Last Update : 29-April-2012, Sunday

 

નીતા! એક જ ઠોકરથી હારી જઇશ તો ભીતરના ભંડારનું તાળું શી રીતે ખુલશે??

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- સંજોગો સામે શસ્ત્રો મ્યાન ન કર! સંજોગોને ઊંટ બનાવીને એના પર સવાર થઇ જા, દીકરી! - ડૉ. નીતા શાહ

‘પાછી વળ નીતા, શું કામ હાર માને છે? હાર નહિ, તારા સામર્થ્યને ધાર કાઢ...’
સાઠ લાખને ય આંબવા આવેલા મહાનગર અમદાવાદની અસલ ઓળખ સમું કાંકરિયા તળાવ છે. બપોરની વેળા છે. ગરમ લાહ્ય જેવો સમય ઉકળતા ચરુની આગને સંકોરી રહ્યો છે. આસપાસ ચહલપહલ છે. ખુમચાવાળા છે, ને પાણીપુરી વાળા ય છે, તો ‘ચણા જોર ગરમ’ વાળા ય બપોરની ઊંઘનો કાન આમળી રહ્યા છે. વાત છે લગભગ સાડા ત્રણ દાયકા પૂર્વેની એક બપોરની. અમદાવાદીઓ ત્યારે ‘અમારું કાંકરિયું’ કહેતાં છાતીનાં બટન તોડી નાખતા. કાંકરિયાને ત્યારે રાજકારણની મેલી નજર લાગી ગઇ નહોતી. કાંકરિયું માત્ર કાંકરિયું હતું.
- અને આવા કાંકરિયાની પાળે બપોરી વેળાએ ઊભી છે એક પંદરેક વરસની છોકરી. છોકરીના નમણા ચહેરા પર વિષાદે જાળું પાથર્યું છે. આંખોમાં ‘યુઘ્ધમાં પરાભવ પામેલા યોઘ્ધા’ જેવી ભીની ભીની હતાશા છે. જી હા, કાંકરિયાના જળના ઊંડાણમાં એ સમાધિ લેવા આવી છે, જળ સમાધિ. નાનકડી જંિદગીને મિટાવી દેવા આવી છે. જીવનની તમામ ‘જીવતી ક્ષણો’નો ખાત્મો બોલાવી દેવા આવી છે. કારણ?
જંિદગીમાં મળેલી પ્રથમ હાર.
પહેલી પીછેહઠ...
પહેલો આઘાત...
પહેલી પીડા...
ધોરણ દસની બોર્ડની પરીક્ષા. કાયમ પ્રથમ નંબર લાવે છે આ છોકરી નામે નીતા શાહ. બીજો નંબર એને ક્યારેય ખપતો નથી.પણ આ દસમું? દસમાનું પરિણામ લેવા સ્કૂલમાં ગઇ ત્યારે મેડમે કહ્યું ઃ ‘નીતા, તું ફેલ થઇ છે. અંગ્રેજીમાં તું માત્ર ચૌદ ગુણ જ મેળવી શકી છે. સોરી નીતા, યૂ આર ફેઇલાું!’
અચાનક જ ઉલ્લાસનું અવસાન થઇ ગયું!
ઉછળતા ઉમળકાનું ‘રામ બોલો ભાઇ, રામ’ થઇ ગયું! હૈયાની હોંશ પછડાટ ખાઇ ગઇ! બળબળતી ઈચ્છાઓની ઈમારત અચાનક જ કડડડ.. ભૂસ થઇ ગઇ.
યૂ આર ફેઇલ.
સોરી ટુ સે ધેટ યૂ આર હેવીંગ વેરી પુઅર માર્કસ ઈન વન સબજેક્ટ. હથોડા ટીપાય છે નીતાના કુમળા મન પર શૂળો ભોંકાય છે નીતાના કલરવતા કાળજામાં. બસ, આટલી વાત. એક બ્રીલીયન્ટ છોકરીની પહેલી હાર, પહેલો આઘાત, ન જીરવી શકી આ આઘાતને આ પંદર વર્ષીય છોકરી. ‘શું કરું?’ બંદૂકની ગોળી જેવો સવાલ. ‘મા બાપને શું મોઢું બતાવું?’ ‘બધાં મજાક કરશે. ઉપહાસ કરશે. દયા ખાશે ઃ બિચ્ચારી!’ ના, મારાથી નહિ જીરવાય. સ્કૂલમાંથી સીધી જ રાયપુર ચકલા નજીક થઇને કાંકરિયા તરફ ઊપડી ગઇ નીતા. મોતનો હાથ થામવા ઊપડી ગઇ નીતા. જંિદગીની ક્ષણોનો સ્વહસ્તે જ સંહાર કરવા ઊપડી ગઇ નીતા!
પાળ પર ખડી થઇ ગઇ નીતા.
ગહન જળમાં ઝંપલાવવા માટે પગ ઊંચો કરવા ગઇ નીતા ને ત્યાં જ અચાનક અવાજ આવ્યો ઃ ‘સબૂર, સ્ટોપ ધીસ, પાછી વળી જા, નીતા. એક જ ઠોકરમાં હાર માની લઇશ તો ભીતરના ભંડારનું તાળું ખુલશે કઇ રીતે? હાર ન માન, તારી તેજસ્વિતાને ધાર કાઢ..ગલત માર્ગ પર ખડી છે તું. પાછી વળી જા. ’
કોનો છે આ પ્રભાવક અવાજ? કોણ રોકી રહ્યું છે મને? કોણ મારા નિશ્ચય ડગમગાવી રહ્યું છે? હા, નીતા, આ અવાજ તારો જ અવાજ છે. તારા આત્માનો અવાજ છે ઃ ભીતરમાંથી આ અવાજ આવી રહ્યો છે. વાત સાચી છે, નીતા, પાછી વળ. હારને ફૂલોનો ‘હાર’ બનાવી દે. પરાજયના પાણકાને જ પગથિયું બનાવી દે. પાછી વળ.. ને ચાલવા માંડ. તારી પાસે તો પારસમણિના વાડકા જેવું મન છે! મજબૂત વીલ પાવર છે! અપાર આત્મ શક્તિ છે! તો પછી ચાલવા માંડ. દોડવા માંડ. પગથિયાં ચઢવા માંડ. કીપ ગોઈંગ! ચાલ્યા જ કર. યૂ આર જિનિયસ, બેબી, ધેન નોન પ્રોબ્લેમ. કીપ યોર ફીટ ગોઈંગ. અટક્યા વગર આગળ વધવા માંડ.જય ગોકુલેશ !
... ને મનના અવાજના એક જ જોરદાર ઝાટકે નીતા પાછી વળી ગઇ. ના, હાર નહિ માનું. સંઘર્ષ કરીશ. સંજોગો સામે લડીશ. મુસીબતોના મોઢા પર મુક્કા મારીશ. અવરોધોનાં ડાચાં તોડી નાખીશ. પણ ચાલતી રહીશ, દોડતી રહીશ. છોકરી નામે નીતા! આસીસ્ટન્ટ બેન્ક મેનેજર રજનીકાન્તભાઇની પુત્રી. કોકિલાબહેન તો વહાલની વાવડી સમા માવડી, ને એમની આ જિનિયસ બેબી! ટીચર કહેતાં ઃ ‘નીતા, તારી તેજસ્વિતા બેમિસાલ છે. સતત તેજધારા વહાવતી રહેજે, બેટી.’
નો પ્રોબ્લેમ.
