સોનામાં રૃ.૨૯૫૪૦નો રેકોર્ડ થયોઃ બિસ્કીટ રૃ.૩૪૨૦૦૦ બોલાયા

 

- અખાત્રીજથી શરુ થયેલી તેજી

 

- વિશ્વબજારમાં ઉંચા ગયેલા ભાવો

 

મુંબઈ, તા.૨૮

 

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં અખાત્રીજથી શરુ થયેલી તેજીની ચાલ આગળ વધતાં આજે નવા ભાવ ઉછાળા વચ્ચે સોનામાં નવી ટોચ દેખાઈ હતી. મુંબઈ બજારમાં સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૯૦ના આજે રૃ.૧૧૦ વધી રૃ.૨૯૨૯૦ બોલાયા હતા. આ અગાઉ ગયા વર્ષે ૧૬મી નવેમ્બરે રૃ.૨૯૨૪૦નો રેકોર્ડ થયા પછી આજે નવો રેકોર્ડ થયો હતો. સોનાના ૯૯.૫૦ના ભાવો આજે રૃ.૧૧૦ વધી રૃ.૨૯૧૫૫ રહ્યા હતા. મુંબઈમાં મોડી સાંજે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૦૦ બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૪૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૫૪૦ બોલાતાં ત્યાં નવી ટોચ દેખાઈ હતી. અમદાવાદ બજારમાં ભાવો વધી આજે ૯૯.૫૦ના રૃ.૨૯૩૭૫ જ્યારે ૯૯.૯૦ના રૃ.૨૯૫૨૫ બોલાયા હતા. વિશ્વબજારમાં સોનાના ઉંચા ગયેલા ભાવો તથા ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ઉછળતા ભાવો વચ્ચે ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચતા ઝવેરીબજારોમાં આજે વધતા ભાવોએ વેચનારા ઓછા તથા લગ્નસરા વચ્ચે લેનારા વધુ રહ્યા હતા.

 

મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો આજે રૃ.૧૧૦૦ વધી રૃ.૩૪૨૦૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના વધી ૧૬૬૫થી ૧૬૬૬ ડોલર તથા ચાંદીના ઔંશના વધી ૩૧.૩૫થી ૩૧.૪૦ ડોલર બોલાયા હતા. સોનાની હુંફે મુંબઈમાં ચાંદી વધી કિલોના રૃ.૫૭૦૦૦ નજીક પહોંચી ગઈ છે. સ્પેનનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થતાં યુરોપના દેશોમાં આર્થિક સમસ્યાઓનો ઉકેલ વિલંબમાં પડયાની ચર્ચા હતી. ફ્રાંસમાં પણ રાજકીય સ્થિતિ પ્રવાહી બની છે. અધુરામાં પુરું અમેરિકામાં જીડીપી વૃધ્ધિ દર ઘટી ૨.૨૦ ટકા આવતાં તેના કારણે સલામત રોકાણના સ્વરૃપમાં હેજફંડો સોનાની ખરીદી તરફ વળ્યા છે. ગયા વર્ષના અંતે અમેરિકામાં જીડીપી વૃધ્ધિ દર ત્રણ ટકા રહ્યો હતો.

 

ભારતમાં શેરબજારમાં વિદેશી રોકાણ ઘટતાં તેમજ જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (જીએએઆર)ની દરખાસ્તથી દરીયાપારથી આવતું ભંડોળ ઘટવાની ભીતી વચ્ચે રૃપિયા સામે ડોલરના ભાવો વધી રૃ.૫૨.૬૫ થઈ છેલ્લે રૃ.૫૨.૫૪થી ૫૨.૫૫ રહ્યા છે. આગળ ઉપર ડોલર વધી રૃ.૫૬થી ૫૭ થવાની શક્યતા વચ્ચે સોનાની આયાત પડતરો ઉંચી જ રહેશે એવું જાણકારો બતાવી રહ્યા હતા.