Last Update : 29-April-2012, Sunday

 

ચીની દૈત્યને દઝાડતી ભારતીય અગ્નિ મિસાઈલની આગ

હોટલાઇન - ભાલચંદ્ર જાની

ઘોર નિરાશા વચ્ચે આશાનું એક કિરણ જોવા મળ્યું છે. આજે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે રોજ નવા છબરડાં, કૌભાંડ જોવા-સાંભળવા મળે છે ત્યારે દેશના બાહુબળમાં વધારો કરતી અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરિક્ષણ દેશવાસીઓનો ઉત્સાહ વધારે તેવા સમાચાર છે.
૧૯ એપ્રિલે ભારતે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું પરીક્ષણ કરીને મિસાઇલ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. અગ્નિ-૫એ અણું શસ્ત્ર સાથે ૫૦૦૦ કિ.મી. દૂર પ્રહાર કરી શકે તેવી મિસાઈલ છે. આમ ચીન પણ તેના પ્રહારક્ષેત્રમાં આવી જાય છે. ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરી શકતી અગ્નિ-૫ મિસાઇલ ઓડીશાના સાગર કિનારે વ્હીલર ટાપુ પરથી મોબાઇલ લોંચ વ્હીકલ પરથી છોડવામાં આવી હતી. આ મિસાઇલના પરીક્ષણ બાદ ભારત આંતરખંડીય પ્રહારક્ષમતા (આઇ.સી.બી.એમ.એસ.) ધરાવતા પાંચ દેશોના સમુહનો સદસ્ય દેશ બની ગયો છે. જે ઝડપથી અણુ મિસાઈલ બનાવવાની દિશામાં ભારત હરણફાળ ભરી રહ્યું છે તે જોતાં પાશ્ચાત્ય દેશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આડકતરી રીતે ભારતે ચીનના ગાલ પર લપડાક મારી છે.
૧૭.૫ મિટર ઉંચી, બે મિટર પહોળી આ અગ્નિ-૫ મિસાઇલ ૫૦ ટન (૫૦,૦૦૦ કિલો) વજન ધરાવે છે. જેમાં ૧.૫ ટન જેટલો નકલી બોજ (ડમી વોરહેડ) સાથે લઇને આ મિસાઇલે પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું.
સંરક્ષણ સુત્રોએ જણાવ્યા અનુસાર આ પ્રથમ એવો બનાવ છે જ્યારે ભારતે પાકિસ્તાન સહિત ચીન, પૂર્વ યુરોપ, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના સાગર કિનારાના લક્ષ્યને ભેદી શકે તેવું સંપૂર્ણ સ્વદેશી મિસાઇલ વિકસાવીને હિન્દ મહાસાગરમાં તેનો સફળતાપૂર્ણ પ્રયોગ પણ કર્યો છે.
આ મિસાઇલના પ્રોપલ્સન સ્ટેજ ડી.આર.ડી.ઓ દ્વારા સંપૂર્ણ સ્વદેશી ઢબે વિકસાવાયા છે. મિસાઇલના તમામ ભાગોએ તેમને સોંપાયેલી કામગારી બરાબર બજાવી હતી. તેનું નિરીક્ષણ કરવા માટે હિન્દ મહાસાગરમાં રડારસજ્જ ત્રણ બોટ રાખવામાં આવી હતી. જેમણે અવકાશમાં ૬૦૦ કિ.મી. ઉંચે ચડેલી મિસાઇલે અગનગોળાનું સ્વરૂપ ધારણ કરીને લક્ષ્ય પર ત્રાટકતી મિસાઇલની ઝીણામાં ઝીણી પ્રકિયાની નોંધ લીધા બાદ પરીક્ષણ તમામ માપદંડો અનુસાર સફળ રહ્યાનું જાહેર કર્યું હતું. અવાજ કરતાં ૨૦ ગણી વઘુ ઝડપે પોતાના લક્ષ તરફ ધસી જતી આ મિસાઈલ માત્ર ૨૦ મિનિટમાં છેક પશ્ચિમ ઓસ્ટ્રેલિયા નજીક પૂર્વ નિર્ધારીત સ્થળે ખાબકી હતી.
અગ્નિ શ્રેણીની અન્ય મિસાઇલ્સની જેમ અગ્નિ-૫ પણ પૂર્ણ સ્વદેશી મિસાઇલ છે જેનું એન્જિન, વોરહેડ, માર્ગશોધન (નેવીગેશન) માર્ગદર્શન (ગાઇડન્સ) સહિતની તમામ પ્રણાલીઓ પૂર્ણ સ્વદેશીરૂપે વિકસાવવામાં આવેલી છે. આ મિસાઇલને વિકસાવવામાં ડી.આર.ડી.ઓ.ની સંપૂર્ણ વૈજ્ઞાનિક ટીમને ૪ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અત્રે એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે આ મિસાઈલ પ્રોગ્રામની સમગ્ર કામગીરી મહિલા વિજ્ઞાની ટેસી થોમસની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી.
સોલીડ ફ્‌યુઅલ (ઘન બળતણ)ની ટેક્નોલોજી ધરાવતા અગ્નિ-૫ મિસાઈલ રેલ મોબાઈલ છે. એટલે આ ક્ષેપકાસ્ત્રને ગમે તે સ્થળે સરળતાથી ખસેડી શકાશે. આ મિસાઈલ પરિક્ષણની સફળતાથી એક વાત પણ સિદ્ધ થઈ ગઈ છે ભારત હવે ૫૦૦૦ કિ.મી. થી પણ વઘુ લાંબા અંતરના મિસાઈલ બનાવવા સક્ષમ છે. ભારતની આ વધતી જતી મિસાઈલ શક્તિ જ બધાને કનડે છે. પાકિસ્તાતની લશ્કરી શાસકો તો ભારતની સિદ્ધિથી બળીને ખાક થઈ ગયા છે અને ચીની નેતાઓના પણ દાંત ખટાઈ રહ્યા છે.
એક તરફ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ થયાનો આનંદ ભારતે વ્યક્ત કર્યો છે. જ્યારે ચીનના મીડિયામાં ભારતમાં સારા રસ્તા, પીવાનાં પાણીનાં ધાંધિયા હોવા છતાં આવશ્યકતા ન હોય એવી ક્ષમતા હાંસલ કરવાનો પ્રયત્ન - એવી ટીકા કરવામાં આવી છે. અગ્નિની સફળતાનો ચીનને ભય લાગવો સાહજિક છે, કારણ કે ભારતના કોઈ પણ ભાગમાંથી ‘અગ્નિ-૫’ પ્રક્ષેપિત થયું તો ચીનનું કોઈ પણ શહેર આ અણુશસ્ત્રની રેન્જમાંથી બચી શકે નહીં. ચીની વિજ્ઞાનીઓ તો એટલે સુધી કહે છે કે અગ્નિ-પ ફક્ત ૫,૦૦૦ કિ.મી. નહીં બલ્કે ૮,૦૦૦ કિ.મી. દૂર પહોંચી શકે છે. દિલ્હીથી બીજંિગ ૩૭૫૦, તો શાંઘાઈ ૪૨૫૦ કિલોમીટરના અંતરે છે. અગ્નિ-૫ની ક્ષમતા પાંચ હજાર કિલોમીટરની હોઈ આ બન્ને શહેરો ‘અગ્નિ-પ’ની રેન્જમાં આવી શકે છે. એટલું જ નહીં ચીનની સબમરીનનું થાણું તાલિયાન શહેર પણ આ રેન્જમાં આવે છે. ચીન પાસે ડોન્ગફેંગ-૪૧ અણુશસ્ત્ર છે. તેની ક્ષમતા બાર હજાર કિલોમીટર જેટલી છે. ચીનની પશ્ચિમ સરહદેથી ન્યુ યોર્ક ૬૯૪૧ માઈલ અને પૂર્વ સરહદેથી ૪૩૪૯ માઈલના અંતરે છે. ચીનના કોઈપણ શહેરમાંથી ડૉન્ગફેંગ પ્રક્ષેપિત કર્યું તો અમેરિકાના કોઈ પણ શહેર પર તે ખાબકી શકે છે.
ભારતે પૃથ્વી મિસાઈલ તૈયાર કર્યું ત્યારે ચીન કે પાકિસ્તાને જરાય હોબાળો મચાવ્યો નહોતો કે કોઈ વિરોધ દર્શાવ્યો નહોતો. પરંતુ ઈન્ટરમિડિયેટ બેલાસ્ટિક મિસાઈલ ‘અગ્નિ’નું નામ પડતાં બંને પાડોશી દેશો ચોંકી ઊઠ્યા છે. તેના જેવી જ મારણશક્તિ ભારતીય સેનાએ મિગ-૨૯ તથા મિરાજ-૨૦૦૦ અને જેગ્વાર વિમાનો વસાવીને હસ્તગત કરી લીધી

 

 

તી. આ ફાઈટર પ્લેનોથી ભારતીય

હવાઈદળ અણુહુમલો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
‘અગ્નિ’ ના સર્જનથી એકલા ચીન-પાકિસ્તાન જ નહીં, અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓ પણ હેબતાઈ ગઈ છે. ચીને સાઉદી અરેબિયાને ૨૫૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતા મઘ્યમ અંતરના બેલાસ્ટિક મિસાઈલ વેંચ્યા તેમજ ઈઝરાયલે ૧૪૫૦ કિ.મી.ની રેન્જ ધરાવતા જેરિકો-ટુ પ્રકારના ક્ષેપકાસ્ત્રોની ચકાસણી કરી ત્યારે રશિયા-અમેરિકા ચંિતિત થયા નહોતા એટલો ડર તેમને ભારતીય અગ્નિ મિસાઈલનો લાગ્યો છે.
ભારતે મિસાઈલ પ્રોગ્રામ આગળ ધપાવ્યે પણ છૂટકો નહોતો. કારણ કે છેલ્લાં બે દાયકાથી ચીન તમામ તાકાત કામે લગાડી ઝડપથી મિસાઈલ ઉત્પાદન ક્ષમતા વિસ્તારી રહ્યું છે. ૯૦ના દાયકામાં ચીને સેંકડો મિડિયમ રેન્જ મિસાઈલ વ્યૂહાત્મક સ્થળે ગોઠવી છે. હાલ ચીન વ્યૂહાત્મક આંતર ખંડીય મિસાઈલને પ્રાધાન્ય આપી રહ્યુ ં છે. વખત જતાં ચીનાઓ ક્રુઝ મિસાઈલ પણ બનાવવા લાગશે તેમ તેમના જરીપુરાણા મિસાઈલ પાકિસ્તાન તથા અન્ય દેશોને વેચી મારવાના તેની પાસે પૂરતા કારણો હશે. આમ પણ પાકિસ્તાનને શસ્ત્ર પુરવઠો આપતાં રહી ચીન આડકતરી રીતે ભારતને ચેકમેટ કરી રહ્યું છે.
આ સંદર્ભમાં વિચારીએ ત્યારે જણાય કે અગ્નિ સિરિઝના આંતરખંડીય મિસાઈલ વિકસાવવાનું ભારત માટે કેટલું આવશ્યક છે. બીજી વાત એ છે કે ભારતીય ઉપખંડમાં ભારતે રોફ જમાવવો હોય તો અણુબોમ્બનું વહન કરી શકે તેવી મિસાઈલ વિકસાવ્યા વિના છૂટકો નથી. પાકિસ્તાને ઘોરી અને ઈરાને શાહાબ-થ્રી નામના જે મઘ્યમ દૂરીના મિસાઈલ બનાવ્યા છે તે ચીની ડિઝાઈનના ઉત્તર કોરિયા માટેનાં વોડોંગ વન મિસાઈલની પ્રતિકૃતિ છે. ૧૯૯૬માં ચીને તાઈવાનને ડારવા જે એમ-૯ મિસાઈલનો હાઉ બતાવ્યો હતો તેની હુબહુ કોપી કરીને પાકિસ્તાને ઘોરી-ટુ અને શાહીન મિસાઈલ તો બનાવી લીધા છે.
પડોશીઓની આ તૈયારીઓ સામે ભારતે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી એવા અગ્નિ - ફાઈવ મિસાઈલના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી લીધી છે. ચીનને પણ આ વાતની પ્રતિતિ થઈ ગઈ છે. અને તેમાં નેતાઓ સમજી ગયા છે કે આજનું ભારત એ ૧૯૬૨નું નહેરુજીના વખતનું ઢીલુંપોચું, કંગાળ ભારત નથી. બલ્કે ભારત ધારે તો તેની જ ભૂમિ પરથી દાગેલા અગ્નિ-૫ મિસાઈલ છોડીને ચીનના કોઈપણ શહેરને ખતમ કરી શકે એમ છે. પહેલીવાર ભારતે એ ક્ષમતા પણ કેળવી લીધી છે. ભારતે લાંબા અંતરે ભૂમિ પરથી ભૂમિ પરના લક્ષ્ય પર ત્રાટકી શકે એવા અદ્યતન પ્રેક્ષપાસ્ત્ર અગ્નિ-૫ નું સફળ પરિક્ષણ કરીને અણુમિસાઈલ રાષ્ટ્ર તરીકેનો દરજ્જો મેળવ્યો એ ચીન તથા પાકિસ્તાનને ગમ્યું નથી. અગ્નિ-૫ મિસાઈલ ૧૦૦થી ૧૫૦ કિલો વજનના અણુશસ્ત્રનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે ભારતે બે દાયકા પૂર્વે જે અણુપ્રયોગો ેકર્યાં હતાં તેનો તાર્કિક અને અંતિમ હેતુ હવે સિદ્ધ થશે. આ મહત્ત્વની વાત જરા વિસ્તારથી સમજવાની જરૂર છે.
ભારતે જે વિવિધ અણુધડાકા કર્યા તેમાં થર્મોન્યુક્લિયર ડિવાઈસનું મહત્ત્વ એ રીતે હતું કે આપણે ભવિષ્યમાં હાઈડ્રોજન બોમ્બ બનાવીને મહાસત્તાઓને પણ પડકારવી હોય તો વાંધો ન આવે. યુરેનિયમ કે પ્લુટોનિયમમાંથી બનાવેલા અણુબોમ્બ કરતાં ટ્રિટિયમ અને ડ્યુટેરિયમ વાપરીને બનાવેલા હાઈડ્રોજન એ રીતે જુદો પડે છે કે તેમાં સામાન્ય ફિશન બોમ્બની માફક ક્રિટિકલ માસ (બોમ્બ બનાવવા જે લધુત્તમ સામગ્રીની જરૂર પડે અને જેના થકી ધારી અસર ઉપજાવી શકાય)ની આવશ્યક્તા રહેતી નથી. એટલે જુદી જુદી સંહાર શક્તિ ધરાવતા, કદમાં નાના મોટા (હાઈડ્રોેજન બોમ્બ બનાવવા હોય તો બનાવી શકાય. જેમ કે આપણી ટૂંકાં અંતરની પૃથ્વી મિસાઈલ પર થોડા કિલો ટનનો હાઈડ્રોજન બોમ્બ ગોઠવી શકાય તો લાંબા અંતરની આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલ પર મેગાટનના હાઈડ્રોજન બોમ્બ ગોઠવી શકાય. આ પ્રકારના બોમ્બમાં ટ્રિટિયમનો વપરાશ સ્ફોટક શક્તિને વધારવા માટે જ થાય છે. હાઈડ્રોજન બોમ્બ આપોઆપ વિસ્ફોટ સર્જી શકતો નથી. તેમાં ટ્રિટિયમ અને ડ્યુટેરિયમના અણુનું સંયોજન કરવા માટે પ્રચંડ ગરમી પેદા કરવી પડે છે. આ ગરમી પેદા કરવા કોઈ સામાન્ય દાહક પદાર્થને બદલે હાઈડ્રોેજન બોમ્બની અંદર નાનો અણુબોમ્બ મુકવો પડે છે. જેના વિસ્ફોટને કારણે હાઈડ્રોેજનના આઈસોટોપ્સ ચોક્કસ સમુહમાં ભેગા મળે ત્યારે હિલિયમમાં પરિવર્તન પામે છે. એટલે કે સુક્ષ્મ અણુઓ એકત્રિત થઈને મોટા અણુની રચના કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ઊર્જા છૂટી પડે છે અને મોટો વિસ્ફોટ સર્જાય છે. પોખરણમાં અણુધડાકો કરીને ભારતે જે વાત સિદ્ધ કરી તેમાં એક મુદ્દો એ હતો કે આપણા વિજ્ઞાનીઓ હવે અમેરિકા, રશિયા કે ચીન બનાવે છે તેવા મેગાટન ક્ષમતાવાળા મહાવિનાશક હાઈડ્રોજ બોમ્બ બનાવી શકે છે.
જો કે આ સાથે એક નવો પ્રશ્ન ઊભો થાય છે કે ભારત આવો ભસ્માસૂર બોમ્બ બનાવી પણ લે તો એ દુશ્મન દેશ પર નાંખવાની ક્ષમતા ક્યા ંછે? અહીં જ અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટનું મહત્ત્વ વધી જાય છે. ડિફેન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓએ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામને આગળ ધપાવતા અગ્નિ-૩ પછી અગ્નિ-૫ની ઉત્પાદનની તૈયારીઓ હાથ ધરી દીધી છે. આ મિસાઈલ તેના માથે અણુઆયુધો લઈ જઈ શકવાની ક્ષમતા ધરાવતી હશે. ૧૯૮૯મં પહેલીવાર ચકાસી જોવાયેલી અગ્નિ મિસાઈલના આંતરિક માળખામાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણાં ફેરફાર થયાં છે. અગ્નિનું નવું સ્વરૂપ તેના માથે એકથી દોઢ ટનના અણુશસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવતી હશે. ટૂંકમાં, બહુ નજીકના ભવિષ્યમાં પાકિસ્તાનના તમામ શહેર ટૂંકા અંતરની પૃથ્વી મિસાઈલની રેન્જમાં આવી જશે. પાકિસ્તાન માટે અણુશસ્ત્રોથી સજ્જ પૃથ્વી મિસાઈલ કાફી છે. જ્યારે ચીનના ઘણા ખરા શહેરો, બંદરો, મહત્ત્વના સંસ્થાનો પણ અગ્નિ મિસાઈલની સુધરેલી આવૃત્તિની રેન્જ હેઠળ આવી જશે. ડીઆરડીઓના એક વિજ્ઞાનીએ તો એટલે સુધી કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ આપણે જાહેર પ્રયોગો મોકૂફ રાખ્યા હતા, બાકી પ્રયોગશાળામાં આ મિસાઈલને અદ્યતન બનાવવા માટેના સુધારાવધારા ચાલુ જ હતા. અગ્નિ મિસાઈલની નવી આવૃત્તિ કદાચ ૮,૦૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતી હોય તો પણ નવાઈ નહીં.
અલબત્ત, ભારત ક્યારેય ચીન સાથે શસ્ત્રોની સ્પર્ધામાં ઊતરવા ઈચ્છતું નથી, પરંતુ ચીનને કોઈ અડપલાં કરતાં અટકાવવા માટે જે લધુત્તમ નહોર ભારતે ધરાવવા જોઈએ તેમાં આણ્વિક હથિયાર ધરાવતી અગ્નિ મિસાઈલનો સમાવેશ થાય છે.
બ્રિગેડીયર વિજય નાયરે હાથ ધરેલા એક અભ્યાસ પ્રમાણે ચીનને ભારત સામે કોઈ આકરુ પગલું ભરતું અટકાવવું હોય તોે આપણી પાસે ઓછામાં ઓછા આઠ મિસાઈલ એ પ્રકારના હોવા જોઈએ જે ચીનના કમસે કમ પાંચ-છ ઔદ્યોગિક શહેરનો નાશ કરી શકે, ઉપરાંત સબમરીનોનો કાફલો ધરાવતાં બે બંદરો પણ ફૂંકી મારી શકે. જો કે જવાબી હુમલામાં ચીન ભારતને ઘણું વધારે નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ પોતાના પક્ષે પણ પારાવાર હાનિ થવાની ચંિતા થાય તો ચીન ભારત સામે શીંગડા ભેરવતાં બે વાર વિચાર કરે.
ચીન સિવાય અમેરિકા, રશિયા અને ઈરાક કે ઈરાનને પણ ડર પેસે એવું અનોખું શસ્ત્ર ભારત હજુ હવે વિકસાવી રહ્યું છે. ભારત સરકારે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બાબત હજુ સુધી સત્તાવાર રીતે હરફ ઉચ્ચાર્યો નથી. પરંતુ સંરક્ષણ ખાતાાના વર્તુળોમાં એવી ચર્ચા થાય છે કે અત્યંત ખાનગી રાખવામાં આવેલી આ નવી મિસાઈલના પ્રોજેક્ટને સૂર્યા-૨૦૦૦ નામ અપાયું છે. એકવીસમી સદીના ભારતનું આ અમોઘ શસ્ત્ર ૬૦,૦૦૦ કિલો વજન ધરાવતું હશે અને એ ૧૨,૦૦૦ કિ.મી. અંતરના છેડે આવેલા લક્ષ્યાંક પર એક મેગાટનનો અણુબોમ્બ ઝીંકી શકશે. અગ્નિ મિસાઈલની માફક સૂર્યામાં પણ ઘન અને પ્રવાહી, એમ બેઉ સ્વરૂપની પ્રોપલ્ઝન સિસ્ટમ હશે. હાલ ડેવલપમેન્ટ સ્ટેજ પર સ્થિર સૂર્ય (કે સૂર્યા) મિસાઈલ અસ્તિત્ત્વમાં આવશે ત્યારે લોકો તેની પ્રચંડ સંહારક શક્તિની વાહ વાહ કરશે. પૃથ્વીના અડધા ઘેરાવામાં ગમે તે લક્ષ્યાંક પર ત્રાટકવાની ક્ષમતા ધરાવતી સૂર્ય મિસાઈલનો ખોફ અને ગરમાવો પણ સૂરજ જેટલો જ હશે. આ મિસાઈલ ઉમેરાવા સાથે ભારત ખરા અર્થમાં સુપરપાવર ગણાશે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved