સોનિયા ગાંધીની કૃપાથી ઉત્તરાખંડનો રાજ્યપાલ બન્યો છું ઃ અઝીઝ કુરેશી

 

- નવા રાજ્યપાલની ટીપ્પણીએ સર્જેલો વિવાદ


- 'ગાંધી- નહેરુ પરિવારની વફાદારીનું મને ઇનામ મળ્યું છે

 

ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે નિમાયેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અઝીઝ કુરેશીએ જણાવ્યું હતું કે આ નિમણૂંક કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના આશીર્વાદના કારણે થઇ છે.


૧૯૫૧માં કોંગ્રેસ સાથે જોડાયેલા કુરેશીએ રાજ્યપાલ તરીકેની નિમણુંકને મોટા સન્માનરૃપ ગણાવી હતી. અઝિઝ કુરેશીએ કહ્યું હતું કે તેઓ હંમેશા ગાંધી અને નહેરુ પરિવારના વફાદાર રહ્યા છે અને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકેની નિમણૂંક આ વફાદારીનું વળતર છે. આવું માત્ર સોનિયા ગાંધીની કૃપાના કારણે જ બન્યું છે.


ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે હું એવી પેઢીમાંથી આવું છું જ્યાં રાજ્યપાલ બનાવવાને અપમાન તરીકે ગણવામાં આવે છે. રાજ્યપાલ બનવું એટલે સક્રિય રાજકારણથી દૂર થવું એવો અર્થ થાય છે. જો કે સમય બદલાયો છે અને હવે રાજ્યપાલ બનવું એ મોટા આદર સમાન બાબત છે.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અર્જુનસિંહ કોંગ્રેસમાં તેમના કરતાં જુનિયર છતાં તેમનું સ્થાન વધુ ઊંચું હતું.