શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં ૪૬૦ શિક્ષકોએ પરીક્ષા જ ન આપી

 

- કુલ ૧૫૦૫ શિક્ષકોએ પરીક્ષા આપી

 

- ચાર સ્કુલોમાં ઓ.એમ.આર. પદ્ધતિથી પરીક્ષા લેવાઈ

 

ભાવનગર, શનિવાર

 

બદલતી જતી શિક્ષણ પ્રણાલી સાથે શિક્ષકોમાં રહેલી ક્ષતિઓ અને તેને પરીપક્વ બનાવવા કેવા પ્રકારની તાલીમ આપવી તે નક્કી કરવા આજે માધ્યમિક વિભાગના શિક્ષકોની શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી યોજાઈ હતી. જેમાં ભાવનગરમાં કુલ ૧૯૬૫ શિક્ષકોમાંથી ૧૫૦૫ હાજર રહ્યા જ્યારે ૪૬૦ શિક્ષકો ઉક્ત કસોટીમાં ગેરહાજર રહ્યા હતા.

 

પરિવર્તન શીલ સમાજમાં દરેક ક્ષેત્રે પરિવર્તન દેખાઈ રહ્યું છે. જેમાંથી શિક્ષણ પણ બાકાત નથી રહ્યું અને આ આધુનિક શિક્ષણ સાથે કદમ મિલાવવા વિદ્યાર્થીઓમાં પણ આગવું કેળવણી જ્ઞાાતીની સંચય થાય તે જરૃરી છે. જેની માટે શિક્ષકોમાં પુરતી નિપૂણતા જરૃરી છે અને હાલ શિક્ષકોમાં કેટલી યોગ્યતા ભરેલી છે અને કેટલી યોગ્યતા ઘટે છે તે નક્કી કરવા માટે ગુજરાત માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર એવી માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીનું આયોજન કર્યું છે.

 

આજે લેવાયેલ શિક્ષકોની પરિક્ષામાં ચાર સ્કુલોનો સમાવેશ કરાયો હતો જેમાં બી.એન. વિરાણીમાં સામાન્ય ક્ષમતા અને શિક્ષણશાસ્ત્ર તથા ગણિત અને વિજ્ઞાાન, મુક્તા લક્ષ્મીમાં હિન્દી અને સંસ્કૃત, બી.એમ. કોમર્સમાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાાન, એમ. કે. જમોડમાં ગુજરાતી વિષયના શિક્ષકોએ કસોટી આપી હત. આ શિક્ષકોના જવાબો પરથી સર્વેક્ષણ હાથ ધરાશે અને ત્યારબાદ કેવા પ્રકારની તાલીમ આપવી અને કેટલી આપવી તેનો નિર્ણય બોર્ડ કરશે.

 

બે તબક્કામાં લેવાયેલ વિષયવાર પરિક્ષામાં ગુજરાતીમાં ૨૨૫હાજર ૯૯ ગેરહાજર, હિન્દીમાં ૧૮૪ હાજર ૭૧ ગેરહાજર, સંસ્કૃતમાં ૧૪૪ હાજર પર ગેરહાજર, અંગ્રેજીમાં ૨૫૧ હજાર ૭૯ ગેરહાજર ગણિત-વિજ્ઞાાનમાં ૪૬૪હાજર ૧૨૬ ગેરહાજર જ્યારે સામાજિક વિજ્ઞાાન વિષયમાં ૨૩૭ હાજર અને ૩૩ ગેરહાજર મળી કુલ ૧૫૦૫ શિક્ષકોએ પરિક્ષા આપી હતી જ્યારે ૪૬૦ શિક્ષકો પરીક્ષામાં ગેરહાજર રહેવા પામ્યા હતા જેમાં મોટાભાગે સેલફાઈનાન્સ સ્કુલોના શિક્ષકોનો સમાવેશ થાય છે.

 

બોર્ડ દ્વારા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી અંતર્ગત બહાર પાડેલ પરિપત્રમાં ગેરહાજર રહેનાર શિક્ષકે ડીઈઓની પૂર્વ મંજુરી લેવી પડશે પરંતુ સ્થાનિક કચેરીએ દસથી વીસ જેટલી અરજીઓ આવી છે. બાકી ડીઈઓને જાણ કર્યા વગર ૪૫૦ જેટલા શિક્ષકોએ પરીપત્રની એસીતેસી કરી પરિક્ષાથી વેગળા રહ્યા હતા.