Last Update : 29-April-2012, Sunday

 

એરસેલ-મેક્સીસના સોદામાં કોણે કેટલા રૃપિયા બનાવ્યા ?

ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને આ સોદામાંથી આશરે ૨૦૦ કરોડ રૃપિયાનો લાભ થયો હોવાનો ચોંકાવનારો આક્ષેપ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે

સંસદના ચાલુ સત્રમાં યુપીએની સરકાર આક્ષેપોના જવાબો આપ્યા સિવાય કોઇ કામગીરી જ બજાવી શકાય તેમ નથી રહ્યું. પહેલા બોફોર્સ કૌભાંડમાં સ્વીડનના ભૂતપૂર્વ પોલીસ વડાના આક્ષેપને કારણે વિપક્ષને ખોરાક મળી ગયો તો હવે એરસેલ-મેક્સીસ સોદામાં વર્તમાન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ લાંચ લીધી હોવાનો આક્ષેપ જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે. ભારતની એરસેલ કંપનીએ ૨-જી લાઈસન્સ માટે અરજી કરી હતી, પણ તત્કાલીન ટેલિકોમ પ્રધાન દયાનિધિ મારને આ અરજી સ્વીકારી નહોતી. તેમણે આ કંપની મલેશિયાની મેક્સીસ કંપનીને વેચી દેવા તેના માલિકો ઉપર દબાણ કર્યું હતું. આ કંપનીનો ૭૪ ટકા હિસ્સો મલેશિયન કંપનીએ ખરીદી લીધો કે તરત જ એરસેલને ૨-જીનું લાયસન્સ મળી ગયું હતું. આ સોદામાંથી દયાનિધિ મારનની કંપનીને ૫૪૭ કરોડ રૃપિયાની લાંચ મળી હતી, એવા આરોપ હેઠળ દયાનિધિ મારન સામે સીબીઆઈએ કેસ ફાઈલ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ ૨-જી કૌભાંડમાં એ.રાજા સાથે તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને સહઆરોપી બનાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી ચાલી રહી છે એ દરમિયાન એરસેલના વેચાણમાંથી કાર્તિ ચિદમ્બરમે કમાણી કરી છે એવો આક્ષેપ સ્વામીએ કરતાં ગૃહપ્રધાન ચિદમ્બરમની હાલત વધુ કફોડી બની ગઈ છે.
એરસેલ કંપનીના મૂળ માલિક સી. શિવશંકરને એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે ઇ.સ. ૨૦૦૬ની સાલમાં દયાનિધિ મારન કેન્દ્રમાં ટેલિકોમ પ્રધાન હતા ત્યારે તેમની કંપનીએ ૨-જી સ્પેક્ટ્રમ માટે અરજી કરી હતી. દયાનિધિ મારને જાણી જોઈને આ અરજી દબાવી રાખી હતી. દયાનિધિ મારને શિવશંકરન ઉપર દબાણ કર્યું હતું કે તેમણે તેમની કંપની મલેશિયાના મેક્સીસ જૂથને વેચી દેવી જોઈએ. આ મેક્સીસ જૂથના માલિક ટી.આનંદ ક્રિશ્ના સાથે દયાનિધિ મારનના ગાઠ સંબંધો હતા. આ દરમિયાન મેક્સીસ જૂથના માલિકોએ શિવશંકરનનો સંપર્ક કર્યો હતો અને તેમની એરસેલ કંપનીના ૭૪ ટકા શેરો ૪,૦૦૦ કરોડ રૃપિયામાં ખરીદી લેવાની ઓફર કરી હતી. શિવશંકરને પોતાના ભાગના શેરો મેક્સીસ કંપનીને વેચી દીધા તે પછી તરત જ એરસેલને ૧૪ સર્કલમાં ૨-જી સર્વિસ માટેનાં લાયસન્સ મળી ગયાં હતાં. તેના વળતર રૃપે મેક્સીસ જૂથની કંપની એસ્ટ્રો નેટવર્ક દ્વારા દયાનિધિ મારનના પરિવારની કંપની સન ટીવીમાં ૫૪૭ કરોડ રૃપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. સીબીઆઈના દાવા મુજબ આ જે ૫૪૭ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું એ દયાનિધિ મારનને મેક્સીસ કંપની દ્વારા આપવામાં આવેલી લાંચ હતી.
