Last Update : 29-April-2012, Sunday

 

લાઈટહાઉસ પ્રકરણ

- ધૈવત ત્રિવેદી

- રાજાવતે તેને પ્લાન સમજાવ્યો હતો. આતંકીઓ અહીં પનાહ લઈ રહ્યા છે તેવી બાતમી મળે, પોલીસ ગોળીબારમાં ત્રણેય માર્યા જાય. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો પણ મળે. હવે સીઘું પાકિસ્તાન કનેક્‌શન સાબિત કરી દો કે પછી મુખ્યમંત્રીના મર્ડરનું કારણ ધરી દો. પબ્લિક ખુશ, મીડિયા ખુશ અને ખાખીનો સિતારો બુલંદ.

ગત રવિવારે આપણે જોયું...
હોમ મિનિસ્ટર દયાલ સાહા ગૂગલ પર વિડિયો કોન્ફરન્સમાં કોઈકને માહિતી આપી રહ્યો હતો. સામેથી સાહાને સૂચના આપવામાં આવી કે ગમે તેમ કરીને પત્રકાર અભિમન્યુ રાવને આ મામલાથી દૂર રાખવામાં આવે, નહિ તો બધા માટે જોખમ વધી જશે. વાત પૂરી થઈ ત્યાં સુધી સાહા તો તેનો આઈપી નંબર ન જ જાણી શક્યો પણ સાહા આવી મહેનત કરતો હોવાનું પેલી વ્યક્તિને જણાઈ ગયું. તેણે સાહાને દાટી મારી અને તે ઓફલાઈન થઈ ગયો. બીજી તરફ, મટિયાવાડમાં જુદો જ ખેલ રચાયો. પોતાનું નામ આતંકવાદી તરીકે આવતાં અભિમન્યુ ભારે રોષ અને હતાશા અનુભવતો હતો. સુમરા અને રાવી તેને સાંત્વના આપવા ઉપરાંત હવે પછીનો વ્યૂહ નક્કી કરવામાં વ્યસ્ત હતા. બરાબર એ જ સમયે રાજાવતના માણસો મટિયાવાડનો નકશો તૈયાર કરી ચૂક્યા હતા. વરલી મટકાના સુબેદાર મદદઅલીએ રાજાવતને ઈન્તાઝ વિશે માહિતી આપી દીધી હતી અને ઈન્તાઝના મળતિયાના નંબર ટ્રેસ કરીને રાજાવત મટિયાવાડમાં અભિમન્યુ સહિતના શકમંદો છૂપાયા હોવાનું જાણી ચૂક્યો હતો. હવે વાંચો આગળ...

 

બપોરે ૧૨ વાગ્યા પછી
મટિયાવાડના એ જર્જરિત, ત્રણ માળિયા મેડીબંધ મકાનમાં સન્નાટો હતો. સુમરો હથિયાર, એમ્યુનિશન અને વાહનની વ્યવસ્થામાં પરોવાયેલો હતો. બઘું જ વહેલીતકે આટોપીને મટિયાવાડનું આશ્રયસ્થાન છોડી અન્યત્ર જતાં રહેવા માટે તે મન મનાવી ચૂક્યો હતો. સુમરાની સૌથી મોટી ખાસિયત જ આ હતી. એ હંમેશા સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારતો. સાહાની જગ્યાએ પોતે હોય તો શું કરે એ સવાલના જવાબમાં તેણે કેટલાંક વિકલ્પો તારવ્યા હતા અને એ દરેક વિકલ્પ મટિયાવાડના અત્યાર સુધી સુરક્ષિત રહેલાં આ આશ્રયસ્થાનને જોખમી સાબિત કરતા હતા. અભિ ઓળખાઈ ગયો છે. રાવીની ઓળખ પહેલેથી જ સ્પષ્ટ છે. એ સંજોગોમાં હવે સાહા કે રાજાવત કોઈપણ હિસાબે તેમને બંનેને ગાડીમાં ભગાડી જનાર ત્રીજા ચહેરાને ઓળખવામાં લાગ્યા હોય. ધારો કે તેમને કોઈપણ રીતે ખબર પડી જાય કે એ ત્રીજો અજાણ્યો ચહેરો અભરામ સુમરા પોતે છે તો પછી સુમરાના ઠેકાણા શોધી કાઢવાનું ક્રાઈમબ્રાન્ચના શિકારી ભેડિયા જેવા રાજાવત માટે મુશ્કેલ ન હોય.
મટિયાવાડ તેના માટે બે દાયકાથી માના ખોળા જેવું હુંફાળું રહ્યું હતું, પણ હવે નહિ. તેણે મનોમન ગણતરી માંડી લીધી હતી. સાહા અને રાજાવતની પહોંચથી સલામત રહીને હવે વિરમનો પતો લગાવવો રહ્યો. પૈસા જોઈશે. હથિયાર જોઈશે. આદમી, વાહન, કારતૂસ, ખોટી ઓળખના બનાવટી પૂરાવા... રાવી અને અભિને વાતો કરતાં છોડીને તે લિસ્ટ બનાવવા બેસી ગયો હતો. લિસ્ટની દરેક જરૂરિયાતની સામે તે વિકલ્પ વિચારતો હતો. પોતાની જરૂરિયાત કરતાં ય અનેકગણું એકઠું કરીને તે સલામત અને સારા વળતરમાં રોકી ચૂક્યો હતો. બનાવટી નામે ખોલાવેલા બેન્ક એકાઉન્ટ્‌સમાં એ રકમ નિયમિત જમા થતી રહેતી અને સુમરો ડેબિટ-ક્રેડિટ કાર્ડ વડે ખર્ચતો રહેતો. એ સિવાયની જરૂરિયાત માટે ઈન્તાઝ હતો જ. તેણે ઈન્તાઝના માણસ હસનને ફોન જોડ્યો અને ઈન્તાઝને લિસ્ટ લખાવ્યું હતું. બસ, એ તેની ગંભીર ભૂલ હતી પણ એ ભૂલથી હવે વઘુ નુકસાન થવાનું ન હતું. કારણ કે થવું જોઈતું નુકસાન થઈ જ ચૂક્યું હતું.
બપોરે ૨ વાગ્યે
‘મને હજુ ય તારી વાત આગળ જાણવી છે.’ બપોરે જમીને ખાટ પાસે પાથરેલી ગોદડી પર લંબાવતા અભિએ કહ્યું હતું.
‘વી વીલ હેવ પ્લેન્ટી ઓફ ટાઇમ...’ રાવીએ ગનના નાળચામાં ઊંડે સુધી કપડું પેસાડવાની મથામણ કરતાં જવાબ વાળ્યો, ‘નાવ ફર્સ્ટ ઓફ ઓલ, વી નીડ ટુ થિન્ક ફોર વિરમ. એને છોડાવ્યા વગર આ નકશાનો કે લાઈટહાઉસનો ભેદ આપણે ઉકેલી શકવાના નથી.’
‘અફકોર્સ, મને પણ એમ જ લાગે છે.’ ધાર્યો જવાબ ન મળે ત્યારે પહેલાં તો ભોળાભાવે શરણાગતિ સ્વીકારી લો અને પછી ઓચંિતા તમારો દાવ ખેલો. કાબેલ રિપોર્ટર તરીકે અભિનું એ મંજાયેલું શસ્ત્ર હતું. ભલભલા રાજકારણીઓની હામાં હા ભણતાં-ભણતાં ક્યારે તે અણિયાળા સવાલનો સિકંજો કસી લેતો એની ખંધા રાજકારણીઓ કે મીંઢા પોલીસ અફસરોને ય ખબર ન પડતી. આદત સે મજબૂર, એ જ ચાલ અત્યારે તે રાવી સામે અજમાવી રહ્યો હતો. ‘પણ વિરમને સાહાએ ક્યાં રાખ્યો હશે તેનો તને કોઈ આઈડિયા છે?’
‘કમઓન યાર, એવો આઈડિયા હોત તો હું અત્યારે આ ગન સાફ કરતી બેઠી હોત?’ રાવીએ પતરાની કૂંપીમાંથી તેલના ટીપા વડે કપડું ભીંજવ્યું અને ટ્રિગરના અંદરના ગૂ્રવ્ઝ પર સફાઈપૂર્વક ઘસ્યું. ‘માનસંિહ મહાલ વિશે મને શંકા હતી. એ સિવાય હવે તો સુમરાની જ સલાહ લેવી પડે. બટ હેઈ, એ ક્યાં ગયો છે? સવારનો ક્યાંક ભટક્યા કરે છે.’
‘એ એમ્યુનિશનની વેતરણમાં છે અને ગાડી મંગાવવાનું ય કહેતો હતો. વિરમની તલાશમાં સાંજે નીકળવું પડશે ને?’ અભિને સુમરા કરતાં ય રાવીએ અઘૂરી છોડેલી વાત આગળ વધારવાનો રસ ઝાઝો હતો. ‘આ સુમરો ય આમ જુઓ તો તારા મેજર બિહોલા જેવો જ છે...’ રાવીએ સવાલસુચક નજરે તેની સામે જોયું. ‘જોને, એ બિહોલો તને અંધારામાં રાખતો હતો તેમ આ સુમરો ય...’
‘તો હું બિહોલાની માફક સુમરાના લમણે ય ગન તાકી દઈશ.’
‘ઓહ, ક્યા બાત હૈ! તેં બિહોલાના લમણે ય ગન તાકી દીધી હતી? ઈટ્‌સ સ્ટ્રેન્જ... અનબિલિવેબલ’ અભિની ચાલબાજીથી અજાણ રાવી સામેથી જ તેનાં છટકામાં આવી ગઈ હતી.
બપોરે ૨.૨૦ વાગ્યે
‘વી આર થ્રી કિલોમીટર્સ અવે નાવ...’ રાજાવતે દબાતા અવાજે મોબાઈલમાં કહ્યું.
‘કેરી ઓન... બટ નો મોર કેઝ્‌યુઅલ્ટીઝ... ભરચક એરિયા છે. ગીચોગીચ વસ્તીમાં મકાનને ઘેર્યા પછી જ ફાયર ઓપન કરજે.’ સામા છેડેથી હોમ મિનિસ્ટર દયાલ સાહાએ કહી તો દીઘું પણ તેના અવાજમાં રહેલો ઉચાટ રાજાવતે પારખ્યો હતો.
‘ડોન્ટ વરી સર, જો એ ત્રણેય ત્યાં હશે તો બે મેગેઝિનથી વઘુ કારતૂસ નહિ વેડફાય. વી આર હેવંિગ બેસ્ટ ઓફ ધ બેસ્ટ શૂટર્સ ઓફ ડિપાર્ટમેન્ટ.’
‘કોઈ ફૂટી જાય એમ તો નથી ને?’ સાહા પોતાના જ પોલીસખાતાને બખૂબી જાણતો હતો.
‘નો વે સર, સેકન્ડ કમાન્ડને ખબર જ નથી કે ઓપરેશન ક્યાં છે. ધે આર જસ્ટ ફોલોઈંગ મી. અને લોકેશન મેપંિગ જેમણે કર્યું એ ટીમના મોબાઈલ મેં પહેલેથી જ લઈ લીધા છે.’
‘શાબ્બાશ. આઈ બિલિવ યુ માય ડિઅર. ઓલ ધ બેસ્ટ.’ સામા છેડેથી ફોન કપાઈ ચૂક્યો હતો. મટિયાવાડ પર ઓફિશિયલ ઓપરેશન લઈ જવાના રાજાવતના સૂચનથી શરૂઆતમાં તો સાહા ભડકી ગયો હતો. પણ રાજાવતે ધીરજપૂર્વક તેને આખો પ્લાન સમજાવ્યો હતો. હંિદવાણની ખાડીમાંથી પ્રવેશેલા અજાણ્યા આતંકીઓ અહીં પનાહ લઈ રહ્યા છે તેવી બાતમી મળે, પોલીસ ફેરચકાસણી કરે, અહીં બંને આતંકવાદીઓ સાથે પત્રકાર અભિમન્યુ રાવ પણ જણાય, પોલીસ શરણે આવવાનું કહે પરંતુ સામેથી ગોળીબાર થાય, વળતા ગોળીબારમાં ત્રણેય (અથવા પેલો પત્રકાર તો ચોક્કસ) માર્યો જાય. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો પણ મળે. હવે સીઘું પાકિસ્તાન કનેક્‌શન સાબિત કરી દો કે પછી મુખ્યમંત્રીના મર્ડરનું કારણ ધરી દો. પબ્લિક ખુશ, મીડિયા ખુશ અને ખાખીનો સિતારો બુલંદ.
‘વન્ડરફૂલ માય ડિઅર...’ પ્લાન સાંભળીને સાહાના ભરાવદાર દાઢી હેઠળના ચહેરા પર ખુશીના ગલગોટા ખીલી ઊઠ્યા હતા. ‘બટ, મારે એ છોકરી કોઈપણ હાલતમાં જીવતી જોઈએ.’ સાહાના અવાજમાં કિલકારી ફૂટતી હતી. ‘... અને એ પત્રકાર કોઈપણ હાલતમાં મરેલો.’
એ પછી રાજાવતે સેકન્ડ કમાન્ડ માટેની ટીમ વીણી-વીણીને પસંદ કરી હતી. મટિયાવાડની સાંકડી કેડી પર ગાડીઓ લઈને સીધા જ ધસી જવું નામૂમકિન હતું. તેણે ત્રણ દિશાએથી છાપો મારવાનું આયોજન કર્યું હતું. મોબાઈલના સ્ક્રિન પર તેણે જીપીઆરએસ ચેક કર્યું. હવે તેઓ ફક્ત દોઢ કિલોમીટર છેટે હતા. તેણે ગાડી રોકવા ઈશારો કર્યો. તેની પાછળ એક ઈનોવા હતી અને બીજી ક્વોલિસ મટિયાવાડના પૂર્વ દિશાના હાઈ-વે પરથી આવવાની હતી. ત્રણેય ગાડીની કોમન ફ્રિક્વન્સી પર સેટ કરેલો વાયરલેસ તેણે ઓન કર્યો.
‘હેલ્લો કોબ્રા હિઅર...’ ઓપરેશનની ચુસ્તી જાળવવા પોલીસ વાયરલેસ પર તેનો કાયમી કોડ ગોરિલા આજે તેણે બદલી નાંખ્યો હતો. ‘કોબ્રા ટુ ક્રો.. કોબ્રા ટુ સ્પેરો’
‘ક્રો હિઅર...’ રાજાવતની ગાડીથી થોડું અંતર રાખીને તેની પાછળ હંકારી રહેલી ઈનોવામાંથી ઈન્સ્પેક્ટર દેવગઢિયાએ જવાબ વાળ્યો. દેવગઢિયા પોલીસબેડાનો મોતીમાર નિશાનબાજ ગણાતો. દેવગઢિયાની ટીમમાં ત્રણ ચૂનંદા સબ ઈન્સ્પેક્ટર અને બે આર્મ્ડ કોન્સ્ટેબલ હતા.
‘સ્પેરો હિઅર...’ રાજાવતની ગાડીથી વિરુદ્ધ દિશામાં સામેના ટ્રેક પરથી આવી રહેલી ક્વોલિસમાં ઈન્સ્પેક્ટર શંિદે હતો. શૂટંિગ રેન્જ પર ભાગ્યે જ કદી ૬થી વઘુ પોઈન્ટ મેળવી શકેલો શંિદે છાપામાર હુમલામાં એક્કો હતો. મટિયાવાડનું મકાન ઘેરાઈ જાય, ત્રણે ય જણા માટે અંદર પૂરાઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન બચે ત્યારે દિવાલ ચડીને રવેશ વાટે મકાનમાં પ્રવેશવાનું કામ શંિદેની ટીમે કરવાનું હતું અને દેવગઢિયા તથા રાજાવત પોતે તેમને કવર ફાયર આપવાના હતા. પણ એ બધો જ પ્લાન રાજાવતના મનમાં હતો. દેવગઢિયા અને શંિદેને તો એ છેક છેલ્લી ઘડીએ હવે કહી રહ્યો હતો.
‘ક્રો.. યુ હેવ ટુ ફોલો મી ઓન્લી. વી આર અબાઉટ ટૂ રિચ ટાર્ગેટ.. જસ્ટ ફ્‌યૂ કિલોમીટર્સ અવે.’ રાજાવતે મોબાઈલના નોટપેડમાં ટપકાવેલી વિગતો ભણી નજર કરી. ‘એન્ડ સ્પેરો, આસ્ક યોર ડ્રાઈવર, તમે મટિયાવાડના ખાંચાથી કેટલાં દૂર છો? ઓકે, ફાઈન. એ ખાંચામાં પ્રવેશીને પાંચ મિનિટ વેઈટ કરો. પાંચ મિનિટ પછી ૭૦ મીટર સ્ટ્રેઈટ આગળ જઈને રાઈટ ટર્ન મારો. રાઈટ ટર્ન લીધા પછી અનધર ૬૦ સમથંિગ મીટર એન્ડ યુ હેવ ટૂ સ્ટોપ ધેર. એ પછી રસ્તો સાંકડો હશે. ગાડી ત્યાં જ થોભાવી દઈને સપાટાભેર આગળ વધો. અંગ્રેજી વી શેઈપમાં સાંકડી ગલી આવશે એ ક્રોસ કરશો એટલે ખૂણા પર એક જૂનું મકાન છે. ઈટ્‌સ અવર ટાર્ગેટ.’ રાજાવત વિચારવાનો ય સમય આપ્યા વગર એકશ્વાસે બોલી ગયો.
‘ક્રો, સાંભળ્યું ને? યુ હેવ ટુ ફોલો મી. ત્યાં પહોંચીને તમારે મકાનની રાઈટ એન્ડ બેક સાઈડ કવર કરવાની છે. ફ્રન્ટ પર હું અને લેફ્‌ટ સાઈડમાં સ્પેરો.. ઈઝ ઈટ ઓકે? કોઈ શક???’
સામા છેડેથી ઓકે કહેવાયું એ સાથે રાજાવતે મૂવ થવાનો આદેશ આપ્યો. એ વખતે તેના ડાબા હાથનો અંગૂંઠો અકારણ નખ વડે સીટ ખોતરી રહ્યો હતો. હવેની એક-એક ઘડી તેના માટે ભારે કસોટીની બની રહેવાની હતી.
બપોરે ૨.૩૦ વાગ્યેઃ
નમતી બપોરનો સુરજ કાળા ભમ્મર વાદળની કોર ફાડીને મટિયાવાડની છાતી માથે મંડરાતો હતો. વહેલી સવારે પડેલા વરસાદમાં ભીંજાયેલા મકાનોના નળિયા ક્યારના સૂકાઈને ઝગમગવા લાગ્યા હતા. સવાર સુધી એકધારું વહીને થાકી ગયેલા નેવાં તડકાના માર સામે ટૂંટિયું વાળીને લાકડાની થાંભલીએ વળગી સુસ્તાઈ રહ્યા હતા. ક્યાંક ચાકડામાં ધૂમરાતી લથબથ માટીના લોંદા આડો હાથ ધરીને કારીગર આકાર આપવા મથતો હતો, ક્યાંક ઝાળ નાંખતા નંિભાડામાં લાંબો સળિયો પરોવીને ઔરતો કાચા-પાકા માટલા સંકોરતી હતી. ક્યાંક છોકરાઓ પાકી ગયેલા માટલાઓ હારબંધ ગોઠવીને કેળવાયેલા હાથે લાલ ગેરૂનો પીંછડો મારી રહ્યા હતા. ક્યાંક નાની કૂલડીઓનો ઢગલો તો કશેક તાવડીના થપ્પા. નંિભાડાથી દૂર દિવાલને અઢેલીને કેટલીક બુઢ્ઢી ઔરતોે વાળ ફરતો દુપટ્ટો બાંધીને દાંતે બજર ઘસી રહી હતી. તૂટેલા માટલાની ચપતરીનો ઢગલો કરીને કેટલાક છોકરા સતોડિયું રમી રહ્યા હતા. હાઈ-વેને સમાંતર પતરાના પાર્ટિશન નાંખીને ઊભી કરેલી દુકાનોમાં બુઢ્ઢાઓ ખાંસતા અવાજે સામાન ગોઠવી રહ્યા હતા. સાંજ ઢળ્યે અહીં થોડીક ઘરાકી નીકળતી. મટિયાવાડની આ રોજંિદી દુનિયા હતી.
ધારદાર ખૂણો પાડતી સડકના વળાંકે એક હાથલારી પર પગ ટેકવીને સાથીદાર સાથે સંતલસ કરી રહેલાં સુમરાના ભવાં તણાયા. તે ઊભો હતો તેની બરાબર સામેની દિશામાં વળતી ગલીમાં કશીક દોડધામ થઈ હતી. બે-ત્રણ ગાયો ભડકીને સુમરો ઊભો હતો એ દિશામાં ભાગી હતી અને તેમની વજનદાર ખરી કે ઢીંકની અડફેટે આવતાં માટલાઓનો ભૂક્કો બોલતો જતો હતો. એંઠવાડ ખાઈને અલમસ્ત થયેલી એદી ગાયો એમ અકારણ તો ભાગે નહિ. સુમરાએ કમરમાંથી દિવાલસરસા ઝૂકીને સામેની ગલીની દિશામાં ગરદન લંબાવી. બે-ત્રણ અજાણ્યા આદમીઓ (શંિદેની ટીમના) તેજકદમીથી આવી રહ્યા હતા. સુમરો તેમને પગથી માથા સુધી નિરખી રહ્યો. ના, એ મટિયાવાડના જણ ન હોય. એ કોઈ માટલા ખરીદવા આવેલા ઘરાક પણ નથી. અજાણી કે રોજંિદી ન હોય તેવી સડક પર ચાલતા માણસના પગલા આટલા મક્કમ ન હોય.
સુમરાના દિમાગમાં ઘંટડીઓ વાગવા માંડી. એ જ વખતે તે ઊભો હતો તેની ડાબી તરફની સાંકડી ગલી તરફ પણ કશીક દોડધામ થઈ. (રાજાવત અને દેવગઢિયાની ટીમ નાકાબંધી કરીને આગળ વધી રહી હતી.) દિવાલના છાંયે બેસીને બજર ઘસતી બુઢ્ઢી ઔરતો અચાનક ઊભી થઈ ગઈ. સતોડિયું રમતાં છોકરાઓ દડો પકડવાને બદલે ઓજપાયેલા ચહેરે સુમરો ઊભો હતો એ દિશામાં ભાગ્યા. સુમરા માટે ચૌકન્ના બની જવા આટલું પૂરતું હતું.
તેણે ઊંડો નિઃશ્વાસ છોડ્યો. તેની ધારણા, ઘણી ઝડપથી, પણ સાચી પડી હતી. પોલીસ મટિયાવાડની શેરીઓમાં તેમને ઘેરી ચૂકી હતી. તેણે પહોળા લેંઘાના નેફામાંથી ગન કાઢી. તેની પાસે ૧૨ કાર્ટરિઝનું એક જ મેગેઝિન લોડેડ હતું. તેણે ગણતરીની સેકન્ડોમાં નિર્ણય લઈ લીધો. ત્રીજા મજલે અભિ અને રાવીને ચેતવવા જવાનો હવે સમય ન હતો. એ પોતે ઉપર જાય તો એ પણ મકાનમાં પૂરાઈ જાય. તેના કરતાં એ બહાર રહીને છટકવાનો કોઈક રસ્તો ઊભો કરી શકે. એકપણ અક્ષર બોલ્યા વગર તેણે સાથીદારના હાથનો પંજો જોરથી દાબ્યો. પોલીસનું આગમન સમજી જવા માટે આટલો સંકેત પૂરતો હતો. તેણે સાથીદારને ઉપરના મજલે જતાં દાદર તરફ ઈશારો કર્યો અને પોતે સફાઈપૂર્વક મકાનની પાછળ નીકળતી સાંકડી ગલીમાં હાથલારી ધકેલતો વળી ગયો.
બપોરે ૨.૪૦ વાગ્યે
દેવગઢિયા અને તેના બે સબ ઈન્સ્પેક્ટર મકાનની પાછળ જતી એ ગલીની નાકાબંધી કરી રહ્યા હતા ત્યારે સુમરો હાથલારી હડસેલતો મકાનથી દૂર ઊંધી દિશામાં જઈ રહ્યો હતો. આટલી વારમાં જ તેણે માથા પર ગમછો બાંધી લીધો હતો અને પહોળા પાયસાનો મુલતાની લેંઘો ઢીંચણ સુધી વાળીને મજૂર જેવો દેખાવ ઘડી કાઢવાનો શક્ય પ્રયત્ન કરી નાંખ્યો હતો. હવે તે નાકાબંધીની બહાર નીકળી ચૂક્યો હતો. સહજ ક્રમમાં જ તેણે ગળામાં બાંધેલું તાવિજ ચૂમી લીઘું.
સુમરો જ્યારે રોડ બ્લોક કરતા પોલીસવાળાને ત્રાંસી આંખે જોતો તેમનાંથી વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યો હતો બરાબર એ જ સમયે રસ્તા પર ખુલતાં મકાનના દાદર પાસે તંગદીલી ઊભી થઈ ગઈ હતી. મકાનની સામે રાજાવત હજુ તો મોરચો ગોઠવીને બે કોન્સ્ટેબલને દાદરનું અઘૂકડું બિડાયેલું બારણું ખોલવા મોકલતો હતો એ જ ઘડીએ લાકડાના દાદર પરથી કોઈના ઉતરવાનો ‘ધબ..ધબ’ અવાજ સંભળાયો હતો અને ચોંકી ગયેલા રાજાવતના એક જ ઈશારે સામટી પંદર બંદૂકો તકાઈ ગઈ હતી. દાદર ઉતરીને નીચે આવેલો આદમી ડઘાઈ ગયેલી નજરે તકાયેલી બંદૂકોને જોઈ રહ્યો. તેના હાથમાં ટ્રે હતી, ચાના પ્યાલા હતા, કોલ્ડ્રિંક્સની બોટલ અને ખાણાની એંઠી ડિશો હતી. ઉપર ગયો ત્યારે તે સુમરાનો સાથીદાર હતો પણ નીચે ઉતરતી વખતે તે વેઈટર બની ચૂક્યો હતો. રાજાવતે તેને અટકમાં લીધો અને પૂછપરછ માટે ઈન્સ્પેક્ટર શંિદે તરફ ધકેલ્યો પણ ત્યાં સુધીમાં એ આદમી તેની ફરજ બજાવી ચૂક્યો હતો.
એક સાથે ત્રણ-ત્રણ પગથિયા કૂદીને ત્રીજા માળે આવેલા એ આદમીએ હાંફતી છાતીએ અને વિસ્ફારિત આંખે બેફિકરાઈથી વાતોએ ચડેલા અભિમન્યુ અને રાવીને પહેલાં ગનનો ઈશારો કર્યો, પછી બહારની તરફ આંગળી ચંિધી અને ઝડપભેર હાથમાં આવ્યા એ વાસણો, પ્યાલા, ટ્રે ઊંચકીને દાદર ઉતરી ગયો. તેના ઈશારા સાથે જ રાવી છલાંગ લગાવીને તૈનાત થઈ ગઈ. તેણે વેરવિખેર પડેલો સામાન આંખના પલકારામાં કિટમાં નાંખ્યો અને કિટ ખભા પાછળ બાંધી લીધી. કારતૂસના બબ્બે મેગેઝિન તેણે કમર પર બાંધેલા બેલ્ટમાં ખોસ્યા અને જમીન પર લેટેલી હાલતમાં કાચંિડાની જેમ કમરમાંથી ઊંચકાઈને રવેશમાં પડતાં બારણાની તિરાડમાં નજર નાંખી.
બહાર તેની આંખની બરાબર સીધમાં એક આદમી દેખાતો હતો. રાવીએ બારણું એકાદ ઈંચ વઘુ ખસેડ્યું. હવે બહારનું દૃશ્ય થોડું સ્પષ્ટ થયું. બે આદમી ગન તાકીને મકાનની દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. રાવીએ તાત્કાલિક નિર્ણય લીધો. અભિને તેણે બારણું ખોલીને ક્રાઉલંિગ કરતાં રવેશ તરફ જવા ઈશારો કર્યો.
‘ધે આર કમંિગ ઈન... કવર ધ ડોર એન્ડ ફાયર. કોઈપણ હાલતમાં એ ઉપર ન આવવા જોઈએ.’
અભિ ઝડપભેર ચત્તોપાટ થઈને બિલ્લીપગે રવેશમાં આગળ વઘ્યો. સિમેન્ટના તૂટેલા, જિર્ણ જાળિયાની

 

પાળીની સાવ નજીક તે પહોંચ્યો ત્યારે એ બંને આદમી દાદર સુધી પહોંચી ચૂક્યા હતા. રાજાવત ઉપરની દિશામાં તેના તરફ જ જોઈ રહ્યો હતો પણ મકાનની બરાબર પાછળ ખસી રહેલા સુરજનો ઊજાસ રાજાવતના ગોગલ્સ ટાળી શકતા ન હતા. નહિ તો ત્યારે જ તેને અભિમન્યુ દેખાઈ ગયો હોત.
બહારથી અભિ ફાયર કરે અને દાદરની તરફ ધસીને પોતે પોઝિશન લે એવી રાવીની સ્ટ્રેટેજી હતી. એ દાદર તરફ લપકી રહી હતી એ જ સમયે તેનો મોબાઈલ ઘૂ્રજ્યો. રાવીની કાયમી તાસિર હતી. તેનો ફોન હંમેશા વાઈબ્રેશન મોડ પર જ રહેતો. તેણે ઘડીભર સ્ક્રિન સામે તાક્યા કર્યું. નંબર અજાણ્યો હતો. શું કરવું? કોણ હોઈ શકે? તેના આ અત્યંત ખાનગી, બેનામી નંબર પર અત્યારે કટોકટીની ઘડીએ કોણ ફોન કરતું હોય? વીજળીની ઝડપે તેના મગજમાં વિચારો ધૂમરાઈ વળ્યા.
બપોરે ૨.૪૪વાગ્યે
ચંદ સેકન્ડના ફરક સાથે ચાર ઘટના બની.
મકાનની ડાબી તરફ પોઝિશન લઈ ચૂકેલા શંિદેના માણસોએ મકાનની પછીતે સીડી ગોઠવી દીધી હતી અને બે જણા હાથમાં ગન ઝાલીને પહેલા પગથિયે પગ માંડી રહ્યા હતા.
દેવગઢિયાના શૂટરોએ બાજુના એક બંધ, અવાવરૂ મકાનનું તાળુ તોડવા ક્યાંકથી મેળવેલી કોશ ઉગામી હતી. લગભગ અડોઅડ ઊભેલું એ મકાન સરખી જ ઊંચાઈનું હતું એટલે ફાયરંિગ કરવા માટે અને બની શકે તો અંદર ધસી જવા માટે દેવગઢિયાને એ વ્યૂહાત્મક રીતે યોગ્ય લાગ્યું હતું.
દાદર ભણી લપકતા અટકી ગયેલી રાવીએ ત્વરિત નિર્ણય લીધો અને ફોન રિસિવ કરી કાને માંડ્યો. તેના ચહેરા પર હાશ થઈ આવી. સામા છેડે સુમરા હતો.
નીચેનું દૃશ્ય જોઈને અભિના હૈયામાંથી હાયકારો નીકળી ગયો અને પેટમાં કશુંક ચૂંથાતું હોય તેવો લવકારો ઉપડવા માંડ્યો. દાદરના બારણામાંથી પેલા બે આદમી ઝાંકી રહ્યા હતા. તેમની બરાબર પાછળ રાજાવતના માણસો મકાનની દરેક દિશાએ ગન તાકીને ઊભા હતા. તેઓ બૂરી રીતે ફસાઈ ગયા હતા. અભિ ઘડીભર દિગ્મૂઢ નજરે જોઈ રહ્યો. તેણે આંખો બંધ કરી. હોઠ મક્કમતાથી બિડ્યા. સિમેન્ટના જાળિયાની ફાટમાંથી રિવોલ્વરનું નાળચુ જરાક તાક્યું. આંખ ખોલી અને ટ્રિગર દબાવ્યું ત્યારે તેના ચહેરા પર હળવાશ આવી ચૂકી હતી. કોઈપણ ભોગે લડી લેવાના દૃઢ નિર્ણયની હળવાશ. અભિએ બરાબર નિશાન સાઘ્યું હતું. દાદર ચડી રહેલાં બંને આદમી ઓટલામાં જ ફસકાઈ પડ્યા હતા. એ જ વખતે રાજાવત ચિલ્લાયો હતો અને અંધાઘૂંધ ગોળીઓ અભિની દિશામાં છૂટી હતી. ગોળીઓના સૂસવાટા, સિમેન્ટની પાળીના ઊડતા ગચ્ચા, ભાંગતી થાંભલીઓના નીચે ફેંકાતા ટૂકડા અને લાલધૂમ ચહેરે ઉશ્કેરાટથી ચિલ્લાતો રાજાવત...
મટિયાવાડની એ બપોર બહુ લાંબી ચાલવાની હતી.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved