ઐશ્વર્યા રાય બચ્ચન તેની અંગત અને પ્રોફેશનલ કારકિર્દીનાં પલડાં સમતોલ રાખે છે

 

પુત્રીની સતત દેખરેખ રાખી શકે એ રીતે તેનું ટાઈમટેબલ બનાવે છે

 

મુંબઈ, તા. ૨૮

 

ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા માટે સતત ખડેપગે હાજર રહે છે. તેની દરેક નાની-મોટી વાતોનું ધ્યાન રાખે છે અને હવે ઐશ્વર્યા તેનાં બધાં જ પ્રોફેશનલ, અંગત અને અન્ય કામની યોજના એવી રીતે બનાવે છે કે જેથી તે તેની દીકરીની સાથે જ રહી શકે. અહીં એમ કહી શકાય કે તે તેની પુત્રી માટે 'હાથવગી મમ્મી' બની ગઈ છે.

 

ઐશ્વર્યાના એક મિત્રે જણાવ્યું હતું કે, ''ગયે અઠવાડિયે ઐશ્વર્યા અને અભિષેક તેમના લગ્નની પાંચમી વર્ષગાંઠ ઉજવવા માટે તેમના એક નજીકના મિત્ર સાથે ડિનર લેવા ગયા હતા પરંતુ તેઓ બન્ને તેમની દીકરીનો દૂધ પીવાનો સમય થાય એ પહેલાં જ ઘરે પાછા આવી ગયા હતા. વધુ સમય ન બગડે એ માટે તેઓ તેમના ઘરની નજીકમાં જ આવેલા કોઈક સ્થળે ડિનર માટે ગયા હતા.''

 

તાજેતરમાં તેણે એક જાહેરખબર સાઈન કરી છે અને તે પણ બપોરના સમયમાં કે જેથી તેની દીકરી સૂતી હોય અને તેની ઊંઘમાં જરાય ખલેલ ન પહોંચે એ વાતનું ઐશ્વર્યા ખાસ ધ્યાન રાખે છે. સૂત્રે જણાવ્યા અનુસાર, 'ગયા મહિને તે અમુક કામ માટે દુબઈ ગઈ હતી ત્યારે પણ આરાધ્યાને સાથે લઈ ગઈ હતી. ત્યાં તેણે હોટલમાં પોતાના સ્યુટની બાજુમાં આવેલા બીજા સ્યુટમાં બધા ઇન્ટરવ્યુ આપ્યા હતા જેથી તે થોડી-થોડી વારમાં તેની દીકરી પાસે જઈ શકે.''

 

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક દર વર્ષે તેમના લગ્નની વર્ષગાંઠ વખતે રાજાઓ માણવા વિદેશ જાય છે, પરંતુ આ વર્ષે તેઓ મુંબઈમાં જ હતા. જોકે આવતા મહિને તેઓ કાન્સ જવાના હોવાથી તેમની દીકરીને પણ સાથે લઈ જશે અને વેકેશન માણશે.