આમિર ખાનની ફિલ્મને મોકળું મેદાન પૂરું પાડવા એકતા કપૂરે તેની ફિલ્મની રિલિઝ લંબાવી

 

 

હવે સંજય ગુપ્તા દિગ્દર્શિત અને જ્હોન અબ્રાહમ અભિનિત ફિલ્મ આવતે વર્ષે રિલિઝ થશે

 

 

 

મુંબઈ, તા.૨૮

 

'રાગિણી એસએમએમસ' સાથે 'દિલ્હી બેલી'ના ટ્રેઈલર સામેલ કરવા માટે આમિર ખાને એકતા કપૂરને વિનંતી કરી હતી ત્યારથી જ આ બંને વચ્ચે સારી મૈત્રી છે. જાણવા મળ્યા પ્રમાણે, એકતાએ તેની ફિલ્મ 'શૂટઆઉટ એટ વડાલા'ની રિલિઝ પાંચ સપ્તાહ આગળ ધકેલી છે. અગાઉ આ ફિલ્મ ૨૦૧૨ની સાતમી ડિસેમ્બરે રિલિઝ થવાની હતી. ૩૦મી નવેમ્બરે રિલિઝ થનારી આમિરની ફિલ્મ 'તલાશ' પછીના સપ્તાહે એકતાની આ ફિલ્મ રિલિઝ થવાની હતી. પરંતુ, હવે આ ફિલ્મ ૨૦૧૩ની સાલની ૧૮મી જાન્યુઆરીએ રિલિઝ થશે એમ સંભળાય છે. આ ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'ટૂંક સમયમાં જ આ બાબતની સત્તાવાર જાહેરાત થશે પરંતુ 'શૂટઆઉટ એટ વડાલા' જાન્યુઆરીની ૧૮મી પહેલા રિલિઝ થવાની નથી એ વાત સ્પષ્ટ છે.'
એકતા, ફિલ્મના મુખ્ય અભિનેતા જ્હોન અબ્રાહમ, દિગ્દર્શક સંજય ગુપ્તા અને બાલાજી મોશન પિકચર્સના સીઈઓ તનુજ ગર્ગ વચ્ચે થયેલી એક ગુપ્ત મંત્રણા પછી આ નિર્ણય લેવાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે તાજેતરમાં બાલાજીમાં પાછા ફરેલા એકતાના મામા રમેશ સિપ્પી આ ફિલ્મની રિલિઝ આગળ ધકેલવામાં નિમિત્ત બન્યા હતા.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'પોતાની બહેન શોભા કપૂરના પરિવારની ભલાઈ ઈચ્છતા રમેશ સિપ્પીએ દબાણ કર્યું હતું કે આમિર ખાનની ફિલ્મ 'તલાશ'ના એક સપ્તાહ પછી 'શૂટઆઉટ એટ વડાલા' જેવી મોટી ફિલ્મ રિલિઝ કરવાનો કોઈ અર્થ નથી. એકતાએ પણ તેના મામાને ટેકો આપ્યો હતો. તેના મિત્ર આમિરના માર્ગમાંથી ખસીને તેની ફિલ્મ 'તલાશ'ને ખુલ્લુ મેદાન પૂરું પાડવાનો વિચાર એકતાના મનમાં પણ રમતો હતો.'
સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, 'રાગિણી એમએમએસ' પૂર્વે આ પરિસ્થિતિ આવી હોત તો કદાચ એકતા તેનો વિચાર બદલત નહીં. આ ઉપરાંત આ નિર્ણય 'શૂટ આઉટ એટ વડાલા'ના હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યો છે, જે એક મોટી ફિલ્મ છે જેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એકબીજાના નફામાં ગાબડું પાડવાનો શું અર્થ છે?'
આ સમાચારને સમર્થન આપતા સંજય ગુપ્તાએ કહ્યું હતું કે, 'શૂટઆઉટ એટ વડાલા' ૨૦૧૩ના જાન્યુઆરી મહિનાની મધ્યમાં જ રિલિઝ થાય એવી રમેશ સિપ્પીની ઈચ્છા હતી. આ નિર્ણય યોગ્ય છે. આ સાથે અમે બધા સંમત છીએ.'