Last Update : 29-April-2012, Sunday

 

નેતા ચંિઘ્યા માર્ગે દેશવાસીઓને ઘરાર ચલાવવાનો રાજકારણીઓનો ઘખારો હવે ઈતિહાસ અને ભૂગોળની ભેળસેળનું કારણ બની રહ્યો છે
અમર થવાનો રાજમાર્ગ એક હી રાસ્તા

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

- નેતાલોગને નામના ઘોડે ચડાવીને સડકો પર દોડાવી દેવાનો ભારતીય રાજકારણીઓનો કિમિયો હવે એટલો દોહ્યલો બન્યો છે કે દિલ્હી જેવા શહેરમાં નામકરણ માટેનું પેન્ડંિગ લિસ્ટ વધતું જ જાય છે પણ નામ સાથે જોડવા માટે હવે રસ્તો એકેય બચ્યો નથી! ચેન્નાઈમાં કરુણાનિધિ અને જયલલિતા વચ્ચેનું રાજકારણ રસ્તાના નામ પર લખવા-ભૂંસવાની રમત પર પહોંચ્યું છે અને હવે કોલકાતામાં ય મમતા દીદી એ જ ખેલ ચાલુ કરી રહ્યા છે

સમાચાર ૧
સચીન તેંડુલકરે પોતાના અઢળક અને અનુપમ રેકોડ્‌ર્સ વડે ક્રિકેટરસિયાઓને છેલ્લાં અઢી દાયકાથી જે મૂલ્યવાન યાદગીરી આપી છે તેના બદલો કઈ રીતે વાળી શકાય એ ચંિતા દેશભરમાં પ્રવર્તતી હોય છે. તેને ભારતરત્ન જેવો સર્વોચ્ચ પુરસ્કાર આપવો જોઈએ એવી માગણી હજુ સંતોષી શકાય નથી ત્યાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. બન્યું છે એવું કે, સચીન સદીની સદી પૂરી કરી એ પછી કેટલાંક કાઉન્સિલરોએ દિલ્હીના કોઈ એક માર્ગ સાથે સચીનનું નામ જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દિલ્હી કોર્પોરેશન માટે મૂંઝવણ એ છે કે, માગણીનો અસ્વીકાર કરે તો ક્રિકેટપ્રેમીઓ નારાજ થાય અને માગણી સ્વીકારાય તો ક્યા રસ્તાને સચીનનું નામ આપવું? દિલ્હીમાં કોઈ રસ્તો જ ખાલી બચ્યો નથી!

સમાચાર ૨
તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં સાડા ત્રણ દાયકા પછી ડાબેરીઓને હટાવીને સત્તા મેળવી એ પછી હવે મમતા દીદી કોલકાતા સહિત સમગ્ર બંગાળમાંથી ડાબેરી શાસનની નિશાનીઓ ભૂંસી નાંખવા તત્પર બન્યા છે. રસ્તાઓ, ઈમારતો, સંસ્થાઓ સાથે સામ્યવાદી અગ્રણીઓ તો ઠીક, બ્રેઝનેવ અને ચેર્નેન્કો અને ઝેપોક જેવા રશિયન સામ્યવાદી નેતાઓના નામ પણ કોલકાતાના રસ્તાઓ સાથે જોડી દેવાયા છે. મમતા બેનર્જીની સરકાર હવે આ દરેક નામોનું ભારતીયકરણ (કહો કે તૃણમૂલીકરણ) કરવા ધારે છે. સ્વાભાવિક રીતે જ, ડાબેરીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ નોંધાવી દીધો છે અને સડકો પર ઉતરીને રાજ્યવ્યાપી આંદોલન વડે ‘જોઈ લેશું’ની ધમકી પણ આપી દીધી છે.

સમાચાર ૩
રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સિટીના રસ્તાઓના નામકરણનો સઘન અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે દેશના આ ચાર પ્રમુખ શહેરોમાં રસ્તાઓના નામકરણમાં મહિલાઓને કોઈ સ્થાન જ મળતું નથી. મુંબઈના ૮૮% રસ્તાઓના નામ પર પુરુષોનું અધિપત્ય છે. કોલકાતા અને ચેન્નાઈમાં પણ એ પ્રમાણ ૮૦%થી ઊંચું છે. જ્યારે પાટનગર દિલ્હીમાં ૩૦% જેટલા રસ્તાઓ સાથે મહિલાઓનું નામ જોડાયું છે પરંતુ તેમાં ફક્ત ઈન્દિરા ગાંધીના નામ સાથે જ ૧૫થી વઘુ રસ્તાઓ જોડાયેલા છે. મહિલા આયોગે આ અંગે કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારોને રસ્તાના નામકરણની તેમની નીતિ સ્પષ્ટ કરવા અને સ્થાનિક મહિલાઓના નામ જોડવા અપીલ કરી છે.

વોટ્‌ઝ ધેર ઈન અ નેમ? રોમિયો-જુલિયેટમાં શેક્સપિયરે લખેલો આ સંવાદ નામની વાત નીકળે એટલે અચૂક યાદ આવે એવું સર્વનામ બની ચૂક્યો છે. પરંતુ સવાલ કરવા અને ટાંકવા પૂરતી જ સારી અને સાચી લાગતી આ વાત પોતાના નામનો મહિમા કરતી વખતે વિસરાઈ જાય છે. સવિશેષપણે ભારતમાં નામનો મહિમા કરવાનો આ ચાળો રાજકારણમાં સૌથી વઘુ જોવા મળે છે. મહાન નેતાના નામ સાથે શહેરના સૌથી જાણીતા અને મહત્ત્વના માર્ગોને જોડવાથી જાણે નેતાનું નામ વઘુ ઉજળું, વઘુ દમદાર અને અમર થઈ જવાનું હોય તેવી ભ્રમણા ભારતમાં એટલી હદે વ્યાપક છે કે સડકોનું નામકરણ અનેકાનેક વખત રાજકારણનો અખાડો બન્યું છે અને તેના કારણે બખેડા પણ સર્જાયા છે.
તાજેતરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારીઓમાં સર્જાયેલી મુંઝવણ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. સચીનની મહાસદીએ તેમને કફોડી હાલતમાં મૂકી દીધા છે. મહાસદી પછી દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક કાઉન્સિલરોએ દિલ્હી સદરના કોઈ માર્ગ સાથે મહાન ભારતીય ક્રિકેટર તરીકે સચીન તેંડુલકરનું નામ જોડવાનો પ્રસ્તાવ મૂકી દીધો. કોર્પોરેશનની ચૂંટણીમાં અસંખ્ય બેઠકો પર ઉમેદવારોએ પોતે જીતશે તો સચીન તેંડુલકરનું નામ પોતાના વિસ્તાર સાથે જોડશે એવા વચનોની લ્હાણી કરી દીધી હતી. સરવાળે, હવે હાલત એવી છે કે, જો દરેક ઉમેદવાર પોતે મતદારોને આપેલું વચન પાળવા બેસે તો દિલ્હીમાં કમ સે કમ દસથી પંદર રસ્તા સચીનના નામે કરવા પડે અને રેકોર્ડ માસ્ટરના નામે નવો રેકોર્ડ સર્જાઈ જાય.
વાસ્તવિક હાલત જોકે વધારે કફોડી છે. દેશના પાટનગર તરીકે દિલ્હીની હાલત બહુ કફોડી છે. ન્યુ દિલ્હી તરીકે ઓળખાતા પાટનગર વિસ્તારના દરેક મુખ્ય રસ્તા તો છેલ્લાં દોઢ દાયકાથી ભરચક થઈ ચૂક્યા છે. સમ્રાટ અશોકથી માંડીને સમ્રાટ શાલિવાહન અને બાદશાહ અકબરથી માંડીને આખરી મોગલ બહાદુરશાહ ઝફર સુધીના ઐતિહાસિક વ્યક્તિવિશેષના નામે રસ્તાઓ દોડતા કરી દીધા પછી તમામ સ્તરના રાજકારણીઓ પણ રસ્તાના નામે અહીં ટ્રાફિક જામ કરી ચૂક્યા છે. બાબુ જગજીવનરામ હોય કે ૨૭ દિવસ માટે વડાપ્રધાન બની ગયેલા ચૌધરી ચરણસંિઘ હોય, અરુણા અસફઅલી કે રફી અહેમદ કિડવાઈ જેવા જે-તે સમય પૂરતાં મહત્ત્વના ગણાતા રાજકીય અગ્રણી હોય, દિલ્હીએ રસ્તાના નામ પાડવામાં એવી ઉદારતા દાખવી છે કે, નવા નામ પાડવા માટેનું પેન્ડંિગ લિસ્ટ હજુ ય લંબાતું જ જાય છે પણ નામ જોડવા માટે રસ્તો એકેય બચ્યો નથી.
૧૯૯૩થી ન્યુ દિલ્હીના મુખ્ય અને સાઈડ રોડનું નામકરણ હંગામી ધોરણે બંધ કરવાનું જાહેર થયું એ પછી ‘તૂ નહિ તો ઓર સહી’નો ઘાટ ચાલ્યો. નવી દિલ્હીમાં જગા નથી તો બાજુની જુની દિલ્હીમાં જગા શોધી લઈએ. જગા બનાવવામાં માહેર રાજકારણીઓએ નવી દિલ્હી તરફ જતી જુની દિલ્હીની સડકો પર પોતાના નેતાના નામો ચાલુ કરી દીધા. કૈલાસપતિ મિશ્રા, હેમવતીનંદન બહુગુણા, વીરબહાદુર સંિહ, જીતેન્દ્ર પ્રસાદ, રાજેશ પાયલટ જેવા હજુ હમણાના ગણાય તેવા દિવંગત નેતાઓ હવે નામના ઘોડે ચડીને જૂની દિલ્હીની સડકો પર અમરત્વની રેસમાં દોડે છે. પણ એમાં ય એવો ટ્રાફિક જામ થઈ ગયો છે કે જુની દિલ્હીની સડકો અને ગલીઓ અને પછી તો ખાંચા-ખૂંચીમાં ય નામની ભરમાર થઈ ગઈ છે.
હવે બીજા મેટ્રો સિટી તરીકે મુંબઈની વાત કરીએ. આર્થિક રાજધાની તરીકે મુંબઈએ દિલ્હીની સરખામણીમાં થોડું શાણપણ દાખવ્યું છે. પરંતુ રાજકારણ તો તેમાં ય ભરપૂર માત્રામાં ખેલાયું જ છે. આઝાદી પછી શહેરની સડકોના નામકરણમાં મુંબઈએ શક્ય તેટલાં જૂનાં અને બ્રિટિશકાળની યાદ અપાવતા નામો બદલવાનો અભિગમ દાખવ્યો હતો. આમ છતાં હોર્નિમાન સર્કલ કે કંિગ્સ વે કે ચેમ્સફર્ડ સ્ક્વેર જેવા વિસ્તારો લોકસ્મૃતિમાં તો હજુ ય જૂના નામે જ ઓળખાય છે. આમ છતાં, સડકોના નામોના વૈવિઘ્યની દૃષ્ટિએ મુંબઈ ખરા અર્થમાં પચરંગી છે. અહીં મરાઠી માણુસ અને ગુજરાતી ઉપરાંત ગોવા મુક્તિસંગ્રામના લડવૈયા એસ્થર ગોન્સાલ્વિઝ અને બિહારના ભૂદાન અગ્રણી શ્રીલાલ મહાતો જેવા નામો ય સડકો સાથે ચીપકેલા જોવા મળી શકે છે.
ત્રીજા મેટ્રો ચેન્નાઈની વાત સદંતર નિરાળી છે. સાધારણતઃ એવી માન્યતા છે કે દક્ષિણ ભારતીયો નેતાને પૂજવાની બાબતમાં વધુ કટ્ટર અને લાગણી ઘવાઈ જવાની બાબતમાં બહુ આળા હોય છે. ચેન્નાઈમાં એકથી વઘુ વખત એવું બન્યું છે કે સડકોના નામકરણને લઈને લોકોએ આત્મહત્યા કરી લીધી હોય! છેલ્લાં બે દાયકાથી સડકોના નામકરણને લઈને અહીં ભયાનક વરવુ રાજકારણ ખેલાતું રહ્યું છે. અન્ના દુરાઈ અને કામરાજ એ બે જ નેતા એવા છે જેમના નામે અહીં આખા રાજ્યની કુલ સડકો પૈકીની અડધોઅડધ સડક લખાઈ ચૂકી છે. બાકી હતું તો વારાફરતી સત્તા પર આવતા જયલલિતાના અન્ના ડીએમકે અને કરુણાનીધિના ડીએમકે એ પોતપોતાના આદર્શોને સડકના ગળામાં પહેરાવવાનો ચાળો ચાલુ કર્યો છે. પરિણામે, જે પક્ષ સત્તા પર હોય એ જુનું નામ ભૂંસીને નવું નામ લગાડે અને બીજો પક્ષ સત્તા પર આવે એટલે એ નવા નામ પર લપેડો મારીને લેટેસ્ટ નવું નામ ઉમેરે. આ ખેલમાં છેલ્લા અગિયાર વર્ષમાં ફક્ત ચેન્નાઈના જ ૧૧૦૦થી વઘુ રસ્તાઓ નામ, નવું નામ, વળી નવું નામ પામતાં રહ્યા છે. કામરાજને કોંગ્રેસી અગ્રણી ગણીને બંને પાર્ટી સમાન ઉત્સાહથી તેમના નામની સડકો પર લપેડા મારી રહી છે. અન્ના દુરાઈ હજુ ય લોકલાગણીને ઘવાતી ધાર ધરાવતા હોઈ તેમના નામની સડકો સાથે છેડછાડ હજુ નથી થઈ એટલું વળી એમનું નસીબ. પછીના ક્રમે એમ.જી.રામચંદ્રન છે. જયલલિતાને રાજકારણમાં લાવનાર આ પૂર્વ મુખ્યપ્રધાન અને અભિનેતાના નામે એકલા ચેન્નાઈમાં જ મુખ્ય ૧૧ રસ્તાઓ અને છ જેટલાં એક્સ્પ્રેસ વે છે. જેમાંથી બે રસ્તા એવા છે કે કરુણાનિધીએ એકનું નામ બદલીને સંત તિરુવલ્લુવર અને રાષ્ટ્રવાદી કવિ સુબ્રહ્મણ્યમ સાથે જોડ્યું છે.
બિલકુલ ચેન્નાઈ જેવો જ મામલો હવે કોલકાતામાં શરૂ થવાની વકી છે. કોલકાતા મ્યુનિ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ, સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદ સડકોનું નામ પામવામાં અગ્રણી છે. નેતાજીના નામે (નેતાજી, બોઝ, સુભાષબાબુ, આઝાદ હંિદ ફોજ એવા) અગિયાર રસ્તાઓ છે જ્યારે સ્વામી વિવેકાનંદના નામે ત્રણ મુખ્ય રસ્તાઓ ઉપરાંત અસંખ્ય ઈમારતો છે. બસ, બાકીનો બધો જ કારોબાર ડાબેરી નેતાઓએ ચરી ખાધો છે. ચાલો, ડાંગેસાહેબ અને મન્મથનાથ રોય અને જ્યોતિ બસુ જેવા નામો હોય તો પણ ‘ચાલેબલ’ ગણીએ. પરંતુ અહીં તો અતિઉત્સાહી ડાબેરીઓએ લિયોનિદ બ્રેઝનેવ, ચેરેનેન્કો અને માઓ ઝેદોંગ જેવા રશિયા અને ચીનના સામ્યવાદી નેતાઓને ય અહીંની સડકો પર દોડાવી દીધા છે. મમતા દીદી હવે બંગાળી અસ્મિતાના નામે આવા નામો બદલીને તેના પર બંગાળી પીંછડો મારવાનો ક્રમ શરૂ કરવા ધારે છે.
આ સઘળો તાલ જોતાં, શેક્સપિયર ફરીથી રોમિયો-જુલિયેટ લખે તો તેનો ડાયલોગ હવે જરૂર બદલી નાંખે.

 

દુનિયાભરમાં રાજમાર્ગો સાથે પુરુષોના જ નામ સાંકળવાનો વણલખ્યો ધારો છે
મહિલાચંિઘ્યા માર્ગે
જવામાં કંઈ વાંધો છે?!!

- દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે એ જો સાચું હોય તો એ પણ સત્ય છે કે સફળ સ્ત્રીના નામ પાછળ કોઈ રસ્તો ભાગ્યે જ હોય છે! માનવામાં ન આવતું હોય તો તમારા શહેરના મુખ્ય રસ્તાઓ સાથે જોડાયેલા નામો યાદ કરી જુઓ. પુરુષપ્રધાન સમાજની આ તાસિર રસ્તાઓના નામકરણમાં પણ ઊડીને આંખે વળગી શકે એટલી હદે મહિલાઓને તેમાં બાકાત કરાય છે. ભારતમાં જ ફક્ત આવું હોત તો એને આપણા સંકુચિત મનોભાવ સાથે સાંકળવું આસાન હોત પરંતુ વિશ્વભરમાં આ પરિસ્થિતિ છે અને તેના સત્તાવાર અભ્યાસપૂર્ણ પૂરાવા પણ છે.

મહિલાઓ માટે એક દાયકા પહેલાં ‘પુરુષ સમોવડી’ શબ્દપ્રયોગ થતો હતો. પછી સમજાયું કે એમાં પણ છેવટે તો પુરુષોની શ્રેષ્ઠતાનો ઘ્વનિ જ સંભળાય છે એટલે હવે ‘મહિલા સશક્તિકરણ’ શબ્દ પ્રચલિત બન્યો છે. વાસ્તવિકતા એ છે કે, મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષોને હંફાવવા સક્ષમ હોવા છતાં એ સ્વીકારવું અને મહિલાઓનો માર્ગ વિધ્નરહિત કરવાની મનોસ્થિતિ હજુ ય કેળવાઈ નથી. સંસદમાં અનામતનો મુદ્દો તો દૂરની વાત છે, જાહેર રસ્તાઓ, ઈમારતોના નામ સાથે પણ મહિલાઓના નામ સાંકળવામાં દુનિયાભરમાં એટલી હદે આડોડાઈ ચાલે છે જાણે પ્રતિભાશાળી મહિલાઓ હોય જ નહિ.
પહેલી વાત કરીએ યે મેરા ઈન્ડિયાની. રાષ્ટ્રીય મહિલા આયોગ પ્રેરિત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના અભ્યાસ મુજબ, ભારતમાં સફળ, અનુકરણિય અને પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી મહિલાઓના નામ સાથે રાજમાર્ગોને સાંકળવાનું બહુધા ટાળવામાં આવે છે. મહિલા હોવા છતાં ભારતમાં સૌથી વઘુ રસ્તાઓ સાથે જેમના નામ સાંકળવામાં આવ્યા હોય તેવું સદ્‌ભાગી (અને સહજ) નામ ઈન્દિરા ગાંધીનું છે. પછીના ક્રમે ઝાંસીની રાણી અને કસ્તુરબા ગાંધીના નામ છે. બસ, આટલામાં જ સંતોષ માની લેવાનો. આ ત્રણ મહિલા સિવાય ભાગ્યે જ કોઈ એવી મહિલા છે જેનાં નામે દેશમાં પાંચ-સાત શહેરોમાં બઘું મળીને પાંચ-સાત માર્ગ હોય. આ સ્થિતિ માટે ક્યુ કારણ જવાબદાર હોઈ શકે? એ મહિલાઓ સાથે દરેક ક્ષેત્રમાં થતા ભેદભાવ જેવી જ અવગણના છે? મહિલાઓની આ માટેની યોગ્યતા ઓછી પડે છે? કે આ પ્રકારે અનુકરણિય બને તેવી મહિલાઓનું પ્રમાણ ઓછું છે?
ભારતમાં હજુ મહિલા અધિકારો વિશેની જાગૃતિ આવ્યે બે દાયકા અને મહિલા સશક્તીકરણ સંબંધિત કાયદાઓ, પંચાયતો સુધીના સ્તરે મહિલા અનામત વગેરે આવકાર્ય અને આવશ્યક પગલાંઓ લીધે હજુ માંડ દાયકો થયો. એ જોતાં, ભારતમાં જાહેર રસ્તાઓ, ઈમારતો કે સંસ્થાઓ સાથે મહિલાઓના નામ સાંકળવાનું ચલણ ન હોય તો કદાચ તેને હવે સુધારી શકાય. પરંતુ ભારતની સરખામણીમાં ‘સુધરેલા’ અને એડવાન્સ્ડ ગણાતા યુરોપ-અમેરિકામાં પણ સ્થિતિ ખાસ અલગ નથી. ભારતમાં તો હજુ હવે આ વિશે ઘ્યાન ગયું છે, યુરોપમાં તો આ અંગે સઘન અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ પણ થયા છે.
મારિયા આર્કોલિની નામના ઈટાલીના ભૂગોળના એક પ્રાઘ્યાપકે આ અંગે ઈટાલી ઉપરાંત, જર્મની, ફ્રાન્સ, બ્રિટનના રાજમાર્ગો અને તેના નામકરણનો અભ્યાસ કરીને રસપ્રદ તારણો કાઢ્‌યા છે. બન્યું હતું એવું કે, મારિયા આર્કોલિની તેમનાં કોઈ પ્રોજેક્ટ સંદર્ભે રોમન સામ્રાજ્યના કાળની ઈમારતોના વર્તમાન વિશે કોઈ સંશોધન કરી રહ્યાં હતાં. એ વખતે તેમનાં ઘ્યાન પર આ બાબત આવી. એ પછી તેમણે બીજા પ્રોજેક્ટ તરીકે જાહેર રસ્તાઓ અને ઈમારતોમાં મહિલાઓના નામને મળતાં સ્થાન અંગે અભ્યાસ શરૂ કર્યો. તેમને એ વખતે જે તારણો મળ્યા એ ચોંકાવનારા હતા. મારિયા અને તેમની ટીમે કુલ ૧૬,૫૫૦ સડકોના નામ ચેક કર્યા તો જાણવા મળ્યું કે ૭૭૫૦ સડકો પુરુષોના નામ સાથે સાંકળવામાં આવી હતી. એ સિવાય સ્થાનિક વિસ્તાર કે ઈમારત કે નજીકના કોઈ જાણીતા સ્થળના નામનો ઉપયોગ થતો હતો. મહિલાઓનું નામ સાંકળવામાં આવ્યું હોય તેવી સડકોની સંખ્યા ફક્ત ૫૮૦ એટલે કે કુલ સડકોના ફક્ત ૩.૫ ટકા હતી.
મારિયાએ આ અંગે વ્યાપક ઝુંબેશ આદરી છે. ઈટાલિના કુખ્યાત બર્લુસ્કોનીએ પણ સત્તાકાળ દરમિયાન મારિયાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું અને સંસદે પણ આગામી એક દાયકા સુધી માર્ગોના નામકરણમાં મહિલાઓને ૫૦% પ્રતિનિધત્વ આપીને સ્થિતિ સુધારવાનું વચન આપ્યું હતું. મારિયાની આ ઝુંબેશે સમગ્ર યુરોપનું ઘ્યાન ખેંચ્યું. સૌથી પહેલો પ્રતિસાદ આપ્યો સ્પેને. સ્પેનમાં પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતાના દેશ માટે આવો અભ્યાસ હાથ ધર્યો ત્યારે જાણવા મળ્યું કે સ્પેનમાં મોટાભાગે સડકોને નામના બદલે નંબરથી ઓળખવાનો રિવાજ છે તેમ છતાં ૨૭% સડકો સાથે પુરુષોના નામ જોડાયેલા છે જ્યારે મહિલાઓનું પ્રતિનિધત્વ ફક્ત ૬% જેટલું જ છે. બ્રિટનમાં તો સ્થિતિ બહુ જ વિચિત્ર છે. બ્રિટનમાં જે મહિલાઓના નામ સડકો સાથે જોડાવા સદ્‌ભાગી નીવડ્યા છે એ પૈકી મોટાભાગના વિદેશી મહિલાઓના છે. મતલબ કે, અંગ્રેજોને સ્થાનિક મહિલાઓ કરતાં અન્ય દેશોની મહિલાઓ વઘુ પ્રતિભાશાળી અને અનુકરણિય લાગી છે. પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન જ્હોન મેજરની આગેવાની હેઠળ હવે આ ઝુંબેશ સર્વકાલીન મહાન બ્રિટિશ મહિલાઓની સુચિ તૈયાર કરી રહી છે અને આગામી કેટલાંક સમયમાં લંડન, વેમ્બ્લી, ગ્લાસગો કે લિવરપુલની શેરીઓને આ મહિલાઓના નામ સાથે સાંકળવામાં આવશે.
આશા રાખીએ કે અન્નાની લોકપાલ ઝુંબેશમાંથી (ખાલી હાથે) પરવાર્યા પછી આપણે ત્યાં પણ આવું કશુંક થાય. એટલિસ્ટ, ત્યાં સુધી લિસ્ટ તો તૈયાર કરવા માંડો!

Trivia

અંકલ સામનું ડહાપણ
સડકને નામ સાથે જોડવાનું જોખમ અમેરિકાએ સુપેરે ઓળખી લીધું છે.પરિણામે અમેરિકામાં સડકના નામ સાથે ભાગ્યે જ નેતાનું નામ જોડવાનો ધારો છે. નામકરણ માટે અહીં ચોક્કસ નિયમો પણ છે. ગાંધીનગર, ચંદીગઢ જેવા ભારતીય શહેરોમાં જે સેક્ટર સિસ્ટમ અને ક્રોસરોડ સર્કલ પ્રચલિત છે એના મૂળમાં અમેરિકન કોન્સેપ્ટ છે. ઓગણીશમી સદીના આખરી દાયકાઓમાં વોશંિગ્ટન, ન્યૂયોર્ક, ડલાસ, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરોનું નવીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે શહેરની સમાંતરે જતાં આડા માર્ગોને ૦૧, ૦૨, ૦૩ એવા નંબરો અને શહેરને લંબ દિશામાં કાપતા માર્ગોને આલ્ફાબેટ મુજબ એ, બી, સી, ડી એ રીતે ઓળખવાનો કામચલાઉ રસ્તો અપનાવાયો હતો. જ્યારે આ શહેરોના નવા વિસ્તારો ધમધમતા થઈ ગયા અને નવા નામો વિચારાધિન બન્યા ત્યાં સુધીમાં ૦૧/એ, ૦૩/ડી એવી ઓળખ વ્યાપક બની ચૂકી હતી.
ટોપ ૧૦ સ્ટ્રિટ નેમઃ નામ નહિ, નંબર કહો...
અમેરિકાના મોસ્ટ પોપ્યુલર સ્ટ્રિટ નેમ પૂછો તો જવાબમાં નામ નહિ પણ નંબર આપવા પડે. સૌથી લોકપ્રિય ગણાતો નંબર છે સેકન્ડ સ્ટ્રિટ. અમેરિકામાં સેકન્ડ સ્ટ્રિટ નામ ધરાવતા રસ્તાઓ કે શેરીઓની સંખ્યા ૧૦,૮૮૬ છે. પછીના ક્રમે થર્ડ સ્ટ્રીટ (૧૦,૧૩૧) આવે છે. જ્યારે કે, અંકગણિત મુજબ એ બેથી પહેલા આવવી જોઈતી ફર્સ્ટ સ્ટ્રિટનો ક્રમ ત્રીજો (૯,૧૯૦) છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જેવા અંકસુચક નામો ઉપરાંત અમેરિકામાં ઓક, પાઈન, મેપલ જેવા વૃક્ષો આધારિત નામો પણ ચલણી છે તેમજ હિલ, વ્યૂ જેવા સરળ રીતે જીભે ચડે તેવા નામો ય ઉપયોગી બને છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved