તેમ જ ભગવાન તરફ જોવાની મારી નજર ઘણી બદલાઈ ગઈ છે. કદાચ એટલે જ રાજકુમાર હિરાણી સહિત ઘણા લોકો આ નાટક જોવા આવે છે. કારણ કે, નાટક ઘણું રસપ્રદ છે.''
અક્ષયે વધુમાં જણાવ્યા પ્રમાણે, ''એક ઉદાહરણ આપું તો, દર વર્ષે હું વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જતો હતો અને આ પ્રવાસ દરમિયાન હું ઓછામાં ઓછા રૃ.પાંચ લાખ ખર્ચતો હતો. આ નાટકે ભગવાનની પ્રાર્થના કરવાનો એક બીજો માર્ગ મને દેખાડયો છે. હવે મને વૈષ્ણોદેવી જવાનું મન થાય ત્યારે હું એક કેન્સર હોસ્પિટલની બહાર ઊભો રહું છું અને જરૃરિયાતમંદ પાંચ પરિવારને રૃ.એક-એક લાખ આપું છું, આ રીતે હું પાંચ વાર વૈષ્ણોદેવીના દર્શન કરું છું. અમે ભગવાનથી ડરીએ છે એમ લોકો કેમ કહે છે એ મને સમજાતું નથી. ભગવાન લોકો તેમનાથી ડરે એમ ઈચ્છતા નથી. લોકો તેમને પ્રેમ કરે એવી તેમની ઈચ્છા છે.''
''આજે પ્રાર્થના કરવાનો મારો વિચાર સમૂળગો બદલાઈ ગયો છે. આ નાટકમાં કહ્યું છે કે, ભગવાન હાજરાહજુર છે પરંતું તેઓ આપણી પાસે ધન-દોલત કે ચીજવસ્તુઓની નહીં પરંતુ પ્રેમની આશા રાખે છે. લોકો તેમને પ્રેમ કરે એવી તેમની ઈચ્છા છે. અને તેમણે સર્જેલા માણસનો જરૃરિયા સમયે મદદ કરે એવી તેમની ઈચ્છા છે. આ સંદેશો ઉપદેશ તરીકે નહીં પરંતુ હળવાશથી આપવામાં આવ્યો છે. આ કારણે મેં પરેશને મળીને આ નાટક પર 'ઓએમજી ઓહ માય ગોડ' શિર્ષક પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું, '' એમ અક્ષયે વધુમાં જણાવ્યું હતું.