અમદાવાદમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખનારા અને બ્રિટિશકાળમાં અમદાવાદને 'ભારતનું માન્ચેસ્ટર' બનાવવામાં જેમની ચાવીરૃપ ભૂમિકા રહી હતી તેવા રણછોડલાલ છોટાલાલની રવિવારે ૧૯૦મી જન્મજયંતિ મનાવાઈ. ૧૮૬૧માં તેમણે અમદાવાદમાં પહેલી મિલ સ્થાપવામાં જબરો સંઘર્ષ કરેલો. બ્રિટનથી સ્ટીમરમાં મશીનરી મંગાવેલી અને પછી ખંભાત બંદરેથી બળદગાડાંઓમાં અહીં લવાયેલી. કેટલીક મશીનરી તો દરિયામાં ડૂબી પણ ગયેલી. જોકે જરાય હાર્યા-થાક્યા વગર તેમણે ૬૩ કામદારો અને ૨૫૦૦ સ્પીન્ડલ સાથે પહેલી મિલનું ભૂંગળું વગાડયું હતું. લોકો એમને પ્યારથી 'રણછોડ રેંટિયો' કહીને બોલાવતા થયેલા. તે પછીથી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ બનેલા અને અમદાવાદનો વહીવટ સંભાળેલો. ૧૪ વર્ષના સમયગાળામાં યશસ્વી વહીવટ આપી અમદાવાદને સુવિધાજનક બનાવેલું. આવી મહાન વિભૂતિને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સાવ વિસારી ગયા છે. અમદાવાદના ઐતિહાસિક વારસાની ઠાલી વાતો કરાય છે પણ જાજરમાન વિરાસતને જાળવવાની બાબતે સત્તાધીશો સાવ મીંડું છે. જે ખુરશી પર બેસીને રણછોડલાલે અમદાવાદને સુચારુ વહીવટ આપેલો તે જ સ્થાને આજે મેયર અસિત વોરા બિરાજે છે પણ હવે જમીન-આસમાનનો ફરક પડી ગયો છે. એક કર્મઠ ઉદ્યોગપતિ અને વહીવટકારની પ્રતિમાને સંસ્કાર કેન્દ્રમાં એક કોરાણે લગભગ ધૂળખાતી સ્થિતિમાં મૂકી દઈને મ્યુનિ. કોર્પોરેશન ક્યા વારસાની જાળવણી કરવા માગે છે? અનેક રજૂઆતો કરવા છતાંય રાવબહાદુર રણછોડલાલની પ્રતિમા યોગ્ય સ્થાને નથી મુકાઈ ત્યારે ખાડિયાની ઈતિહાસ સમિતિના લોકોએ જાતે સફાઈ કરીને રાવબહાદુરને અંજલિ આપી. આપણે આ ઘટનાને 'કમનસીબ' સિવાય બીજું શું કહેશું ? આ કોઈ વ્યક્તિની પ્રતિમા નથી પરંતુ અમદાવાદના ઈતિહાસની એની ઉચ્ચ વિરાસતની વાર્તા છે જે નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે! (તસવીર ઃ ગૌતમ મહેતા)