૨૧ વરસના યુવાનને સેક્સ ચેન્જની સર્જરી કરાવવી છે

 

- પણ પિતાનો સાફ ઇનકાર

 

- મામલો કોર્ટમાં ગયાથી ડૉક્ટરોએ ઓપરેશનનો ઇન્કાર

 

મુંબઇ, તા.૨૭

 

બિધાન બરુઆ પોતાની સાચી ઓળખ મેળવવાની તૈયારીમાં છે એને પુરુષમાંથી સ્ત્રી બનવું છે. હવે એણે માત્ર એક સેક્સ ચેન્જ (જાતિ પરિવર્તન)નું ઓપરેશન કરાવવાની જરૃર છે. બિધાનનું માનવું છે કે એના પુરુષ દેહમાં ૨૧ વરસથી એક સ્ત્રી કેદ છે અને સર્જરી દ્વારા એ સ્ત્રીને મુક્તિ મળશે.
પરંતુ બિધાન પર સર્જરી થાય અને એ પોતાના મનના માણીગર- ઇન્ડિયન એર ફોર્સના એક ફ્લાઇટ લેફ્ટનન્ટને પરણે એ પહેલા એણે પોતાના માતા-પિતાનો મુંબઇ હાઇ કોર્ટમાં સામનો કરવો પડશે. એના મા-બાપ સેક્સ ચેન્જ કરાવવાના એના નિર્ણયની એકદમ વિરુદ્ધમાં છે.
પોતાને સ્વાતિ કહેવડાવવાનું વધુ પસંદ કરતા બિધાને બુધવારે બોમ્બે હાઇ કોર્ટમાં એવો આક્ષેપ કરતી પિટીશન નોંધાવી છે કે મારા પરિવારે ૧૭ એપ્રિલે મુંબઇની સૈફી હૉસ્પિટલમાં થનારુ મારુ સેક્સ ચેન્જ ઓપરેશન ડૉક્ટરોને ધમકી આપીને રોકી દીધુ છે. ડૉક્ટરોએ હવે હાઇ કોર્ટની પરવાનગી ન મળે ત્યાં સુધી એનું ઓપરેશન કરવાનો ઇન્કાર કરી દીધો છે.
એડવોકેટ ઇજાઝ અબ્બાસ નકવી મારફત નોંધાવેલી પોતાની પિટીશનમાં સેકન્ડ યર કોમર્સના વિદ્યાર્થી બિધાને જણાવ્યું છે કે મને નાનપણમાં જ ખબર પડી ગઇ હતી કે હું ખોટી જાતિમાં જન્મ્યો છું. એને છોકરીઓના કપડાં પહેરવાનું વધુ ગમતું હતું અને એનામાં બાયલાપણુ હતું. ગુવાહાટી જેવા રુઢિચુસ્ત શહેરમાં એનો પરિવાર એને કારણે ઘણો ક્ષોભ અનુભવતો પરંતુ બિધાન પોતે પુરુષના દેહમાંથી આઝાદ થવા ઇચ્છતો હતો.
'મારા કુટુંબને મારા લીધે શરમ આવતી હતી, તેઓ મને ગાળો આપતા અને મારતા પણ ખરા.' એમ બિધાન કહે છે.
આઠમાં ધોરણમાં હતો ત્યારે બિધાને ઇન્ટરનેટ મારફત જાણી લીધું કે તબીબી વિજ્ઞાાન મને સ્ત્રી બનવામાં મદદ કરી શકે છે. સ્કૂલનું શિક્ષણ પૂરુ થયા બાદ એણે સેક્સ ચેન્જ ઓપરેશન માટે નાણાં ભેગા કરવા નાની-મોટી નોકરીઓ કરવા માંડી.
આ વરસની બીજી માર્ચે એણે માલીગાંવ, ગુવાહાટીમાં પોતે સેક્સ પરિવર્તન માટે તૈયાર છે કે નહિ એ જાણવા સાઇકિઆટ્રીક ઇવેલ્યુએશન કરાવ્યું. એ ટેસ્ટનું પરિણામ પોઝિટીવ આવ્યું. ડૉક્ટરોએ એને મુંબઇની સૈફી હૉસ્પિટલમાં સર્જરી કરાવવા ભલામણ કરી, ૩૧ માર્ચે બિધાન ઘરેથી ભાગી મુંબઇ આવ્યો અને પોતાના પિતરાઇ સાથે રહેવા લાગ્યો. પરંતુ એના પિતા સુપ્તી રંજન બરુઆ એની પાછળ મુંબઇ આવ્યાં.
ઉત્તર રેલવેમાં રસોઇયાની નોકરી કરતા બરુઆએ બિધાનને ધમકી આપી હતી કે એ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવશે તો તેઓ એને અને એના ફ્લાઇટ લેફટનન્ટ બોયફ્રેન્ડ બંનેને મારી નાખશે. ઉપરાંત એમણે સૈફી હૉસ્પિટલમાં પણ જઇને સર્જરી ન કરવા જણાવ્યું હતું.
ત્રણ સંતાનોના પિતા બરુઆની પોતાની મુશ્કેલીઓ છે. 'મેં એને સર્જરી કરાવ્યા પહેલા ગ્રેજ્યુએશન પુરંુ કરવા જણાવ્યું હતું. એ ઘરે કાયમ ગેરવર્તન કરતો આવ્યો છે. મારા ઘરે દીકરો જન્મ્યો હોય અને વરસો પછી એ એમ કહે કે મારે સ્ત્રી બનવું છે તો શું એ શરમની વાત નથી?' એમ તેઓ કહે છે.
મુંબઇમાં બિધાનનું મનોવિશ્લેષણ કરનારા સાઇકિઆટ્રિસ્ટે જણાવ્યું હતું કે એના મા-બાપે સમજવું જોઇએ કે એને સેક્સ પરિવર્તન નહિ કરવા દેવાય તો એ આત્મહત્યા કરવા જેવું પગલું લઇ શકે છે. બીજી તરફ, સર્જરી કરનાર ડૉક્ટરે એમ કહ્યું હતું કે હું આ કેસમાં કોઇનો પક્ષ નહિ લઉ. આ બાબત કોર્ટને જ નિર્ણય લેવા દો. હું કોર્ટના ચુકાદાને અનુસરીશ.