ભાઇઓ છે, બહેનો છે, ભાભીઓ છે તો ભત્રીજા પણ છે. પણ બધાંમાં નીતાનો અલગ અંદાજ છે. સ્ટડી સાથે નો કોમ્પ્રોમાઇઝ! એની પાસે સપનાં છે. એનાં પોતાનાં આગવાં સપનાં! જંિદગીમાં સો સો સૂર્ય ઊગાડવા છે! કપરાં ચઢાણ ચઢવાં છે. સપનાંને ધાર કાઢે છે નીતા. જંિદગીના પડકાર ઝીલી લે છે નીતા. સંઘર્ષોની આરપાર મંઝીલનું સરનામું લખવા મથે છે નીતાબહેન. લગ્ન થયા પછી એમણે પતિદેવને કહ્યું, ‘હિતેષ, મારે આગળ ભણવું છે. મારી યાત્રાને અવિરત આગળ ધપાવવી છે. વીલ યૂ હેલ્પ મી?’
‘યસ. તારી વાત મને ગમે છે, નીતા! ચાલવાનું બંધ ન કરીશ. યાત્રાને અટકાવી ન દઇશ. તારામાં આગવી પ્રતિભા છે. અદમ્ય ઝંખના છે. બર્નંિગ ડિઝાયર છે. તો પછી મેડમ, ગો એહેડ!’ પતિ તો વેપારી છે. બોલબેરીંગ, નટબોલ્ટ્‌સ અને ગ્રીસનો બીઝનેસ છે. છતાંય એમનો જીવન પ્રયત્યેનો આગવો અભિગમ છે. એ સાંકડી ગલીના માણસ નથી, વિશાળ-વિરાટ ધરાતલના ઈન્સાન છે હિતેષભાઇ શાહ.
હિતેષભાઇની એક વાત સૌએ કાળજાના કાગળ પર નોંધી રાખવા જેવી છે ઃ ‘નિષ્ફળતાને પગથિયું બનાવી દઇને ઊંચાઇ પર તમારો વિજય ઘ્વજ ફરકાવો. ચાલતા રહો. અટકો નહિ, નો બ્રેક. ઓન્લી ગોઇંગ. નો સ્ટોપેજ. ધ ટ્રેન ઓફ લાઇફ ઈઝ હેવીંગ નોન સ્ટોપ ગોઇંગ! બસ, પહોંચી જાવ તમારા મનગમતા મુકામ પર. તમારાં સપનાંના પ્રદેશમાં! વવાઇ જાવ. ખોવાઇ જાવ. ધોધમાર વિકાસ કરતા રહો. એક જિનિઅસ વ્યક્તિત્ત્વને શું જોઇએ? બસ, ચોમેરથી સહકાર.’
નીતાબહેન આજે તો માત્ર નીતાબહેન નથી, ડૉ. નીતાબહેન હિતેષકુમાર શાહ છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએસન પછી પી.એચ.ડી. થયાં છે પ્રાઘ્યાપિકા નીતાબહેન શાહ. પણ એ પછી પગ વાળીને બેસે એવાં નથી નીતાબહેન. આકર્ષક ક્રિયાપદની જેમ આળસુ અજગરની માફક આલસ્યના ઘરમાં જીવવું એમને ગમતું નથી. એક જ નાદ ગૂંજે છે એમના હોઠ પર ‘જય ગોકુલેશે! પડેલાંને બેઠાં કરવાં છે. અપંગોના હાથમાં ટેકણ લાકડી આપવી છે. અંધોની લાચાર આંખોને અજવાળાં પહેરાવવાં છે! ડૉ. નીતાબહેન માત્ર કપડવંજની આર્ટસ- કોમર્સ કોલેજનાં પ્રાઘ્યાપિકા જ બની રહેવા માગતાં નથી, નીતાબહેન. જંિદગીને કલ્યાણમાર્ગી બનાવવા માગે છે! આજેય તેમને દાદાના શબ્દો યાદ આવે છે ઃ ‘નાપાસ થઇ, પણ એમાં શું? જંિદગીમાં તો ફેઇલ નથી થઇ ને? જંિદગીની ફૂલદાનીને સજાવો. કોકનાં આંસુ લૂંછવાનો રૂમાલ બનો!’ ડૉ. નીતાબહેન શાહ છાત્રોના કલ્યાણ માટે મથે છે. કપડવંજની વિકલાંગ બાળકોની સંસ્થામાં સહાય પહોંચાડે છે.
‘હિતેષ.’
‘શું છે?’
‘આપણે બાલ કવિ પુરસ્કાર શરૂ કરીએ તો..’
‘વિચાર ઉત્તમ છે.’
‘તો કરી નાખીએ કંકુના.’
જિલ્લાના બાલ કવિઓમાં ઉલ્લાસની લહેર ફરી વળે છે. બાળ કવિતા! સાદા સાદા શબ્દોમાં ગુંથાઇ જતી કાવ્યકંડિકાઓ! સમારંભ યોજીને ઈનામો અપાય છે કવિઓને. ડૉ. નીતાબહેન તેમની પીઠ થાબડીને કહે છે ઃ ‘સતત કવિ કર્મ કરતા રહેજો. અટકશો નહિ.. આગળ ધપતા રહેજો.’ કવિતાની જેમ કલરવતી જંિદગી જીવે છે ડૉ. નીતાબહેન શાહ.
‘જય ગોકુલેશ, બારણાં ખોલો.’
ડૉ. નીતાબહેન કોઇના બારણે જઇને ખડાં થઇ જાય છે. એમના હાથમાં મોટો થેલો છે. થેલામાં અનાજ છે. તેલ છે. કોરું કોરું કરિયાણું છે. ઘર ભરૂચી વૈષ્ણવ સમાજના જણનું છે. ઘર ખાનદાન છે, પણ ઘરમાં ગરીબી નામની બિલાડી આંટા મારે છે. ધંધો નથી. ધંધો છે તો બરકત નથી. આવક નથી. પરિવારને ભૂખ્યા રહેવાના દહાડા આવ્યા છે. ડૉ. નીતાબહેનને ખબર પડે છે. ને હિતેષભાઇની સાથે ગાડીમાં થેલા લઇને દોડે છે. બારણે બારણે જાય છે ઃ ‘બારણું ખોલો! જય ગોકુલેશ!’
‘જય ગોકુલેશ!’
ધર્મબંઘુની પાતળી દશાનો અંદાજ છે ડૉ. નીતાબહેનને. લો, લઇ લો, તમારા પરિવાર માટે ચૂલો સળગતો રાખો, પેટનો ખાડો પુરવાની સામગ્રી છે થેલામાં. પ્રભુ ગોકુલેશની આ તો પ્રસાદી છે, લઇ લો. ડૉ. નીતાબહેન ભરૂચી વૈષ્ણવ સમાજનાં છે. ધર્મબંઘુની માઠી દશા જોઇને તેઓ બેસી શી રીતે રહે? પારકી છઠ્ઠીનાં જાગતલ છે પતિ-પત્ની... કોકનું પેટ ઠારીશું તો, આપણે ઠરીશું...
ડૉ. નીતાબહેનને બઘું જ યાદ છે ઃ કદી ડગ્યાં નથી નીતાબહેન! પપ્પાના બેસણાના દિવસે જ પ્રેકટીકલ પરીક્ષા હતી, શું કરવું? પરીક્ષા આપવા ધરાર ગયાં તેઓ! અટકવું નથી. નો બ્રેક. આગળ વધવાની તમન્ના રાખનારે. કાળજાને મજબૂત બનાવવું જ પડે.
જે થાય તે થવા દો.
સંજોગોના પથ્થરો પડવા દો.
ડગવું નથી.
ડરવું નથી.
હચમચવું નથી.
ઘડતર પાક્કું છે. એના પર સંસ્કારનો રંગ ચઢ્‌યો છે...
પાઘડી પને પથરાયેલું શહેર છે કપડવંજ. આસપાસનો વગડો સુગંધીનાં ગીતો ગાય છે. લાંબા પહોળા રસ્તા છે. ઊંચા ઊંચા મકાનો છે. શેઠવાડા બજાર છે. ઐતિહાસિક કુંડ વાવ છે. વાવના કાંઠે ઈતિહાસ બેઠો છે.. પાછળ મહામેધમણિ શ્રી રત્ન રમાં ગણા બહેનજી રાજના કોઠાનું મંદિર છે, જે વિશ્વ સમસ્તમાં એક માત્ર મંદિર છે. ત્યાંની નજીકમાં રહે છે ડૉ. નીતાબહેન. એન્જિનિયર પુત્ર પાર્થ એક કંપનીમાં જોબ કરે છે. હિતેષભાઇના ચહેરા પર રાજીપો છે. સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં એક્ષપર્ટ ડૉ. નીતાબહેનની વાણી એટલી જ મિષ્ટ છે.
એક દિવસે અચાનક જ ડૉ. નીતાબહેન વિચારોના વગડામાં ખોવાઇ ગયાં. વાત એમ બની હતી ઃ એક પંદરેક વરસની કિશોરી આંખો લૂંછતી લૂંછતી વાવ તરફ જઇ રહી હતી, પરિણામના દિવસો હતા. તેના પર નજર પડતાં જ ડૉ. નીતાબહેનની આંખોમાં અચાનક જ ચમક આવી ગઇ. એમણે ઝડપથી ચાલીને પેલી સોળ- સત્તર વર્ષની છોકરીનો હાથ પકડી લીધો, ‘ઊભી રહે. ક્યાં જાય છે?’
‘મરવા.’
‘કેમ? કેમ મરવું છે?’
‘કારણ કે મારે જીવવું નથી.’
‘પણ ન જીવવાનું કારણ?’
‘બારમા ધોરણમાં ફેઇલ થઇ છું. મારા જેવી હોંશિયાર છોકરી ફેઇલ થાય તો લાગી જ આવે ને? હું સૌને શું મોઢું બતાવું? બધાં મારી દયા ખાય! બહેન, છોડો મારો હાથ, મને જવા દો!’
‘ના.’
‘ના?’
‘હા, બેટી ના, કારણ જાણે છે? સાંભળ, આમ જ તારી જેમ દાયકાઓ પહેલાં હું પણ મરવા ઊપડી હતી. હું ય ફેઇલ થઇ હતી. મરવા માટે તત્પર બની હતી ત્યાં જ મારા આત્માએ મને ઠપકારી. ને માનીશ? હું પાછી વળી ગઇ. ને આજે? સ્વપ્નસિઘ્ધિના શિખરે ખડી છું હું. ના બેટી! તારા એક પણ સવાલનો જવાબ મૃત્યુ નહિ આપી શકે. જંિદગી જ તારા તમામ સવાલોનો જવાબ આપશે. પાછી વળી જા, બેટી! સંજોગો સામે શસ્ત્રો મ્યાન ન કર, સંજોગને ઊંટ બનાવીને એના પર સવાર થઇ જા. ચાલ, હું આવું છું તારા મા-બાપ પાસે.’ ને ડૉ. નીતાબહેને પોતાના અતીતમાં ઓગળી ગયેલી જંિદગી જેવી એજ એક જંિદગીને બચાવી લીધાનો આનંદ ધૂંટડે ધૂંટડે પીધો. પ્રસન્નતાનો પમરાટ એમના રોમ રોમમાં વ્યાપી ગયો! ઘેર જતાં જ હિતેષભાઇએ મલકતા સ્વરે કહ્યું ઃ ‘મેડમ આજે આટલાં બધા મૂડમાં કેમ છે?’
‘કારણ કે મેડમે એક કુમળી જંિદગીને બચાવી લીધી છે. આજે એ જંિદગીને મેડમે સપનાં પહેરાવ્યાં છે, અન્ડરસ્ટેન્ડ મિસ્ટર શાહ? બસ એનો છે આ પમરાટ!!’

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved