બાંધકામોમાં પોલંપોલઃ રાજકોટમાં ચાર માળનું બિલ્ડીંગ નમી પડયું

 

- શહેરમાં નદી અને વોકળાકાંઠાના અનેક બિલ્ડીંગો ભયગ્રસ્ત

 

- ઘટનાસ્થળે ધસી જતા મ્યુનિ.અધિકારીઓ

 

રાજકોટ,શનિવાર

 

અહીંના કૈસરે હિન્દ પૂલ નજીક બેડીનાકા નજીક ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૩ માળના બાલાજી કોમ્પલેક્સ નામના બિલ્ડીંગનો વોકળા બાજુનો ભાગ નમી પડતા અને તિરાડો પડતા દોડધામ મચી હતી. બિલ્ડીંગ ધસી પડે તેવી ભીતિ સર્જાતા ફાયરબ્રિગેડ સ્ટાફ રેસ્ક્યુવાન સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા અધિકારીઓ અને ફાયરમેનો પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર ચાર માળના આ બિલ્ડીંગમાં સેલર પણ છે જેનો પાછળનો વોકળા તરફનો ભાગ સ્હેજ નમી અને ભરતી,માટી ખસી પડેલી નજરે પડી હતી તેમજ બિલ્ડીંગમાં તિરાડો જણાઈ હતી. મકાન ધસી પડે અને ગંભીર દુર્ઘટના સર્જાય તેવું લાગતા ફાયરબ્રિગેડે ત્રીજા માળે ફ્લેટ ધરાવતા હાજી વલીભાઈ, આમદ સુલેમાનભાઈ, અફઝલ આમદ જુણેજા અને જમીલાબેન શબ્બીરભાઈ ભારમલ નામના ફ્લેટધારકોને બિલ્ડીંગ ભયમુક્ત ન થાય ત્યાં સુધી અન્યત્ર સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 

બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે ૧૬ દુકાનો હતી જેના વેપારીઓ તેમજ આજુબાજુના લત્તાવાસીઓ આ ઘટનાથી જમા થઈ ગયા હતા. સ્થળ પર સ્ટ્રક્ચરલ એન્જિનિયર વગેરે પણ આવ્યા હતા. મ્યુનિ.સૂત્રો અનુસાર મૂજબ દોમડીયા નામના જે એન્જિનિયરે સ્ટ્રક્ચરલ ડિઝાઈન બનાવી હતી તનું વર્ષો પહેલા અવસાન થયેલ છે પણ બિલ્ડીંગ બન્યા પછી ભૂકંપ આવ્યો ત્યારે પણ તેમાં ખાસ વાંધો નહીં આવતા લોકો તેમાં રહેતા હતા.

 

આ અંગે મહાપાલિકાના સિટી એન્જિનિયર પટેલિયા અને એ.ટી.પી.ગુપ્તાએ જણાવ્યા મૂજબ ઈ.સ.૧૯૯૮માં આ લોરાઈઝ બિલ્ડીંગનો પ્લાન મંજુર કરીને કમ્પલીશન અપાયેલું છે. ઘટનાના કારણ અંગે આ અધિકારીઓએ એવું અનુમાન દર્શાવ્યું હતું કે બિલ્ડીંગ વોકળા બાજુની સાઈડે આશરે સદી જુની રિટેનીંગ વોલ પર વર્ષો જુની ભરતી પર ચણાયું હતું. ટી.પી.શાખાના મતે બિલ્ડીંગમાં નિયમિત જાળવણીના અભાવે પાણી ગળતર થઈને વોકળા તરફના પાયા સુધી ઉતરતા માટી ભીની થતા થોડી ફસકી ગયાની શક્યતા છે. મ્યુનિ.અધિકારીઓના મતે બિલ્ડીંગને સલામત બનાવ્યા પછી તેનો ઉપયોગ કરવો સલાહભર્યો છે અન્યથા ભારે વરસાદ વખતે તે ધસી પડવાનું જોખમ છે.

 

આશ્ચર્યની વાત એ છે કે આ બિલ્ડીંગના બિલ્ડરનું નામ તંત્રને જાણવા મળ્યું નથી. બિલ્ડીંગમાં કોલ્ડ્રીંક્સ, પાન, મોબાઈલ, લોન્ડ્રી, ઈલેક્ટ્રીક વગેરેની દુકાનો આવેલી છે.