પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારો રોકવો અસંભવ : વડાપ્રધાન

 

 

- ઉર્જા ક્ષેત્રે ભારત સામે પ્રચંડ પડકાર

 

- ભટિંડા ખાતે રિફાઈનરીના ઉદ્ઘાટન પ્રસંગે મનમોહનનો એકરાર

 

 

 

ભટીંડા, તા. ૨૮

 

ઊર્જા ક્ષેત્રે ભારત પ્રચંડ પડકારોનો સામનો કરી રહેલ છે તેમ કહેતાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે આજે અહીં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઊંચા જતા ભાવોને લીધે, દેશનું આયાત-બિલ 'દબાણ'માં આવી ગયું છે. તેથી પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ તર્કશુદ્ધ કરવા જ પડે તેમ છે. અહીં ચાર અબજ ડોલરની રિફાઈનરી ખુલ્લી મુકતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ક્રૂડ તેલનું ઉત્પાદન જરૃરિયાત કરતાં ઘણું ઓછું થતું હોવાથી, ૮૦ ટકા ક્રૂડ તો આયાત કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા જતા હોવા છતાં સરકાર હસ્તકની તેલ કંપનીઓએ લગભગ એક વર્ષથી ડીઝલ, એલપીજી અને કેરોસીનના ભાવ વધાર્યા જ નથી. સાથો સાથ જરૃરિયાતવાળાઓને અને ગરીબોને ભાવ-તર્કશુદ્ધ રાખી રક્ષવા માટે પણ સરકારે પ્રયત્નો કર્યા છે. જૂન ૨૦૧૦માં સરકારે પેટ્રોલના ભાવો અંકુશમુક્ત કર્યા હોવા છતાં, તે દિલ્હીમાં અત્યારે લીટર દીઠ રૃા. ૬૬.૬૪ના ભાવે વેચાય છે. જે તેની પડતર કિંમત કરતાં લીટર દીઠ રૃા. ૯ ઓછા છે.

 

સરકારે અત્યારે ડીઝલ, એલપીજી અને કેરોસીનના ભાવ અંકૂશિત રાખ્યા છે. તેથી ડીઝલમાં રૃા. ૧૬.૧૬ની અને કેરોસીનમાં રૃા. ૩૨.૫૯ની લીટર દીઠ સરકાર હસ્તકની તેલ કંપનીઓ ખોટ ખાય છે. તેમજ ૧૪.૨ કી.ગ્રા.નું રાંધણગેસનું સીલીન્ડર તેની પડતર કિંમત કરતાં રૃા. ૫૭૦.૫૦ના ઓછા ભાવે વેચવું પડે છે. આથી, ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસીન પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચતા તેમાં તેમને ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષમાં રૃા. ૧,૩૮,૦૦૦ની ખોટ ગઈ હતી. જે ચાલુ નાણાંકીય વર્ષે વધીને રૃા. ૨,૦૮,૦૦૦ કરોડ થવા સંભવ છે. તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું. બીજી તરફ આપણા સતત વિકસતા અર્થતંત્ર માટે આ ઊર્જા સ્રોતો અનિવાર્ય પણ છે. તેમ પણ તેઓએ રૃા. ૨૦,૦૦૦ કરોડના ખર્ચે અહીં સ્થાપવામાં આવેલી 'ગુરૃ ગોવિંદસિંહ રિફાઈનરી'ને ખુલ્લી મુકતાં જણાવ્યું હતું. આ રીફાઈનરીમાં દર વર્ષે ૯૦ લાખ ટન જેટલું ક્રૂડ તેલનું શુદ્ધિકરણ થવા સંભવ છે.

 

આ રીફાઈનરીથી પેટ્રોલિયમ પેદાશોની તંગી અનુભવતા ઉત્તર ભારતના અનેક વિસ્તારોને રાહત થશે. તેમ પણ મનમોહનસિંહે જણાવ્યું હતું.

 

સ્ટીલ-ઝાર લક્ષ્મી એન મિત્તલની કંપની મિત્તલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનાં સંયુક્ત સાહસ એચએલઈએલની આ રિફાઈનરી ૪૨ મહિનાના વિક્રમ સર્જક સમયમાં તૈયાર થઈ છે. જે અંગે સંતોષ વ્યક્ત કરતાં મનમોહનસિંહે તેલના આ ઉદ્ધાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં રિફાઈનરી ક્ષેત્રે ઘણો સારો ઉત્કર્ષ સધાયો છે. ૧૯૯૮માં માત્ર ૬૨૦ લાખ ટન ક્રૂડ જ શુદ્ધ થતું હતું. પરંતુ અત્યારે ૨,૧૩૭ લાખ ટન ક્રૂડનું શુદ્ધિકરણ હાથ ધરાઈ રહ્યું છે.

 

આ રિફાઈનરીનાં ઉત્પાદનો ઉત્તર ભારતમાં તો વેચાશે જ પરંતુ તે પાકિસ્તાનમાં પણ વેચવા સરળ બનશે કારણ કે ભટીંડાથી લાહોર માત્ર ૧૦૦ માઈલ જ દૂર છે. વળી ૨ જી નવેમ્બરે ૨૦૧૧ના દિને બંને દેશો વચ્ચે થયેલા કરારો પ્રમાણે, પાકિસ્તાને ભારતમાંથી પેટ્રોલ અને ડીઝલની આયાત નોન-ટેરીફ-બેઝ ઉપર કરવા સ્વીકાર્યું છે.

 

વિશ્વની સૌથી મોટી પોલાદ ઉત્પાદક કંપની આર્સેલર-મિત્તલનું તેલ ક્ષેત્રનું આ સૌથી પહેલું સાહસ છે જે તેણે ઓએનજીસીના સહકારમાં ભારતમાં (ભટીંડા)માં સ્થાપ્યું છે.

 

* ગુરૃ ગોવિંદસિંહ રિફાઈનરીની ક્ષમતા વાર્ષિક ૯૦ લાખ ટન તેલ શુદ્ધિકરણની છે.

 

* આ રિફાઈનરી, ૪૨ મહિનાના વિક્રમ સમયમાં બંધાઈ છે.

 

* આ રિફાઈનરીનાં નિર્માણ માટે ૪ અબજ ડોલરનો ખર્ચ.

 

* સ્ટીલ-ઝાર લક્ષ્મી મિત્તલના સહકારમાં આ રિફાઈનરી સ્થપાઈ છે. તેલ ક્ષેત્રે મિત્તલનું આ પહેલું સાહસ છે.

 

* ભટીંડા લાહોરથી માત્ર ૧૦૦ માઈલ જ દૂર છે, તેથી ઉત્તર ભારત ઉપરાંત પાકિસ્તાનની પણ ઊર્જા જરૃરિયાતો આ રિફાઈનરી પૂરી પાડી શકશે.

 

* ભારત તેની જરૃરિયાતોના ૫૦ ટકા જેટલું તેલ (ક્રૂડ) આયાત કરે ચે પરંતુ શુદ્ધિકરણ ક્ષેત્રે તેણે હરણ ફાળ ભરી છે. ૧૯૯૮માં માત્ર ૬૨૦ લાખ ટન તેલનું શુદ્ધિકરણ થતું હતું. અત્યારે ૨,૧૩૦ લાખ ટન જેટલું તેલ શુદ્ધિકરણ થાય છે.