ઇ.સ. ૨૦૦૬ની સાલમાં મલેશિયાની મેક્સીસ કંપનીએ જ્યારે એરસેલના ૭૪ ટકા શેરો ૪,૦૦૦ કરોડ રૃપિયામાં ખરીદવાનો સોદો કર્યો ત્યારે પી. ચિદમ્બરમ કેન્દ્રમાં નાણા પ્રધાન ગતા. મેક્સીસ કંપની વિદેશી હોવાને કારણે ૪,૦૦૦ કરોડ રૃપિયાના આ સોદાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજુરી મળે એ પણ જરૃરી હતું. આ બોર્ડ નાણાં ખાતા હેઠળ કામ કરતું હોવાથી તેને પરવાનગી આપવાની સત્તા પી. ચિદમ્બરમના હાથમાં હતી. પી. ચિદમ્બરમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ મંજૂરી અટકાવી રાખી હતી. સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપ મુજબ મેક્સીસ કંપનીના માલિકો દ્વારા જેમ દયાનિધિ મારનના પરિવારની કંપનીને લાંચ ચુકવવામાં આવી હતી તેમ પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કંપનીને પણ આશરે ૨૦૦ કરોડ રૃપિયાની લાંચ ચુકવવામાં આવી હતી.
સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપ મુજબ કાર્તિ ચિદમ્બરમ ઔસબ્રિજ હોલ્ડીંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિ. નામની કંપનીમાં ૯૪ ટકા શેરો ધરાવતા હતા. આ કંપનીએ ઇ.સ. ૨૦૦૬ની ૩૧મી માર્ચે એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલ્ટન્સી પ્રા. લિ. નામની કંપનીમાં ૨૬,૦૦,૪૪૪ રૃપિયાના શેરો ખરીદ્યા હતા. આ કંપની પાસે એરસેલની માલિકી હતી. આ દરમિયાન એરસેલ કંપનીના ૭૪ ટકા શેરો મેક્સીસ કંપનીને વેચવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ એડવાન્ટેજ કંપનીના પાંચ ટકા શેરોના માલિક બની ગયા હતા. પી. ચિદમ્બરમે મેક્સીસને એરસેલના ૭૪ ટકા શેરો ખરીદવાની પરવાનગી આપી એ પછી પણ આ પાંચ ટકા શેરો કાર્તિ ચિદમ્બરમ પાસે રહ્યા હતા, જેમાંથી તેમને ૨૦૦ કરોડની કમાણી થઈ હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની કામ કરવાની પદ્ધતિ મુજબ વડા પ્રધાનને ત્રણ પાનાનો પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ એરસેલ-મેક્સીસ સોદામાં પી. ચિદમ્બરમની અને તેમના પુત્ર કાર્તિની ભૂમિકાની તપાસ કરે. સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પણ આ સોદાની વિગતો પત્રકાર સમક્ષ રજૂ કરી છે, જેમાં કાર્તિની કંપનીની સંડોવણી જણાય છે. જોકે કાર્તિ ચિદમ્બરમની કંપનીએ સુબ્રમણ્યમ સ્વામીને ધમકી આપી છે કે તેમણે આ આક્ષેપો કરવા બદલ બદનક્ષીના દાવાનો સામનો કરવો પડશે. સુબ્રમણ્યમ સ્વામી તો આવા દાવાની પ્રતીક્ષા કરી રહ્યા છે.
અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ.રાજા સાથે તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને સહઆરોપી બનાવવા માટે અદાલતમાં અરજી કરી હતી. આ કેસમાં સ્વામીનો આક્ષેપ એવો છે કે સ્પેક્ટ્રમના ભાવો નક્કી કરવાની સત્તા સરકારે ટેલિકોમ પ્રધાન એ.રાજા ઉપરાંત નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને પણ આપી હતી. જો ૨-જી કૌભાંડ માટે એ.રાજા જવાબદાર ગણાવામાં આવતા હોય તો તેના માટે પી. ચિદમ્બરમને પણ એટલા જ જવાબદાર માનવા જોઈએ, એવી સ્વામીની અરજી દિલ્હી અદાલતે ફગાવી દીધી તે પછી તેમણે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી ચાલી રહી છે અને તેમાં પી. ચિદમ્બરમને નોટિસ મોકલવા બાબતનો નિર્ણય સુપ્રિમ કોર્ટે લેવાનો છે. પી. ચિદમ્બરમ આ એક મોરચે સ્વામી સામે લડી રહ્યા હતા ત્યારે સ્વામીએ એક નવો મોરચો ખોલી કાઢ્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીનો એવો દાવો છે કે તેમણે એરસેલ-ઔસબ્રિજ સોદાની તપાસ શરૃ કરી તે પછી ઇ.સ. ૨૦૧૧ની નવમી માર્ચે કાર્તિ ચિદમ્બરમે ઔસબ્રિજ કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું, જેમાં તેઓ ૯૪ ટકા શેરોની માલિકી ધરાવતા હતા. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો એવો છે કે એરસેલ-મેક્સીસ સોદાની તપાસ સીબીઆઈના અધિકારીઓ કરી રહ્યા છે. સીબીઆઈ ભલે વડાપ્રધાનના નિર્દેશ હેઠળ કામ કરતી હોય, પણ તેના મોટા ભાગના અધિકારીઓ પોલીસ ખાતામાંથી આવે છે, જે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના હાથમાં છે. જ્યાં સુધી ચિદમ્બરમ ગૃહ પ્રધાનના હોદ્દા ઉપર હોય ત્યાં સુધી સીબીઆઈના અધિકારીઓ તેમની સામે નિષ્પક્ષ તપાસ કરી શકે નહીં, માટે ચિદમ્બરમે તાત્કાલિક ગૃહપ્રધાનના હોદ્દા ઉપરથી હટાવવાની માંગણી પણ સ્વામીએ કરી છે. સ્વામીનો એવો આક્ષેપ પણ છે કે ચિદમ્બરમે અને તેમના પુત્રે ભ્રષ્ટાચાર આચરીને જે બેહિસાબ સંપત્તિ એકઠી કરી છે તેની પણ તપાસ થવી જોઈએ.
તાજેતરમાં એક અંગ્રેજી સાપ્તાહિકે પ્રગટ કરેલા દસ્તાવેજો મુજબ નાણાં ખાતાને જ્યારે જાણ થઈ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ.રાજા ૨-જી સ્પેક્ટ્રમ ફાળવણી 'વહેલ તે પહેલા' ધોરણે કરવા માંગે છે ત્યારે તેણે સ્પેક્ટ્રમની ફાળવણી અટકાવવાની કોશિષ કરી હતી. પી. ચિદમ્બરમે ઈ.સ. ૨૦૦૮ના જાન્યુઆરી મહિનામાં ટેલિકોમ કમિશનની બેઠક બોલાવીને ટ્રાઈના નિર્ણયને ઉલટાવવાની તૈયારી કરી રાખી હતી. આ બેઠક અગાઉ તા. ૯ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી હતી. ત્રીજી જાન્યુઆરીએ ચિદમ્બરમને કહેવામાં આવ્યું હતું કે આ બેઠક તારીખ ૧૫ જાન્યુઆરી ઉપર મુલતવી રાખવામાં આવી છે. આ બેઠક મળે તે પહેલાં નવમી જાન્યુઆરીએ એ.રાજાએ ૧૨૧ લાયસન્સની લહાણી કરી દીધી હતી. જો ચિદમ્બરમે ધાર્યું હોત તો તેઓ નાણાં પ્રધાન તરીકેની પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ ફાળવણી અટકાવી શક્યા હોત. તેને બદલે પી. ચિદમ્બરમે તારીખ ૧૫મી જાન્યુઆરીએ વડાપ્રધાનને એક પત્ર લખીને આ ચેપ્ટરને બંધ ગણવાની સલાહ આપી હતી. આખું ૨-જી સ્પેક્ટ્રકમ કૌભાંડ ઘડાયું એ દરમિયાન પી. ચિદમ્બરમની ભૂમિકા શંકાસ્પદ રહી છે.
જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ કસમ ખાધી છે કે તેઓ સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમને જેલમાં મોકલીને જ રહેશે. અગાઉ તેઓ પોતાની નજીકના લોકોને કહેતા હતા કે ચિદમ્બરમની આગલી દિવાળી તિહાર જેલમાં હશે.
સુબ્રમણ્યમ સ્વામીને વિશ્વાસ હતો કે દિલ્હીની અદાલત ચિદમ્બરમને ૨-જી કેસમાં સહઆરોપી બનાવવાની બાબતમાં સંમતિ આપશે. દિલ્હીની ટ્રાયલ અદાલતે ચિદમ્બરમને જીવતદાન આપ્યું તેનાથી સ્વામી જરાય હતાશ થયા નથી. તેમણે એક બાજુ સુપ્રિમ કોર્ટમાં પોતાનું અભિયાન ચાલુ રાખ્યું છે અને બીજી બાજુ એરસેલનો નવો મોરચો ચિદમ્બરમ સામે ખોલી કાઢ્યો છે. આ લડાઈમાં ચિદમ્બરમ કેવી ઝીંક ઝીલે છે એ જોવાનું રહે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved