Last Update : 30-April-2012, Monday

 

સંરક્ષણ સોદાઓમાં આજે પણ વચેટિયાઓની બોલબાલા છે

સંરક્ષણ સોદાઓમાં કમિશન ખાવા બદલ સીબીઆઇએ વચેટિયાઓ સામે ૧૮ કેસો કર્યા છે, પણ મોટા ભાગના કેસોમાં તેઓ નિર્દોષ છૂટી જાય તેવી સંભાવના છે

ભારતના રાજકારણીઓની બે નંબરની કમાણીનું મુખ્ય સાધન શસ્ત્રોની ખરીદી છે. ભારત દુનિયાનો મોટામાં મોટો શસ્ત્રોની આયાત કરનારો દેશ છે. ઈ.સ. ૨૦૦૭ અને ૨૦૧૧ વચ્ચે ભારતે ૧૨ અબજ ડોલર (આશરે ૬૦,૦૦૦ કરોડ રૃપિયા)નાં શસ્ત્રોની ખરીદી કરી હતી. આગામી દાયકામાં આપણો દેશ આશરે ૧૦૦ અબજ ડોલરના શસ્ત્રોની આયાત કરવાનો છે. અત્યારે જે સોદાઓની ચર્ચા ચાલી રહી છે તેમાં ૯૦,૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે ૧૨૬ લડાયક વિમાનો ખરીદવાના છે. બીજી છ સબમરીન પાછળ ૫૦,૦૦૦ કરોડ રૃપિયા ખર્ચ થવાનો અંદાજ છે. અને ૨,૭૦૦ હોવિત્ઝર તોપો પાછળ આશરે ૨૦,૦૦૦ કરોડ રૃપિયા ખર્ચાવાના છે. સત્તાવાર રીતે ભારત સરકારે શસ્ત્રોના સોદામાં વચેટિયાઓની પ્રથા ઈ.સ. ૨૦૦૬ની સાલથી બંધ કરી છે, પણ તેમણે અલગ અલગ નામે પોતાની દુકાન ચાલુ જ રાકી છે. આજની તારીખમાં પણ શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા વચેટિયાઓને આશરે ૧૦ ટકા રકમ કમિશન તરીકે ચૂકવવામાં આવે છે, પણ તેને લિગલ ફી અથવા કન્સલ્ટન્સીનું નામ આપવામાં આવે છે. આપણા રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા સંરક્ષણવિષયક સોદાઓમાં એટલી બધી ગુપ્તતા રાખવામાં આવે છે કે તેમાં કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેની પ્રજાને સહેલાઇથી જાણ થઇ શકતી નથી.
તાજેતરમાં ભારતના લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે ઘટસ્ફોટ કર્યો કે ટેટ્રા ટ્રક્સની ખરીદીને મંજૂરી આપવા માટે તેમને ૧૪ કરોડ રૃપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ ધડાકાને પગલે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ આ સોદાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાનો આદેશ આપી દીધો હતો; પણ હકીકતમાં ટેટ્રા ટ્રક્સના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે એવી ફરિયાદ આજથી સાત વર્ષ અગાઉ કરવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં લશ્કરના માસ્ટર જનરલ ઓફ ઓર્ડનન્સ વિભાગના બ્રિગેડિયર આઇ.એમ. સિંહે ફરિયાદ કરી હતી કે ટેટ્રા ટ્રક્સની સપ્લાય માટે જે કંપની સાથે સોદો કરવામાં આવ્યો હતો તેને પડતી મૂકીને તેની શાખા જેવી કંપની પાસેથી ટ્રકોની ખરીદી કરવામાં આવી રહી છે, જે સંરક્ષણ ખાતાંની આચારસંહિતાની વિરુદ્ધ છે. આ આક્ષેપની તપાસ કરવાને બદલે બ્રિગેડિયર આઇ.એમ. સિંહની બદલી કરવામાં આવી હતી.
ઈ.સ. ૨૦૦૬ની સાલમાં ભારતના લશ્કર માટે પિનાકા રોકેટનું ઉત્પાદન કરતી બેભારતીય કંપનીઓએ આ રોકેટને માઉન્ટ કરવા માટે ૨૮ ટેટ્રા ટ્રક્સની જરૃર હતી. કેન્દ્ર સરકાર હસ્તકની કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ)એ તેમને ટ્રકદીઠ ૮૦ લાખ રૃપિયા ચૂકવવાનું કહ્યું હતું. તેમણે આ મુજબ રૃપિયા ચૂકવી પણ દીધા હતા. થોડા સમય પછી તેમને કહેવામાં આવ્યું હતું કે ટ્રકની કિંમત વધી ગઇ હોવાથી તેમણે ટ્રકદીઠ ૪૦ લાખ રૃપિયા વધારાના ચૂકવવા પડશે. બંને કંપનીઓએ વધારાના રૃપિયા ચૂકવવાનો ઈનકાર કરી દીધો હતો. ઈ.સ. ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય એચ. હનુમંથપ્પાએ આ ટ્રકની ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ દબાવી દેવામાં આવી હતી. આ ટ્રક્સની સપ્લાય કરતી રવિ ઋષિની ગ્લોબલ વેક્ટ્રા કંપનીએ ઈ.સ. ૨૦૧૦માં તેના ભાવો ૪૦ ટકા જેટલા વધારી મૂક્યા હતા. તો પણ સંરક્ષણ મંત્રાલયે ઈ.સ. ૨૦૧૦ના માર્ચ મહિનામાં વધારાની કિંમત ચૂકવીને ૭૮૮ ટેટ્રા ટ્રકોની ખરીદી કરી હતી.
ભારત સરકાર જાહેર ક્ષેત્રની આઠ કંપનીઓ અને ૪૦ ઓર્ડનન્સ ફેકટરીઓ પાસેથી શસ્ત્રોની ખરીદી કરે છે. આ ૪૦ ફેકટરીઓ ઉપર નિયમન કરવા માટે ઓર્ડનન્સ ફેકટરી બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડના અધ્યક્ષ તરીકે જે વ્યક્તિ આવે તે વચેટિયાઓથી વિંટળાયેલી હોય છે. ઈ.સ. ૨૦૦૯માં સીબીઆઇએ ઓર્ડનન્સ ફેકટરી બોર્ડના તત્કાલીન વડા સુદિપ્ત ઘોષની ધરપકડ કરી હતી. તેમની ઉપર એવો આરોપ હતો કે તેમણે બે ભારતીય અને ચાર વિદેશી કંપની પાસેથી લાંચ લઇને તેમની પાસેથી દારૃગોળો ખરીદ્યો હતો. સીબીઆઇના અહેવાલના આધારે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ આ છ કંપનીઓ ઉપર ૧૦ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમાં જે બે ભારતીયકંપનીઓ હતી તેમાંની એક ટી.એસ. કિસ્ન એન્ડ કંપની દિલ્હીની હતી અને બીજી આર.કે. મશીન ટૂલ્સ લુધિયાણાની કંપની હતી.
તાજેતરમાં ઈન્ડિયન એર ફોર્સ માટે ૯૦,૦૦૦ કરોડ રૃપિયાની કિંમતે ૧૨૬ ફાઇટર જેટ વિમાનો ખરીદવાનો સોદો પાર પાડવામાં આવ્યો છે. આ સોદો ફાઇનલ થયો તે પહેલાં પંદર દિવસે ફ્રાન્સનો જાણીતો શસ્ત્ર દલાલ બર્નાન્ડ બાઇઓક્કો દિલ્હીની મુલાકાતે આવ્યો હતો અને સંરક્ષણ ખાતાંના ઉચ્ચ અધિકારીઓને મળ્યો હતો. આ માણસ અગાઉ શસ્ત્રનું ઉત્પાદન કરતી થેલ્સ નામની કંપનીનો કર્મચારી હતો. આ કંપની રફાલે કંપનીને રડાર અને બીજાં સાધનો સપ્લાય કરતી હતી. બર્નાર્ડ બાઇઓક્કો દિલ્હીની મુલાકાતે આવ્યો તે અગાઉ યુરોફાઇટર નામની કંપનીને આ ઓર્ડર મળશે એ લગભગ નક્કી હતું, પણ બાઇઓક્કોની મુલાકાતને પગલે આ ઓર્ડર રફાલેને મળ્યો હતો. ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની પોલ ખોલનારા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદા બાબતમાં પણ શંકા વ્યક્ત કરી છે.
તાજેતરમાં સંરક્ષણ ખાતાંએ ઈન્ડિયન એર ફોર્સ માટે ૧૮૫૦ કરોડ રૃપિયાના ખર્ચે ૭૫ ટ્રેનર વિમાનો ખરીદવાનો સોદો ફાઇનલ કરી નાંખ્યો હતો. આ ઓર્ડર માટે મુખ્ય સ્પર્ધા સ્વિટઝરલેન્ડની પિલાટસ એરક્રાફટ લિમિટેડ અને કોરિયન એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ કંપની વચ્ચે હતી. સંરક્ષણ મંત્રાલયે આ ઓર્ડર પિલાટસ કંપનીને આપવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યાર બાદ કોરિયન કંપનીએ ફરિયાદ કરી હતી કે સ્વીસ કંપનીના ટેન્ડરમાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની કિંમત જ ગણવામાં આવી નહોતી, જેને કારણે તેમનું ટેન્ડર નીચી કિંમતનું હતું. આંધ્ર પ્રદેશના એક સંસદસભ્યે આ ફરિયાદ વડાપ્રધાનને કરી તેને પગલે ૭૫ ટ્રેનર વિમાનો માટેનો સોદો અટકાવી દેવામાં આવ્યો હતો. આવા તો અનેક સોદાઓ થઇ જતા હશે, જેમાં પડદા પાછળ શું રંધાઇ ગયું છે તેની જાણ ભારતની જનતાને ક્યારેય થતી નહીં હોય.
છેલ્લા એક દાયકામાં સીબીઆઇએ સંરક્ષણના સોદાઓમાં ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે ૧૮ કેસો ફાઇલ કર્યા છે. આ કેસોમાં શસ્ત્રોના દલાલો ઉપરાંત સંરક્ષણ ખાતાંઓના અધિકારીઓ ઉપર પણ આરોપો ઘડવામાં આવ્યા છે. ઈ.સ. ૨૦૦૫માં લંડનમાં રહેતા શસ્ત્રોના દલાલ વિપિન ખન્નાની અને દિલ્હીમાં રહેતા મોહિન્દર સિંહ સહાનીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર આરોપ હતો કે દક્ષિણ આફ્રિકાની કંપની ડેનેલ પાસેતી ૧૨૦૦ રાઇફલોની ખરીદીમાં તેમણે કમિશન ખાધું હતું. ઈ.સ. ૨૦૦૬માં શસ્ત્રોના દલાલ સુરેશ નંદા ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઈઝરાયલી કંપની પાસેથી બરાક એન્ટી મિસાઇલ સિસ્ટમની ખરીદીમાં તેમણે કમિશન ખાધું છે. ભારતની યુદ્ધનૌકાઓ ઉપર સાત બરાક મિસાઇલ ગોઠવવાના કોન્ટ્રેક્ટમાં કમિશન ખાવા બદલ શસ્ત્રોના દલાલ સુધીર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇ પુરવાર ન કરી શકી કે સુધીર ચૌધરીના વિદેશી ખાતાંમાં જે ડોલર જમા થયા હતા એ આ સોદાના કમિશન તરીકે હતા. આ કારણે સીબીઆઇએ પોતાનો કેસ બંધ કરી દીધો છે, પણ એન્ફોર્સમેન્ટ ડીરેકટરે સુધીર ચૌધરી સામેની તપાસ ચાલુ જ રાખી છે.
સીબીઆઇ દ્વારા શસ્ત્રોની ખરીદીમાં વચેટિયાની ભૂમિકા ભજવતા અનેક દલાલોની સામે કેસો ફાઇલ કરવામાં આવે છે, પણ તેમની સામેના આરોપો પુરવાર કરવાનું કામ અત્યંત મુશ્કેલ હોય છે, કારણ કે તેમાં વિદેશી કંપનીઓ અને વિદેશી બેન્કો સંડોવાયેલી હોય છે. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં ભારતીય નૌકાદળને ફ્રાન્સની થેલ્સ કંપનીએ બનાવેલી સ્કોર્પીન સબમરીનના સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવવા બદલ અભિષેક વર્માની ધરપકડ કરવામાં આવી હતી. વર્માનો સાગરીત રવિ શંકરન ભારતની બહાર છટકી જવામાં સફળ થયો હતો. અભિષેક વર્મા જામીન ઉપર છૂટી ગયો છે. જો ભારતની એજન્સી રવિ શંકરનને ભારત લાવવામાં સફળ નહીં થાય તો કદાચ અભિષેક વર્મા નિર્દોષ છૂટી જશે.
ઈ.સ. ૨૦૦૭માં રવિ ઋષિની અન્ય કંપની પણ વિવાદમાં ફસાઇ ગઇ હતી. એ વખતે ભારતના લશ્કર માટે ૧૯૭ યુરોપિયન બનાવટના હેલિકોપ્ટર ખરીદવાના હતા. આ હેલિકોપ્ટરનો ઓર્ડર રવિ ઋષિની કંપની ગ્લોબલ વેક્ટ્રા હોલિકોર્પને આપવાનું નક્કી થઇ ગયું હતું. આ કંપનીના અધ્યક્ષ ભારતીય લશ્કરના નિવૃત્ત લેફટનન્ટ જનરલ એસ.જે.એસ. સહગલ હતા. તેમના નાના ભાઇ એચ.એસ. સહગલ ત્યારે ભારતના લશ્કરમાં લેફટ. જનરલની નોકરીમાં ચાલુ હતા. તેમને જે યુરોકોપ્ટર હેલિકોપ્ટરની ચકાસણી કરવાનું સોંપવામાં આવ્યું હતું. ગ્લોબલ વેક્ટ્રાની પ્રતિસ્પર્ધી કંપનીએ આ સોદાનો વિરોધ કર્યો એટલે ૩,૦૦૦ કરોડ રૃપિયાનો આ સોદો રદ્ થઇ ગયો હતો.
સીબીઆઇએ ટેટ્રા ટ્રક્સના સોદામાં રવિ ઋષિ સામે અને બીઈએમએલ કંપનીના અજાણ્યા ઓફિસરો સામે એફઆઈઆર દાખલ કરી છે અને તપાસ શરૃ કરી છે. રવિ ઋષિની પૂછપરછમાંથી સીબીઆઇના ઓફિસરોને શસ્ત્રોના સોદાઓમાં વચેટિયાઓની ભૂમિકા બાબતમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે. આ વચેટિયાઓ જ રાજકારણીઓને ભ્રષ્ટાચાર આચરવાની સગવડ કરી આપે છે. સંરક્ષણ સોદાઓમાં જ્યાં સુધી વચેટિયાઓનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી આ ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થાય તે સંભવિત નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved