Last Update : 29-April-2012, Sunday

 
કેટલાક લોકોને ઘડવામાં ભગવાને પણ વ્યર્થ શ્રમ ઉઠાવ્યો હોય એમ લાગે છે !
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
 

- આગમ માનતો કે સ્વચ્છંદતા શૂર્પણખા છે, બહારથી રૂપાળી અને અંદરથી રાક્ષસી
- સુખના મહાસાગર જેવી આ ધરતીમાં તરસ્યા મરનાર માણસ અને જાનવરમાં ફેર શો ?’’

તત્પર અને આગમ બન્ને જોડકા ભાઈઓ. બન્નેના રૂપ, રંગ, આકાર બધામાં એટલું બઘું સામ્ય કે એમની મમ્મી તુલ્યા પણ એમને ઓળખી શકતી નહોતી. એટલે જ વગર મુહૂર્ત જોવડાવ્યે તાત્કાલિક નામકરણ વિધિ પણ પતાવી દેવામાં આવી. જન્મ પહેલાં બન્ને ભાઈઓએ ઠીક-ઠીક રાહ જોવડાવી હતી એટલે તુલ્યાએ તરત જ કહ્યું ઃ પહેલો જન્મ્યો તે તત્પર ! હજી તુલ્યા પોતાની વાત પૂરે કરે ત્યાં મનોરથે કહ્યું ઃ ‘‘મારા પિતાજીને ધાર્મિક નામો ખૂબ જ ગમતાં હતાં. એમણે મારાં લગ્ન પૂર્વે જ કહ્યું હતું ઃ’’ તારા પ્રથમ સંતાનનું નામ આગમ રાખજે. એટલે તત્પરના ભાઈ હવે આગમ.
ઘરમાં આનંદ-આનંદ છવાઈ ગયો. મનોરથ સેન્ટ્રલ એકસાઇઝ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટંટ કમિશનર. એમના પપ્પાજી કૉલેજના આચાર્ય હતા. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મન-વચન-કર્મથી શુદ્ધ બ્રાહ્મણ. નિયમિત સેવા-પૂજા અને પવિત્રતાની ઉપાસના. સ્વભાવે થોડાક દુર્વાસા. કામચોરી, હરામખોરી, પ્રમાદ અને બહાનાંખોરી એ ચારેય શબ્દો એમના ‘બ્લેક લિસ્ટ’માં. સ્ટાફ-મેમ્બરમાં પણ એવો કોઈ દોષ જોવા મળે તો તેમના ગુસ્સાનો પાર ન રહેતો. કેળવણી મંડળના સભ્યો પણ એમની સત્યપ્રિયતા અને સ્પષ્ટવાદિતાથી ડરતા, પણ મનોમન આ બિનકળયુગી માણસથી ડરતા.
તત્પર અને આગમનું ઘડતર પણ તેઓ પોતાની રીતે જ કરવા ઈચ્છતા હતા, પણ તુલ્યાનો તત્પર પ્રત્યે જરા પક્ષપાત્ર. એટલે તેઓ વારંવાર કહેતા ઃ ‘‘મારે તત્પરને વેદીઓ નથી બનાવવો, લહેરી લાલો બનાવવો છે. નિયમો, શિસ્ત વગેરેને કારણે ઘર હૉસ્ટેલ જેવું બની ગયું છે. તમે ઘરને કૉલેજ બનાવી દો એ પપ્પાજી યોગ્ય નથી ! છતાં તમારો આગ્રહ જ હોય તો આગમનો ઉછેર તમે તમારી રીતે કરજો, એમાં હું દખલ નહીં કરું. આ વાત તમે મનોરથને પણ સમજાવી દે જો.’’
દાદાજી પંચતંત્રની વાર્તાઓ સંભળાવતા હોય ત્યારે તત્પર ઊંઘવા માંડે અને આગમ અનેક પ્રકારના પ્રશ્નો પૂછી દાદાજી પાસે વઘુને વઘુ જાણકારી મેળવવાની કોશિશ કરતો, તુલ્યા અને મનોરથના આગ્રહથી તત્પરને અંગ્રેજી માઘ્યમની શાળામાં મૂકવામાં આવ્યો, પરંતુ દાદાજીએ આગમને ગુજરાતી માઘ્યમની શાળામાં દાખલ કર્યો.
દાદાજીના સંસ્કારને લીધે આગમ શાન્ત, શિસ્તપૂર્ણ અને વિનમ્ર હતો, જ્યારે તત્પરને ઘડવામાં તુલ્યાનો અતિ આઘુનિકતાનો આગ્રહ કામ કરતો હતો. તત્પર મોંઘાં વસ્ત્રો, મોંઘા બૂટ અને મોંઘી સ્કૂલ બૅગનો આગ્રહ રાખતો. લંચબોક્સમાં પણ એને જાતજાતની ને ભાતભાતની વાનગીઓ જોઈએ. જ્યારે આગમ કશી જીદ વગર રસોઈઓ ઘરગથ્થૂ વાનગી બનાવી આપે તે લઈ જતો.
તત્પરની શાળામાં શિસ્તના કડક નિયમો, રિસેસમાં શાળાના કમ્પાઉન્ડની બહાર જવાની મનાઈ ! પણ તત્પર વૉચમેનને અર્થકૃપાથી વશ કરી ધારી છૂટ મેળવી લેતો. બીજા વિદ્યાર્થીઓ તત્પરનાં આવા પરાક્રમની ફરીઆદ કરે ત્યારે પોતાના પપ્પાજી મોટા સરકારી અધિકારી છે, એવો દમ મારી વર્ગ-શિક્ષકને ચૂપ કરી દેતો. તુલ્યા પણ નાની-મોટી ભેટો દ્વારા શાળામાં સહુને ખુશ રાખતી. એટલે તત્પરનો શાળામાં ભારે વટ હતો.
આગમ ક્યારેય પોતાની મમ્મી-પપ્પાનું નામ શાળામાં લેતો નહીં. એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ વર્તતો. ગુરૂજનોને વંદન કરતો, ગરીબ વિદ્યાર્થીઓને એ પોતાના લંચબોકસના નાસ્તામાં સહભાગી બનાવતો. દરેક પ્રવૃત્તિમાં બીજાને આગળ રાખવાની એની ટેવ. તેજસ્વી હોવા છતાંય આગમ ક્યારેય પોતાનો રૂઆબ છાંટવાની કોશિશ કરતો નહોતો. જે કોઈ સ્પર્ધામાં. આગમ ભાગ લે તેમાં એ પ્રથમ વિજેતા જ બને. વર્ષને અંતે જ્યારે પારિતોષિક પ્રદાન સમારંભ ગોઠવાય ત્યારે આઠ-દસ પારિતોષિકો સાથે એ ઘેર આવતો, પણ ક્યારેય પોતાની સિદ્ધિઓ વિશે કશી જ પ્રશંસા કરતો નહીં.
તત્પર સાપ્તાહિક કસોટીઓમાં પણ મોટેભાગે ગેરહાજર રહેતો. દાદાજી એને વાંચવા ઉઠાડે ત્યારે તુલ્યા કહેતી ઃ ‘‘મારે તત્પરને પંડિત નથી બનાવવો. એના પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે. પોતાની લાગવગથી એને બિઝનેસમાં ગોઠવી દેશે એટલે એ જલસા કરતો થઈ જશે, ઇન્ટરનેશનલ ટુર કરશે, મોટી-મોટી કોન્ફરન્સોમાં હાજરી આપશે. મારે એને પૈસાની છોળો વચ્ચે જીવતો જોવો છે, પુસ્તકોના ઢગલા વચ્ચે ગૂંગળાતો નહીં જ નહીં. જમાનો હવે બદલાયો છે. આજે ચોમેર લક્ષ્મીની બોલબાલા છે અને બિચારી સરસ્વતી, એના નશીબે તો ડૂસકાં ભરવાનું જ આવ્યું છે ! આગમની દુર્દશા થશે તો એની જવાબદારી મારી નહીં હોય !’’
પુત્રવઘૂના આવા ક્ષુલ્લક દ્રષ્ટિકોણથી તુલ્યાના સસરાજી દુઃખી થઈ જતા. તત્પર અને આગમે હાયર સેકંડરીની પરીક્ષા ઉત્તીર્ણ કરી ત્યારે તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. એમના સ્વભાવની ઉગ્રતાને કારણે ઠેકઠેકાણેથી એમણે રાજીનામું આપી છૂટા થવું પડ્યું હતું એટલે પેન્શનેબલ લાંબી નોકરીથી પ્રાપ્ત થનાર લાભો પણ એમના મર્યાદિત રહ્યા હતાં.
મનોરંથ સ્વભાવે સાલસ હતો એટલે ઘરમાં તુલ્યાનું રાજ્ય હતું. દિવસે-દિવસે પોતાની લથડતી જતી તબીઅતને કારણે તુલ્યાના સસરાજીએ નમતું જોખવું પડતું હતું...સૂરજ તો એ જ હતો, પણ સંઘ્યાકાળ એની મર્યાદા બનતી જતી હતી. આ જગતની ગતિ વિચિત્ર છે. તીક્ષ્ણ નહોરથી એ ગભરાય છે અને મૃદુતાની એ ધરાર ઉપેક્ષા કરે છે ! ‘નમસ્કાર’ કરાવવા માટે ‘ચમત્કાર’ દેખાડવાની હવે નિવૃત્ત આચાર્ય સાહેબમાં હામ રહી નહોતી.
પણ એમને એ વાતનો આનંદ હતો કે આગમ પોતાના વારસાને જાળવશે. તત્પર કૉમર્સ ફેકલ્ટીમાં જોડાવાનું પસંદ કર્યું અને આગમે આર્ટ્‌સ ફેકલ્ટીમાં.
કૉલેજિયન બન્યા પછી પણ બન્નેની રહેણી-કરણીમાં જમીન-આસમાનનું અંતર. તુલ્યાના પપ્પાજી ગર્ભશ્રીમંત હતા એટલે તુલ્યાની વિનંતીથી તત્પર જેવો કોલેજમાં દાખલ થયો, તત્પર માટે કાર ભેટ મળે તેવી જોગવાઈ કરી હતી. નાનાજી આગમને પણ કાર ભેટ આપવા ઇચ્છતા હતા, પણ આગમે વટ પાડવા કૉલેજ કાર લઈ જવાની વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને નજીકમાં રહેતા પોતાના એક મિત્ર સાથે મોટર-બાઇક પર કૉલેજ જવાનું તેણે પસંદ કર્યું હતું.
આગમ સ્વાવલંબનથી આગળ વધે જતો હતો, જ્યારે તત્પર ‘માતૃકૃપા’થી વૈભવશાળી જંિદગી જીવતો હતો. નાચ-ગાન-પાર્ટી-મહેફિલ વગેરે માટે એને પૈસાની જરૂર પડતી અને તુલ્યા પોતાના પીયરની મદદથી તેનાં તમામ મોજ-શોખ સંતોષતી હતી. મનોરથને તત્પરની સ્વચ્છંદતા ખટકતી હતી પણ વિફરેલી વાઘણ જેવા સ્વભાવની તુલ્યા મનોરથની એક પણ વાતને દાદ આપતી નહોતી.
વર્ષો વીતતાં ગયાં. તત્પરને પદવી મેળવવાની લેશમાત્ર ઉતાળવ નહોતી. એને કૉલેજમાં લાંબો સમય વિતાવી વાહવાહી મેળવવામાં રસ હતો. તુલ્યાની ઇચ્છા હતી કે તત્પર ત્રેવીસમે વર્ષે લગ્ન કરી લે, પણ તત્પર કહેતો મારે મન લગ્ન એ વાડામાં પૂરાવાની ઘટના છે. દરેક પત્નીને વાડ બની પતિની સ્વતંત્રતાને નાથવામાં રસ હોય છે. મારે મારી સ્વતંત્રતાના સપ્તપદીના ફેરાના વર્તુળમાં ગીરો નથી મૂકવી. એમ કર મમ્મી, તને સાસુ બનવાનો જો ચસ્કો હોય તો આગમને જલ્દી પરણાવી દે. અને આગમની પસંદગીની કોઈ શાણી, સુશીલ, ડાહી, ડમરી, સતી અને પતિવ્રતા બનવાના કોડવાળી કન્યાનો આગમના ‘ગૃહસ્થાશ્રમ’ના વાડામાં કેદ કરી દે. આગમ પણ ખુશ અને તું પણ ખુશ અને પેલા મારા જૂનવાણી પંડિત દાદા પણ ખુશ ! મમ્મી, કેમ લાગે છે મારો આઇડીઆ ? હું કોઇક ‘કબૂતરબાજ’નો આશરો શોધી અમેરિકા પહોંચી જાઉં અને ત્યાંનું મસ્તીભર્યું જીવન માણી લઉં પછી ત્યાં જ લગ્ન કરી લઈશ, હા, તને એકલીને મારી સાથે રાખીશ, દાદાજી અને એમના આજ્ઞાંકિત સુપુત્ર ‘મનોરથ સાહેબ’ ઉર્ફે મારા પપ્પાજી ભાવે સેવાવ્રતી આગમની પત્નીએ બનાવેલ દાળ-ભાત-રોટલી-શાક, હાંડવો-ઢોળકાં-દાળ-ઢોકળી અને થેપલાંનો આનંદ ભારતમાં રહીને ભલે માણે !
અને તત્પરે બિઝનેસમાં ઝંપલાવ્યું. નાનાજીનો એને સંપૂર્ણ ટેકો હતો. તત્પર સ્વભાવે અત્યંત ચંચળ હતો. એટલે એને એક સામટું ઘણું બઘું મેળવી લેવાના અભરખા હતા. એને એકસ્પોર્ટ-ઇમ્પોર્ટ અને માર્કેટંિગમાં રસ હતો એટલે નાના-મોટાં કારણો શોધી એ વિદેશ યાત્રાઓ કરતો. ફાઈવ સ્ટાર હૉટલોની મોજ માણતો અને વૈભવી જંિદગી જીવતો.
આગમને સરળ જંિદગી પસંદ હતી. પૈસાની એને ભૂખ નહોતી. સરકારી હોદ્દો મેળવી એ પ્રજા કલ્યાણ માટે પોતાના હોદ્દાનો ઉપયોગ કરવા ઇચ્છતો હતો. એટલે એણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું ચાલુ રાખ્યું અને યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયો.
પોતાની આવકનો દસમો ભાગ એ ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે વાપરતો. ભારતીય સંસ્કૃતિ વિષયક વ્યાખ્યાનો-પરિસંવાદો વગેરેના આયોજન માટે પણ એ ઉદાર હાથે દાન આપતો. એના નાનાજી એને એવી પ્રવૃત્તિઓ માટે દાન આપવાની તૈયારી દર્શાવતા, પણ આગમ એનો ક્યારેય સ્વીકાર કરતો નહોતો.
પોતાના પપ્પા મનોરથના મિત્રની પુત્રી સાથે એણે લગ્ન કરવાની એ શરતે હા પાડી હતી કે સગાઈ, લગ્ન, રિસેપ્શન વગેરે નિમિત્તે પોતે કોઈ ખર્ચ કરશે નહીં કે કરવા દેશે નહીં. પોતે પણ શ્વસુરપક્ષ તરફથી કોઈ પણ ભેટ સોગાદ લેશે નહીં અને પોતાની પત્નીને પણ લેવા દેશે નહીં.
અને દાદાજી રાજીના રેડ થઈ ગયા હતા, પણ તુલ્યા નારાજ થઈ ગઈ હતી. તત્પરે તો એને લગ્ન મહાલવામાંથી અળગી રાખવાનું જાહેર કરી દીઘું હતું અને આગમે પણ તેના લગ્ન નિમિત્તે અલ્ટ્રામોર્ડન સ્ટાઈલથી તૈયાર થઈ ‘સાસુ જગત’માં પોતાની અલાયદી ઓળખ ઉભી કરવાની તક છીનવી લીધી હતી. તુલ્યાના પીયરીયાઓને પણ આગમનો નિર્ણય ગમ્યો નહોતો. એના નાનાજીએ તો તત્પર અને આગમના લગ્ન પ્રસંગે નાચવા માટે સૂરવાલ-શેરવાણી અને સાફાની ત્રણ જોડીઓ તૈયાર રાખી હતી ! આગમે એના દાદાજીના કુ‘શિક્ષણ’ને પરિણામે એમની આશા પર પણ પાણી ફેરવી દીધાનું સહુને દુઃખ હતું...
આગમ પોતાનાં મમ્મી-પપ્પા-દાદાજી અને બે મિત્રો સાથે લગ્ન કરવા ગયો અને સાદીવિધિથી તથા સાથે લગ્ન કરીને ઘેર પાછો આવ્યો, ત્યારે પડોશીઓને પણ ખબર પડી કે આગમનો લગ્નોત્સવ પતી ગયો છે !લગ્ન પ્રસંગે તત્પર પોતાની આછકલાઈનું પ્રદર્શન કરે એ આગમને પસંદ નહોતું એટલે એ વિદેશયાત્રાએ ગયો, એની આસપાસની તારીખે જ એણે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું...
તત્પરે વિદેશથી પાછા ફર્યા આગમના લગ્નની વાત સાંભળી ત્યારે એક જ વાત કહી હતી ઃ ‘‘મને ઈડિયટ લોકોના આદર્શના પ્રયોગોની વ્યર્થ વાતો સાંભળવામાં રસ હતી. કેટલાંક લોકોને ઘડવામાં ભગવાને પણ વ્યર્થ શ્રમ ઉઠાવતો હોય એમ લાગે છે !
સુખના મહાસાગર જેવી આ ધરતીમાં તરસ્યા મરનાર માણસ અને જાનવરમાં ફેર શો ?...’’
અને તથા સમક્ષ નજર સુદ્ધાં કર્યા વગર એ ચાલ્યો ગયો હતો.....
એના ગુસ્સાનો પાર નહોતો. ઘરમાં પોતાને પૂછ્‌યા સિવાય કોઈ પણ નિર્ણય મમ્મી-પપ્પા કરે એ તેને માટે અસહ્ય હતું.
બીજે દિવસે સવારે તત્પર નાસ્તાના ટેબલ પર પણ હાજર ન રહ્યો. ડ્રાઈવરને જણાવ્યા વગર એ કાર જાતે હંકારી પોતાના એક મિત્રને ઘેર જવા વિદાય થયો...
એણે મનોમન નક્કી કર્યું હતું કે પોતાના ગર્ભશ્રીમંત મિત્ર આખ્યેયની બહેન શ્રેણિ સાથે ત્રણ જ દિવસમાં ધામઘૂમથી લગ્ન કરી સહુને ચકિત કરી દેશે અને પછી મોકો મળતાં એકલો અમેરિકા ચાલ્યો જશે. પછી શ્રેણિને છૂટાછેડા આપી અમેરિકન યુવતી સાથે લગ્ન કરશે.
તત્પર વિચારોમાં ખોવાએલો હતો ગાડી એકસો ચાલીસ કિલોમીટરની ગતિએ દોડતી હતી. એવામાં એક દાદીનો હાથ પકડી મંદિર પાસેની સડક પરથી પસાર થતી બાળકી અને તેનાં દાદીને તત્પરે અડફેટે લીધાં. જોરદાર ટક્કર વાગતાં બન્ને ફંગોળાઈને ભોંય પટકાયાં અને બીજી પળે મોત તેમને ભરખી ગયું...
લોકો એકઠાં થઈ ગયાં. તત્પરને ઠીક-ઠીક મેથીપાક ચખાડ્યો. પોલિસ આવી પહોંચી અને તત્પરની ધરપકડ કરી તેને પોલિસ સ્ટેશન લઈ ગઈ. ઘરનાં લોકોને તાત્કાલિક કશી ખબર ન પડે એટલે એણે શ્રેણિના ભાઈને ફોન કર્યો અને પોતાની મદદે પોલિસ સ્ટેશન દોડી આવવા વિનંતી કરી, પણ શ્રેણિ સ્પષ્ટ શબ્દોમાં સૂણાવી દીઘું....‘‘હું કોઈ ખૂની સાથે સંબંધ રાખવા ઇચ્છતી નથી કે મારા ભાઈને પણ સંબંધ રાખવા દેવા માગતી નથી !’’
અને વરરાજા બનવાના સોણલામાં રાચતા તત્પરકુમાર પોલિસ કસ્ટડીનો મહેમાન બન્યા ! સ્વચ્છંદતા શૂર્પણખા છે, બહારથી રૂપાળી અને અંદરથી રાક્ષસી, એ વાત સમજવામાં તત્પર મોડો પડ્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved