ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ :કોર્ટ સંકુલમાં ખુશીનો માહોલ
- ૧૧ આરોપીનાં કુદરતી મોત નિપજી ચૂક્યાં છે
- શકનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યા હતા

મહેસાણા,તા.૨૭
ગોધરાકાંડા બાદ ૨૮મી ફેબુ્રઆરી -૨૦૦૨ના ગુજરાત બંધના એલાનમાં ફાટી નિકળેલા કોમી રમખાણમાં ઉમતા ગામે ૧૫૦૦ થી ૨૦૦૦ના ટોળાએ મુસ્લિમ મહોલ્લામાં ઘાતક હથીયારો સાથે ધસી જઈ કેટલાક મકાનોમાં આગ ચાંપી અને લૂંટ ચલાવાઈ હતી જેમાં બે ઈસમોના મોત નિપજ્યા હતા. પોલીસે તે સમયે ૧૨૦ જેટલા વ્યક્તિઓ સામે રાયોટીંગની ફરીયાદ નોંધી હતી. જેનો કેસ વિસનગની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતાં ૧૨૦ આરોપીઓ પૈકી ૧૧ ઈસમો કાળક્રમે કુદરતી મરણ જતાં ૧૦૯ ઈસમોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતા. આ ચૂકાદાથી કોર્ટ સંકુલમાં તથા ઉમતા ગામે ખુશીનો માહોલ સર્જાયો હતો. ઉમતા ગામમાં શુક્રવારે ચુકાદો આવવાનો હોઈ ગુરૃવારના રોજ ગામમાં શેરીઓમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે સન્નાટો છવાયેલો હતો તેમજ ઉચાટ અનુભવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરકાંડા બાદ ૨૮મી ફેબુ્રઆરી૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું એલાન અપાયેલ હતુ. તે દરમીયાન ઉમતા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જેમા બપોરના સુમારે આશરે ૨૦૦૦ લોકોનું ટોળુ ધસી આવ્યુ હતુ. જેમાં કેટલાક મકાનોમાં આગ ચાંપી લુંટ કરી હતી. જેમાં નિવૃત્ત શિક્ષક મોહંમદભાઈ અબ્દુલભાઈ શેખ તેમજ મનસુરી અબ્દુલભાઈ ઈબ્રાહીમભાઈ પર તિક્ષ્ણ હથીયારોથી મોત નિપજ્યુ હતુ. જેથી ટોળાના ૧૨૦ વ્યક્તિઓ વિરૃધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી.
સદર કેસ મહેસાાણાની સેશન્સ કોર્ટમાં ૨૦૦૪માં ચલાવવામાં આવતા તેમાં કોર્ટે ત્રણ ચાર્જશીટ ઘડી સંયુક્ત કેસ ચલાવ્યો હતો. જેમાં ૧૨૦ વ્યક્તિઓ વિરૃધ્ધ ટ્રાયલ ચાલુ કર્યો હતો. જેમાં મૃત્તકના પૂત્ર ઈનાયતે કોર્ટમાં ૧૭૩ (૮) મુજબ કેસ પુન ચલાવવા માંગ કરી હતી. જેને કોર્ટે ના મંજુર કરી હતી જેથી તેમણે ૧૫મી ફેબુ્રઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી જેથી કોર્ટે ક્રિમીનલ રિવીઝન અરજી મંજુર કરી વધુ તપાસનો હુકમ કર્યો હતો.
વિસનગરની કોર્ટમાં ઉમતા કેસના ૧૨૦ જેટલા આરોપીઓને સરકારી વકીલ નવીનભાઈ બારોટે તપાસ કરી હતી. જેમાં ઉમતા કેસને નજરે જોનાર મૃત્તક મોહંમદભાઈ શેખના બે પૂત્ર ઈનાયત અને મુસ્તુફા તેમજ તેમના જમાઈ રફીકભાઈ ની જુબાની પર આધારીત હોઈ મૃત્તક વિરોધી કોઈ સીધા પુરાવા પ્રાપ્ત થયા ન હતા. તેમજ પોલીસે પ્રથમ દ્રષ્ટિએ ૧૫૦૦ થી ૨૦૦૦ના ટોળા સામે રાયોટીંગની ફરીયાદ નોંધી હતી. ત્યાર બાદ બે વ્યક્તિના મોત ઘાતક હથીયારો તેમજ જલદ પ્રવાહી રેડી મોત નિપજાવ્યાનું ખુલતાં ૯મી માર્ચના રોજ પોલીસે ૩૦૨ અને ૨૦૧ની કલમનો આ કેસમાં ઉમેરો કર્યો હતો. પોલીસ તપાસમાં મૃત્તકના ઘર નં. ૧૦૫માંથી માત્ર હાડકાનો ટુકડો મળેલ જે મૃત્તક અબ્દુલભાઈ મનસુરીનો હોવાનું માની લેબોરેટરી અર્થે એફ.એસ.એલ.માં મોકલેલ પરંતુ તે ટુકડો મૃત્તકનો જ છે તે પુરવાર થઈ શક્યુ ન હતુ.
સદરકેસમાં આરોપી તરફી વકીલ આર.એસ. યાજ્ઞિાક તથા મદદનીશ કીલ ગીતાબેન પી. નાયક તેમજ સરકારી વકીલ નવીનભાઈ બારોટ રહ્યા હતા.
વિસનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ કે.બી. મઘનાનીએ ૧૨૦ આરોપી પૈકી ૧૦૯ ઈસમોને કોઈ પુરાવા ન હોવાથી શકનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યા હતા. તેમજ કલમ ૪૩૭એ મુજબ રૃા. ૧૦ હજારના જામીન આપવાના રહેશે.
કોર્ટની પરમીશન વગર ક્યાંય જવુ , નહી કોર્ટ કે હાઈકોર્ટ જ્યારે બોલાવે ત્યારે હાજર રહેવા તેમજ પાસપોર્ટ હોય તો તે જમા કરાવવાની શરતે તેમજ ઉમતા ગામ નહી છોડવાનો પણ હુકમ કર્યો છે. સમગ્ર કોર્ટ સંકુલમાં બહાદુરી ભર્યા આ ચુકાદાથી લોકોમાં ખુશી તેમજ ઉમતા ગામમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.

ઉમતા ગામના ૧૨૦ આરોપીઓ પૈકી ક્રમે ૧૨ ઈસમોના મોત નીપજ્યા હતા
(૧) પટેલ જીવણભાઈ નારણદાસ
(૨) જોષી હર્ષદભાઈ સોમાભાઈ
(૩) પટેલ ભોગીલાલ નારણદાસ
(૪) પટેલ બબલદાસ પરસોત્તમદાસ
(૫) પટેલ બાભઈ જોઈતારામ
(૬) પટેલ સતિષકુમાર નારણભાઈ
(૭) સથવારા બાબુભાઈ મણીલાલ
(૮) પ્રજાપતિ અંબાલાલ સેંધાભાઈ
(૯) પટેલ મનુભાઈ ઈશ્વરભાઈ
(૧૦) પટેલ કાન્તીલાલ શંકરલાલ
(૧૧) પટેલ કાન્તીભાઈ ઉર્ફે મારવાડી