પ્રેમીએ જ પ્રેમિકાનું અપહરણ કરાવી પાંચ લાખની ખંડણી માગી

 

- અમદાવાદના સૈજપુરની યુવતીનું માણસામાંથી અપહરણ

 

- 19 વર્ષીય યુવતી મામાને ત્યાં ગઇ હતી

 

ગાંધીનગર,શનિવાર

 

અમદાવાદના સૈજપુરમાં રહેતી યુવતી મામાના ઘરે રહેવા ગઈ હતી તે દરમ્યાન તેના પ્રેમીએ તેણીની ઉતારેલી ક્લીપીંગથી બ્લેકમેઈલ કરીને મિત્ર સાથે મળી માણસામાં આજોલ ગામેથી યુવતિનું અપહરણ કરી લીધું હતું અને તેણીના પિતાને ફોન કરી પાંચ લાખની ખંડણી માંગતા ચકચાર મચી છે. ઘટનાની જાણ માણસા પોલીસ અને ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાને થતાં આઠ કલાકમાં સમગ્ર ઓપરેશન પાર પાડી યુવતીને અપહરણકારના ચૂંગાલમાંથી છોડાવી તેણીના પ્રેમી અને તેના મિત્રને ઝડપી પાડયા છે. જ્યારે અપહરણના ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે નહીં તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

 

યુવતીને ક્લિપિંગ જાહેર કરવાની ધમકી આપી અપહરણ કરાયું હતુંઃ પ્રેમી અને તેનો મિત્ર ઝડપાયા

 

અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષિય યુવતીએ તાજેતરમાં જ ધો.૧૨ની પરીક્ષા આપી છે આ યુવતી છેલ્લા થોડા દિવસોથી માણસાના આજોલ ગામમાં રહેતા તેના મામાના ઘરે રહેવા માટે આવી હતી. દરમ્યાનમાં ગઈકાલે રાત્રે યુવતીના પિતા ઉપર અમજદખાન પઠાણ નામના વ્યકિતનો ફોન આવ્યો હતો અને તમારી દીકરી જીવતી પાછી જોઈતી હોય તો પાંચ લાખ રૃપિયા આપો.. અને બે કલાક પછી ફોન કરવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતિના પીતાએ આજોલમાં તપાસ કરાવતાં તે ગાયબ હોવાનું જાણવા મળતાં પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. જેથી હાંફડા-ફાંફળા બનેલા પરિવારજનોએ માણસા પોલીસ મથક પહોંચ્યા હતા જ્યા પીઆઈ બી.એન.દવે સમક્ષ પુત્રીના અપહરણ અને ખંડણી અંગેની વાત કરતાં તેઓ ચોંકી ઉઠયા હતા. અને તુરંતજ આ ઘટના અંગે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાનું ધ્યાન દોરતાં તેમણે બનાવને ગંભીરતાથી લઈ ટીમો બનાવી દીધી હતી. રેન્જ આઈજી સમશેરસિંહે પણ આ બાબતનું સુપરવીઝન શરૃ કરી દીધું હતું. પોલીસે તુરંત જ યુવતીના ભુતકાળની તપાસ શરૃ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, તેની પાડોશમા જ રહેતા જગદીશ રામમિલન યાદવ નામના શખ્સ સાથે તેનો પ્રેમ સંબંધ હતો અને જે સમયે તેણીની ક્લીપીંગ જગદીશે ઉતારી લીધી હતી. જેથી પોલીસને જગદી
શ ઉપર પણ શંકા ગઈ હતી. અને રાત્રે જ જગદીશ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારબાદ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે જગદીશનો મિત્ર ગાંધીનગરના વાવોલમાં રહેતો અજય માળી આ યુવતીને લઈ પરત ફરી રહયો છે જેથી કલોલ ખાતેથી યુવતી અને આ યુવકને પકડી લીધી હતી અને અજયની ધરપકડ કરી હતી. જ્યારે આ સમગ્ર અપહરણનો પ્લાન ઘડનાર જગદીશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, યુવતી અને જગદીશ વચ્ચે સંબંધો હતા પરંતુ યુવતીના માતાપિતા લગ્ન માટે તૈયાર થતા નહોતા જેથી જગદીશે તેણીનું અપહરણ કરી તેના પિતા પાસેથી પાંચ લાખની ખંડણી માંગવાનું વિચાર્યું હતું અને યુવતીના અપહરણથી તે બદનામ થઈ જશે અને તેની સાથે લગ્ન કરાવવા પરિવારજનો તૈયાર પણ થઈ જશે. આ પ્લાન મુજબ જગદીશે તેના મિત્ર અજયનું માણસાના આજોલ ખાતે મોકલ્યો હતો. જ્યાં બાઈક ઉપર યુવતીનું અપહરણ કરી ગાંધીનગર લઈ આવ્યા હતા. જ્યા કાલુપુરથી આ યુવતીને પાટણ લઈ જવાઈ હતી. ત્યારબાદ અજયે તેની પાસે રહેલ નવા સીમકાર્ડ વડે યુવતીના પીતાને ફોન કર્યો હતો અને પાંચ લાખની માંગણી કરી હતી. જગદીશ આ સમગ્ર બાબત જાણતો હોવા છતાં તે યુવતીના પરિવારજનો સાથે ફરતો રહયો હતો. જ્યારે તેનો ભાઈ પપ્પુ યાદવ યુવતીના પિતા સાથે માણસા પોલીસ મથક ઉપર પહોંચ્યો હતો અને તે સમગ્ર બાબતની જાણ જગદીશને કરતો રહેતો હતો. આ ખંડણીના રૃપિયા અજય અને જગદીશ વહેંચી લેવાના હતા ત્યારબાદ બદનામ થઈ ગયેલી યુવતીના ઘરે જઈ જગદીશ લગ્નનો પ્રસ્તાવ મુકી પોતાનો ઈરાદો પાર પાડવા માંગતો હતો. તેમણે સીમકાર્ડ પણ અમદાવાદના અમજદખાન પઠાણના નામેથી ખરીદયું હતું. હાલ આ બન્ને આરોપીઓને ગાંધીનગર પોલીસે અપહરણના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે.