Last Update : 29-April-2012, Sunday

 

નેપોલિયનનો એ ‘વાળ’ સાક્ષી પૂરે છે કે ઝેર આપી તેની હત્યા કરવામાં આવી હતી

ઈતિહાસ - ભારદ્વાજ

દુનિયામાં એવા કેટલાયે બનાવો બનતા રહે છે, જેની ઉપર રહસ્યોના જાળા વીંટળાતા અને ઉખડતાં રહે છે, એમાંથી કેટલાક બનાવો સાધારણ હોય છે, જ્યારે કેટલાક અસાધારણ પ્રકારના હોય છે. આવા જ એક ઐતિહાસિક પણ અસાધારણ બનાવ પર બાઝેલા રહસ્યને પૂરા ૧૬૨ વરસના ગાળા પછી એક વાળના રાસાયણિક પરિક્ષણ થકી ઉકેલવામાં આવ્યું હતું. આ બનાવમાં એક એવા માનવી વિશે રહસ્યોસ્ફોટ કરવામાં આવ્યો છે, જે કોઈ સામાન્ય માનવી નહોતો બલ્કે એ હતો મહાન સિકંદર અને ચંગેઝખાન પછીનો જબરો વિજેતા નેપોલિયન બોનાપાર્ટ.
જેના શબ્દકોશમાં ‘અશક્ય’ જેવા શબ્દને કોઈ સ્થાન નહોતું તેના હુકમને ટાળવાની કોઈમાં હામ નહોતી અને તેની ઇચ્છાને અવગણવાનો કોઈ વિચાર સુદ્ધા કરી શકું નહીં એવા યુરોપના આ લોખંડી પુરુષના અંતિમ કાળમાં લખાયેલા શબ્દોને નિરર્થક ગણી લેવામાં આવ્યા હતા. છતાં સમય જતાં નેપોલિયનના એ શબ્દોની વરસો પછી પણ કોઈ અવગણના કરતું નહોતું. આમ ૧૬૨ વરસ પછી એક દિવસ નેપોલિયને નોંધેલા શબ્દને ગંભીરતાથી હાથ ધરવામાં આવ્યા અને એ પછી ઇંગ્લેન્ડની ધરતી ઉપર એ જ ઇંગ્લેન્ડ કે જે તેનું સૌથી મોટું દુશ્મન હતું ત્યાં જ આ રહ્‌સય પરથી પડદો ઊંચકવામાં આવ્યો છે.
દરેક મોરચા પર અંગ્રેજોને હંફાવનાર ફ્રાન્સનો આ સમ્રાટ ઇંગ્લેન્ડના નૌકાદળના સેનાપતિ નેલ્સનના હાથે વોટરલુના યુદ્ધમાં હારી ગયો ત્યારે તેણે ફ્રાન્સની ગાદી પરનો પોતાનો હક્ક જતો કરી અમેરિકા જવાનો પ્રયાસ કર્યો, ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તેના જહાજને એક અંગ્રેજ જહાજે આંતર્યુ અને તેને ગિરફતાર કરી. દક્ષિણ એટલાન્ટિકના એક ઉજ્જડ અને નિર્જન એવા સેન્ટ હેલિના નામે ટાપુમાં ૧૫ ઓક્ટોબર, ૧૮૧૫માં એક કેદીની હેસિયતથી રાખવામાં આવ્યો.
સેન્ટ હેલિનામાં કેદી અવસ્થામાં રહ્યા પછીના સમયમાં તે એકી સાથે કેટલાય રોગોમાં સપડાઈ ગયો. જેમાં જિગરની ગરમી, ઉબકા આવવા, બેભાનપણાની અવસ્થા, ઝાડા અપચા અને પેટમાં દર્દ જેવા અનેક રોગો સામેલ હતા. અંતે સાડા પાંચ વરસ પછી ૫ મે, ૧૮૨૧ના શનિવારના દિવસે દુનિયાનો એક મહાન વિજેતા માત્ર ૪૬ વરસની વયે મૃત્યુ પામ્યો, બીજા દિવસે નેપોલિયનની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં મૃત્યુનું કારણ ‘હોજરીના કેન્સર’નું જાહેર કરવામાં આવ્યું.
નેપોલિયનનું મૃત્યુ કે મૃત્યુનું કારણ લોકો માટે એટલું મહત્ત્વનું નહોતું. લોકો તો તેના મૃત્યુ પછી તેના વિજયો અને તેના લશ્કરી સાહસોના કિસ્સા-કહાણીઓ રસપૂર્વક વાંચવા લાગ્યા હતા. વાસ્તવમાં નેપોલિયનનું આરોગ્ય કાયમ કથળેલું રહ્યું હતું. અને તે તેના જીવન દરમ્યાન પેટ, આંતરડા, ફેફસાં, હૃદય અને જિગર જેવા તમામ અંગોના દર્દમાં ઘેરાયેલો રહ્યો હતો. તેના પિતાના મૃત્યુના અહેવાલમાં હોજરીના કેન્સર જેવું કારણ બતાવવામાં આવ્યું હતું. ૧૮૦૩માં તે નેપોલિયને તેના મિત્રને પોતાના સ્વાસ્થ્ય વિશે લખતાં આવા શબ્દો ટાંક્યા હતા ઃ ‘‘હું ક્યારેય તંદુરસ્ત જીવન જીવી શકીશ નહીં.’’
૧૭૯૯માં નેપોલિયન જ્યારે ફ્રાન્સના પ્રથમ કાઉન્સેલર તરીકે નિમાઈ આવ્યો ત્યારે પણ તે સંપૂર્ણ નિરોગી નહોતો. તેના હૃદયની ગતિ કમજોર હોવા સાથે તેને ઉલ્ટી અને ઉબકાની ફરિયાદ રહ્યા કરતી હતી. ૧૮૦૨માં તેના ડોક્ટર કોરવી એ પોતાના નિદાનમાં એવું જણાવી દીઘું હતું કે તેનું મૃત્યુ હૃદયની નસોના વિસ્તરવાથી થશે. ૧૮૦૩માં તે બુ્રસેલ્સ ખાતે ખાંસી અને ફેંફસાના રોગથી પિડાઈ રહ્યો હતો. અને નાડીના ધબકારા માત્ર ૪૫ જેટલા રહી ગયા હતા. એ ઉપરાંત તેને આધાશીશી અને ધુરી (મરઘી) વગેરેના હુમલાઓ થવા લાગ્યા. એ જ સમયમાં નેપોલિયનની બગ્ગી એક દિવાલથી ટકરાઈ અને પોતે ઊંધા મોંએ જમીન પર પડછાયો, ત્યારથી તેને પેટમાં દર્દ શરૂ થયું. ૧૮૦૯માં તે જ્યારે ૪૦ વરસની ઉંમરે પહોંચ્યો ત્યાર તે પોતાને એક ઘરડા માનવી તરીકે અનુભવવા લાગ્યો. તે પોતાની શારીરિક અશક્તિ અને વૃદ્ધાવસ્થા થકી કંઈ ચંિતાતુર રહેવા લાગ્યો હતો. તેનો ચહેરો પીળો પડી જવા સાથે તેનું પેટ આગળ નીકળી આવ્યું હતું અને શરીર પણ સ્થૂળ થયું હતું.
૧૮૧૨માં તે રશિયાના મોરચા પર યુદ્ધમાં પરોવાયેલો હતો ત્યારે કેટલાય વિવિધ રોગો તેને વળગ્યા હતા. આ સમયે તેને પેશાબમાં બળતરા, તાવ અને મરડા જેવો રોગો થયા. ૧૮૧૩માં ડ્રેસ્ડનના મોરચા પર તેને ઝાડા અને હરસનાં વ્યાધિ લાગુ થયા. યુરોપમાં ભારે વિજયો મેળવ્યા પછી જ્યારે તે હારવા લાગ્યો એટલે ૧૮૧૪માં તેણે આત્મઘાત કરવા માટે ઝેર પી લેવાનો પ્રયાસ કર્યો પણ સમયસરની તબીબી સારવાર મળવાથી તે બચી જવા પામ્યો. માર્ચ ૧૮૧૫માં ફરી હરસના રોગે ઉથલો માર્યો, વાસ્તવમાં ૨૮ વરસની વયથી હરસના રોગમાં સપડાયો હતો અને ૧૬ જૂન ૧૮૧૫ની મઘ્ય રાત્રીએ જ્યારે એ વોટરલુના અંતિમ અને નિર્ણાયાત્મક યુદ્ધમાં પરોવાયેલો હતો અને યુદ્ધ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું. ત્યારે તેના પર હરસના રોગનો એટલો ઉગ્ર હુમલો થયો કે તે બેભાન અવસ્થામાં વારંવાર લથડતો રહ્યો હતો. કેટલાય દિવસો સુધી તેની આવી જ કેફિયત રહી. વોટરલુના પરાજય પાછળ ભલે બીજા અનેક કારણો રહ્યાં હોય છતાં એમાંનું મુખ્ય કારણ નેપોલિયનની બીમારી કહી શકાય.
નેપોલિયન ન તો અદાલત સામે કોઈ બ્યાન આપી રહ્યો હતો કે ન તેણે કોઈ અખબારના પ્રતિનિધિના સવાલોના જવાબ આપ્યા હતા. અથવા સંભવ છે કે તેણે બીજું કંઈ કહ્યું હોય પણ તે સમયની બ્રિટિશ સરકારે તેના એવા કોઈ બ્યાન કે પ્રસંગને જાહેરમાં લાવવાની ‘મૂર્ખાઈ’ કર્યા વગર નેપોલિયિનને અગર કોઈ બ્યાન આપ્યું હોય તો તેમાંથી સરકાર વિરુદ્ધના ફરકાઓ અંગ્રેજોએ ઉડાવી દીધા હોય તે શક્ય છે અને અંગ્રેજોને નેપોલિયનના નિર્દોષ અને બિનહાનિકારક શબ્દો થકી ૧૬૨ વરસ પછી એક એવા રહસ્ય પછી પડદો ઊંચકાઈ રહ્યો છે કે શું નેપોલિયન વાસ્તવમાં કુદરતી મોતે મર્યો છે કે તેને મારી નાખવામાં આવ્યા હતો. અગર દોઢ સૈકા પહેલાં કદાચ નેપોલિયનના આ શબ્દો પોતાના વિરુદ્ધ કોઈ ધૃણાજનક દસ્તાવેજના સ્વરૂપમાં સામે આવશે એવું જ્ઞાન નેપોલિયનના મૃત્યુમાં કારણભૂત બનેલાઓને લાગ્યું હોત તો તેઓએ તેના એ શબ્દો એ જ સમયે ભૂસી નાખ્યા હોત. એ સમયે એ લોકોને મુદ્દલ ખબર જ નહોતી કે લગભગ ૧૫૦ વરસ પછી સ્વીડનનો એક ગુન્હાશોધક આ શબ્દો વાંચીને ચમકી જશે અને તેના આધારે તે દુનિયાની સમક્ષ એક રહસ્ય છતું કરી દેશે!
ડોક્ટર ફોર્શફોર્ડેનો સંબંધ સ્વીડનના ગુન્હાશોધક ખાતા સાથે રહ્યો છે અને ગુન્હાઓને પકડી પાડવા તેણે અપનાવેલી વૈજ્ઞાનિક રીતો થકી વિશ્વવિખ્યાત બન્યો છે. યુરોપની સરકારે ગુન્હાના અટપટા કોયડા ઉકેલવા તેની સહાય મેળવતી રહે છે. ડોક્ટર ફોર્શફોર્ડ ને જૂના ઐતિહાસિક દસ્તાવેજોના પાનાઓ ઉથલાવી જોવાનો સારો એવો શોખ રહ્યો છે. તેના આ શોખ થકી નેપોલિયનના પોસ્ટમોર્ટમનો તબીબી અહેવાલ તેના હાથમાં આવ્યો. આ અહેવાલને ઘ્યાનપૂર્વક વાંચતા કેટલીય એવી વાતો તેની સામે આવી જેના થકી અહેવાલના બાહ્ય સ્વરૂપથી તેને સંતોષ થયો નહીં. એ પછી તેણે આ કેસ પર વિચારવાનું શરૂ કરી દીઘું અને જેમ-જેમ તે તેની વિગતોમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ તેની શંકા વઘુ વાસ્તવિક્તા ધારણ કરતી ગઈ. તેને એમ લાગવા માંડ્યુ કે નેપોલિયન આટલા બધા રોગોમાં સપડાયેલો હોવા છતાં તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો નથી. બલ્કે અંગ્રેજોએ તેને હોશિયારી વાપરી સિફતપૂર્વક તેના મૃત્યુના કારણમાં એવું નિદાન કરી દેવામાં આવ્યું હતું, ઝેર પીવાના કારણે તે પિડાઈ રહ્યો હતો.
ડોક્ટર ફોર્શફોર્ડની શંકાઓ આ કારણો પર નિર્ભર હતી.
૧. મૃત્યુના થોડા સમય પહેલાં નેપોલિયને લખેલા પોતાના વસિયતનામામાં આવા પ્રકારનું એક વાક્ય જોવા મળ્યું. ‘‘હું મારા સમય પહેલાં મરી રહ્યો છું મને મુઠ્ઠીભર અંગ્રેજ ઉમરાવોની સરકાર અને ભાડૂતી ખૂનીઓએ મારી નાખ્યો છે.’’ સંભવ છે કે તેના આ શબ્દોને એક ચિડિયા સ્વભાવનો લવારો-બકવાસ ગણી તેને એજ પ્રમાણે ખપાવી દેવાનું ઠેરવી રહેવા દીધો હોય.
૨. આમાં એક ઐતિહાસિક અને વિચારક નેપોલિયનના અંગત ડોક્ટર ફ્રાન્સિસ એન્તોમારચીએ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પર સહી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જોકે નેપોલિયનના મૃત શરીરની સર્જરી કરવાનું કાર્ય તેણે અંજામ આપ્યું હતું. છતાં જે પાંચ તબીબી અફસરોની સહીઓ હતી તે બધા અંગ્રેજો હતા. સ્વીડનના નિષ્ણાતના સંશોધન થકી એ વાત સ્પષ્ટપણે સામે આવી હતી કે નેપોલિયનના શબની ચીરફાડ અને નિરીક્ષણ કરનાર ડોક્ટર રોગોના પરિક્ષણનો નિષ્ણાંત હતો, જ્યારે અંગ્રેજો એ કાર્યમાં બિનઅનુભવી હતા.
૩. સહુથી વઘુ મહત્ત્વનાં મુદ્દો એ હતો કે જ્યારે નેપોલિયન સખ્ત દર્દથી પિડાઈ રહ્યો હતો ત્યારે સેન્ટ હેલિના ટાપુના અંગ્રેજ ગર્વનરે નેપોલિયનને એ વાતની પરવાનગી આપી નહીં કે દર્દી પોતાને માન્ય એવા તબીબથી પોતાના રોગ વિશે વાત કરી શકે. પુરાણા દસ્વાતેજોથી એવું જાણવા મળતું હતું કે ટાપુના પહેલા ગવર્નર કર્નલ માર્ક વિલકીથી નેપોલિયનના સંબંધો સારા રહ્યા હતા અને તેના સમયનું તેનું આરોગ્ય સારું હતું પણ એ પછી ૧૪ એપ્રિલ ૧૮૧૬માં જૂના ગવર્નરના સ્થાને સર હડસન લોને ગવર્નર તરીકે મૂકવામાં આવ્યો તેણે આવતાંની સાથે નેપોલિયન પર સખ્તી કરવાનું શરૂ કરી દીઘું, તેણે એટલી સખ્તી કરી કે નેપોલિયન માટે જીવવું દુર્લભ થઈ પડ્યું. એ સમયે નેપોલિયન સામાન્ય રોગો ઉપરાંત એવા રોગોમાં સપડાઈ ગયો જેનું નિદાન કરવું કઠણ હતું.
આટલા મુદ્દાના પ્રકાશમાં પોતાના સંશોધનનો આરંભ કરતાં ડોક્ટર ફોર્શફોર્ડે નેપોલિયનના સેન્ટ હેલિના ખાતેના કેદની ડોક્ટરી વિગતોનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીઘું. હાલના સ્મરણો, પત્રવ્યવહાર અને દસ્તાવેજોથી મળેલી માહિતીઓ એકઠી કર્યા પછી એ વાત નક્કી થઈ ગઈ કે લગભગ સાડા પાંચ વરસના અરસામાં લાંબી બીમારી દરમ્યાન જે રોગોના લક્ષણો નેપોલિયનના શરીરમાં જોવા મળ્યાં હતાં, તેમાં માથાનો સખ્ત દુઃખાવો, પેટમાં તકલીફ, ડાબા પડખે જીગરની નજીક સોજો પગના સોજા, દર્દ અને કમજોરી, ઝાડા અપચો, તરસ ઉલ્ટી અને ઉબકા, શરીરની ચામડીનું ફાટવું (જેમાં મુખ્યત્વે પગની ચામડી) શરદીનો અનુભવ, અનિયમિત ચાલતા નાડીના ધબકારા અને પીળાશ પડતો રંગ મુખ્ય હતા.ં
તબીબી જ્ઞાનના આધારે આ બધા લક્ષણોનો અભ્યાસ કરતા એક વાત નકારી ન શકાય એવી સામે આવી કે એમાંથી કેટલાક લક્ષણોનો કેન્સરથી કંઈ સંબંધ નથી. આ અંગે તબીબી વિજ્ઞાનનું મામુલી જ્ઞાન ધરાવતો માનવી આને હોજરીના કેન્સરનું પરિણામ કહી શકે! આટલા વિરોધાભાસી લક્ષણોનું એકી સાથે હોવું અને એ કે આ બીમારી તબક્કાવાર વધી નહીં પણ એક પછી એક રોગોની ઉગ્રતા વધવા સાથે તેમાં થોડી રાહત થયાનો ક્રમ કાયમી રીતે ચાલુ રહ્યો ત્યારે આ કહેવાતો ‘રોગ’ ક્યો અર્થ ધરાવે છે? આના વિશે તો એક સામાન્ય માનવી પણ એ અનુમાન બાંધી શકે છે કે નેપોલિયનને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો! લાશની ચીરફાડથી એ વસ્તુ સામે આવી હતી કે નેપોલિયનનું હૃદય વિસ્તરવા સાથે કઠણ થઈ ગયું હતું. પિત્ત વધી ગયું હતું અને આંતરિક રસોળીઓમાંથી પ્રવાહી પદાર્થ વહી રહ્યો હતો. ચામડીની નીચે અને પેટની અંદર ચરબીના થર જામી ગયા હતા. આ બધા લક્ષણોનો કેન્સર સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં અને થઈ શકે છે આ કોઈ ખાસ પ્રકારના ઝેરની અસર હતી.
આમ છતાં ફોર્શફોર્ડ પોતાના સંશોધનને તાર્કિક કે વિરોધાભાસી દલીલો સુધી મર્યાદિત રાખવા માગતો નહોતો પણ તે પોતાના દાવાના સમર્થનમાં નક્કર અને દૈહિક પ્રમાણ આપવા માગતો હતો. તરત જ તેનું ઘ્યાન એ વસ્તુ તરફ દોરાયું કે ઝેરની અમુક માત્રા મરનારના નખ અને વાળમાં જમા થઈ જતી હોય છે અને રાસાયણિક પદ્ધતિ થકી તેનું પરિક્ષણ શક્ય છે. અને આ જ કારણસર આઘુનિક યુગના ખૂનીઓ માનવીને મારી નાખવા ઝેર (સખિયા)નો ઉપયોગ કરતા નથી. હવે તેણે પોતાના દાવાને સિદ્ધ કરવાનો નિર્ણય કરી લીધો. પણ એ માટે નેપોલિયનના નખ અને વાળની જરૂર હતી. તેના સદ્‌ભાગ્ય કહો કે નેપોલિયનના માથાના વાળ ‘ફ્રેન્ચ આર્મી મ્યુઝિયમ’માં સચવાયેલા હતા. છતાં ૧૬૨ વરસ જૂના વાળનું પ્રણાલિકાગત રાસાયણિક રીતે પરિક્ષણ કરવાનું કાર્ય ઘણું અઘરું હતું. એ ઉપરાંત એ કેસની બારિકાઈ અને તેના મહત્ત્વને જોતા આવા પરિક્ષણમાં કોઈ ત્રુટિ રહી જવાના સંજોગોમાં સારા જેવો ઉહાપોહ મચી જાય તેમ હતું. બીજી તરફ આવા પરિક્ષણ પાછળ અપાર શ્રમ અને મોટી ધનરાશિ ખર્ચ કરવી પડે તેમ હતું એટલે ડોક્ટર ફોર્શફોર્ડે આ પરિક્ષણ માટે ‘અણુ ઉર્જાને ભિન્ન કરી લેતી’ પદ્ધતિને કાર્યમાં લાવવાનો નિર્ણય કર્યો. આ પદ્ધતિ થકી નાનામાં નાના સૂક્ષ્મ કણમાં રહેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેળસેળ કે મિશ્રણનો પતો લગાવી શકાય છે.
આ થિયરી અજમાવવા ખાતર ડો. ફોશફોર્ડે ફ્રેન્ચ મ્યુઝિયમમાંથી નેપોલિયનનો એક વાળ મેળવ્યો. અને પછી એ વાળ લઈને તે સીધો ઇંગ્લેન્ડ પહોંચ્યો અને ત્યાંની અણુ ભઠ્ઠીમાં લઈ જઈ તેના પર પ્રયોગ કર્યો. અગર જો નેપોલિયનને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હશે તો ઝેરનો સૂક્ષ્માં સૂક્ષ્મા અંશ તેમાં હોવો જોઈએ. અને ડોક્ટર ફોર્શફોર્ડનું મંતવ્ય સાચું ઠર્યું. નેપોલિયનના એ વાળમાં ઝેરનો અંશ સામાન્ય તંદુરસ્ત હાલતમાં જોવા મળતા પ્રમાણથી તેર ગણો વઘુ હતો. હવે પરિક્ષણ સંપૂર્ણ બન્યું હતું. ઇતિહાસના એક રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો. એ પછી ડોક્ટર ફોર્શફોર્ડ એ વિશે એક પુસ્તક લખ્યું જેનું શિર્ષક ‘ધી પોઇઝના ડ્રામા ઓફ સેન્ટ હેલિના’ રાખ્યું અને આ પુસ્તક ૧૯૬૨માં ફ્રાન્સથી પ્રગટ કરવામાં આવ્યું. આમ વૈજ્ઞાનિકો પોતાનું કાર્ય પૂરું કરી ચૂક્યા છે. હવે ઇતિહાસકારોએ એ કડી ઉકેલવાની રહે છે કે સેન્ટ હેલિના ટાપુ પર નેપોલિયન પર અંગ્રેજોએ કેવી વીતાવી અને તેનું મરણ શાથી થયું? કોને ખબર આ સત્ય કદી બહાર આવશે?

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved