સુરતમાં ૮ બાળક સહિત ૧૦ વ્યક્તિનો કોલેરા રીપોર્ટ પોઝીટીવ
- આરોગ્ય તંત્રમાં દોડધામ
- શુદ્ધ પાણી પીવાની સલાહ

સુરત, શુક્રવાર
સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ૮ બાળકો સહિત ૧૦ વ્યકિતનાં કોલેરાના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ શરૃ થઇ ગઇ છે. ઉનાળાની ઋતુમાં વકરતા કોલેરાના ૧૦ દર્દીઓએ છેલ્લા ૨૫ દિવસ દરમિયાન સુરત સિવિલમાં સારવાર લીધી હતી.
દર વર્ષે ઉનાળાની ગરમીના દિવસોમાં જે લોકો ચોખ્ખું પાણી પીતા ન હોય તે લોકો કોલેરાની ઝપેટમાં આવતા હોય છે. આ વર્ષે પણ સુરત શહેર સહિતના વિસ્તારનામાં ગેસ્ટ્રો, કોલેરા જેવા રોગ ધીરે ધીરે વકરી રહ્યાં છે. આ બિમારીમાં સપડાતા કેટલાક વ્યકિતઓ દવાખાના, ખાનગી હોસ્પિટલ, નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે. છેલ્લા ૨૫ દિવસ દરમિયાન સચીનના અંબિકાનગરમાં રહેતી અર્ચના (ઉ.વ. ૬) સાહિલ (ઉ.વ. ૨૮, રહે. પાલીગામ, સચીન), મિથુન (ઉ.વ. ૪ રહે. સિધ્ધીગણેેેશનગર, સચીન), એકતા ઇશ્વર (ઉ.વ. ૨૫, રહે. તિરૃપતીનગર, ઉનપાટીયા), શીતલ (ઉ.વ. ૪, રહે. નરગીસનગર, ઉન), વિશાખા જીવણ શીંદે (ઉ.વ. ૧૧, રહે. રામેશ્વર કોલોની, સચીન), સીમરન સુરજ (ઉ.વ. ૯, રહે. સચીન હાઉસીંગ), મયુર સોમનાથ (ઉ.વ. ૯ માસ, રહે. શક્તિનગર ઝુંપડપટ્ટી, પાંડેસરા), રોશની મનુભાઇ (ઉ.વ. ૨, રહે. સચીન જી.આઇ.ડી.સી.), ગૌજલ ઇકટાર હુસેન (ઉ.વ. ૨, રહે. તિરૃપતીનગર, ઉનપાટીયા)ને ઝાડા-ઉલ્ટી થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના વિવિધ સેમ્પલો લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જયાંથી વારાફરતી તેઓના રીપોર્ટ કોલેરા પોઝીટીવ હોવાના આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
એપ્રિલ માસમાં ૨૫ દિવસમાં ૮ બાળકો સહિત ૧૦ વ્યકિતઓના કોલેરાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ૨૦૧૧માં નવી સિવિલમાં ૩૫ કોલેરાના દર્દીઓએ સારવાર લીધી હતી. જો કે ચાલુ વર્ષે ચાર માસમાં અત્યાર સુધીમાં કોલેરાના ૨૨ દર્દીઓ માત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
નવી સિવિલના બાળકો વિભાગના વડા ડૉ. વિજયભાઇ શાહે જણાવ્યું કે, અન્ય મોસમ કરતા ઉનાળાની ગરમીના દિવસોમાં કોલેરા વધુ વકરવાની શકયતા છે. જો કે, જે લોકો બહારનો ખોરાક વધુ ખાઇ અને શુધ્ધ પાણી પીતા નથી તેવા વ્યકિતઓ આ રોગમાં સપડાય છે. જેમ બને તેમ બહારનો ખોરાક ખાવો નહીં, ચોખ્ખું પાણી પીવું અને બને તો ગરમ કરીને પાણી પીવું જોઇએ.