વૅઇટ એન્ડ વૉચ ઃ રાષ્ટ્રપતિ પદ માટે રેસમાં હોવાનું કલામે નકાર્યું નહીં

 

- સપા, અન્ના દ્રમુક અને તૃણમૂલ કલામને રાષ્ટ્રપતિ બનાવવા સંમત

- કલામ ૨૦૦૨થી ૨૦૦૭ દરમ્યાન રાષ્ટ્રપતિ હતા

 

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ ફરીથી આ પદ માટે પસંદગી પામે એવી અટકળો વચ્ચે કલામે પોતે રાષ્ટ્રપતિપદની રેસમાં હોવાનો આડકતરો સંકેત આપ્યો છે. જોકે આ મુદ્દે તેમણે યોગ્ય સમયની રાહ જોવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે કલામ ૨૦૦૨થી ૨૦૦૭ દરમ્યાન રાષ્ટ્રપતિ હતા.


બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટેની તૈયારી અંગે પૂછાતા કલામે આમ જણાવ્યું હતું. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સર્વસંમતી સાધવા રાજકીય પક્ષો બેઠકો યોજી રહ્યા છે ત્યારે મિસાઇલ મેન કલામની આ ટીપ્પણીને મહત્વની માનવામાં આવે છે.


અહેવાલોમાં જણાવ્યા મુજબ મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી, જયલલિતાનો એઆઈએડીમકે પક્ષ અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રપતિપદ માટે કલામના નામ અંગે સર્વસંમતિ સાધવામાં સફળ થયાની અટકળો છે. યુપીએના ઘટક પક્ષ એનસીપીએ પણ નવા રાષ્ટ્રપતિ તરીકે કોઇ બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવા પર ભાર મૂક્યો છે.


સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીનું નામ આગળ ધરી શકે છે.


આ ઉપરાંત સામ પિત્રોડા, ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, શિરોમણી અકાલી દળના પ્રકાશસિંહ બાદલના નામો પણ ચર્ચામાં છે.