પરીક્ષાઓ પૂરી થઈ અને બાળકોને હાશકારો થયો. સાથોસાથ હવે લાંબું.... વેકેશન એટલે તો ભાઈ મજા જ મજા ને ? શહેરોમાં વસતા બાળકો હવે રુચિ અને સગવડ કે મા-બાપના આર્થિક સામર્થ્ય મુજબ વેકેશનનો આનંદ માણશે. મામા કે ફોઈના ઘરે જવાથી માંડીને ફરવાનાં સ્થળોએ પહોંચી જવું. જેને પોસાય તે તો વળી વિદેશ પણ જઈ આવશે. ઘણા તો વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીમાં શોખ અનુસાર ભાગ લેશે. મા-બાપ પણ હોંશે હોંશે દીકરા- દીકરીઓને પાવરધા કરવા નવી નવી પ્રવૃત્તિમાં સામેલ કરાવશે. તો વળી કેટલાક બાળકો કમ્પ્યુટર ગેમ, વીડિયોગેમનો આનંદ લૂંટશે. ગ્રામ્ય વિસ્તારોનું ચિત્ર કંઈક જૂદું હશે પણ એ બધાંય સ્થાનિકસ્તરે જે આનંદ ઉઠાવી શકતાં હશે તે ઉઠાવશે. જોકે શહેરી અને ગ્રામીણ બાળકો ઉપરાંત ત્રીજો એક બાળવર્ગ છે જેને નથી ભણવાનું મળતું કે નથી એને વેકેશન માણવાનું સૌભાગ્ય ! એના બચપણને ગરીબીનું ગ્રહણ લાગ્યું હોય છે એટલે મા-બાપ સાથે રહેવું, એ જે કરતાં હોય તેમ સામેલ થવું એ જ મુખ્ય બાબત બની રહે છે. એનું ભણતર- ગણતર અને વેકેશન બધુ એ જ હોય છે. પેટની ભૂખ બચપણ અને એનો નિજાનંદ જાણે લૂંટી લે છે. અહીં તસવીરમાં છે એવાં દ્રશ્યો આવા જ બચપણની કરમ કહાણી કહે છે. એનું સાથીદાર, સાક્ષી કૂતરું છે. એ રંગના ખાલી ડબા પર બેઠું બેઠું જાણે કહી રહ્યું છે કે ભઈલા, તારી જિંદગીમાં તો એક જ રંગ છે- ગરીબાઈનો ! રમવા- ભણવાની ઉંમરે આમ અંગકસરતના ખેલ કરી પેટિયું રળવાની આ 'રમત' તો તારે શીખવી જ રહી. કેમકે પંથ તો લાંબો છે અને હાર્યા- થાક્યા વગર આગળ વધતા રહેવાનું છે. શહેરોમાં માણસ અને વાહનની ભીડ વચ્ચે કોઈક દયાળું જીવ 'માસુમ ખેલ' માણશે, રૃપિયો- બે રૃપિયો નાખશે અને બે ઘડી પૂણ્યકાર્ય કર્યાનો અહેસાસ માણતો ચાલવા માંડશે... (તસવીરઃ સુરેશ મિસ્ત્રી)