નિવૃત્તિ પછીનું પૂના રહેણાંક જતું કરવા રાષ્ટ્રપતિ પાટિલનો નિર્ણય

 

- વિવાદ ઉપસ્થિત થતાં

 

- અન્ય કોઈ યોજના (નિવાસ અંગેની) સ્પષ્ટ કરી નથી

 

નવી દિલ્હી, તા. ૨૭

 

પોતાની નિવૃત્તિ પછીનાં નિવાસ માટે તેઓને પૂનામાં ફાળવવામાં આવેલા મકાન અંગે વ્યાપક વિવાદ ઉભો થતાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તે નિવાસસ્થાન જતું કરવા નિર્ણય કર્યો છે.

 

આ સંબંધે રાષ્ટ્રપતિ ભવન દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રશ્નને યુદ્ધ-વિધવાઓ સાથે સાંકળવામાં આવ્યો હોવાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિએ તેમનાં નિવૃત્તિ પછીનાં સૂચિત પૂનાનાં નિવાસસ્થાનને પડતું મુકવા નિર્ણય કર્યો છે.

 

આ નિવેદનમાં માત્ર તેટલું જ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ તેમનું નિવૃત્તિ પછીનું પૂનાનું નિવાસસ્થાન જતું કર્યું છે, પરંતુ તે સિવાય તેઓની અન્ય કોઈ યોજના (નિવાસ અંગેની) સ્પષ્ટ કરી નથી. પરંતુ, રાષ્ટ્રપતિ ભવનનાં સાધનોએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓનો આ નિર્ણય દર્શાવે છે કે, તેઓનાં મનમાં શું હતું?

 

આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓના પ્રશ્નો અંગે તેઓ હંમેશા ચિંતિત જ રહ્યાં છે. વિશેષતઃ યુદ્ધ-વિધવાઓનો પ્રશ્ન તો તેઓનાં મનમાં સતત ઘોળાતો હોય છે. તેઓ રાજસ્થાનનાં રાજ્યપાલપદે હતાં ત્યારે પણ તેઓ આ યુદ્ધ વિધવાઓ માટે સતત કાર્યરત રહેતાં હતાં અને ૧,૧૯૨ આવા મહિલાઓને પત્રો લખી તેમના પ્રશ્નો ઉકેલવા માટે સાંત્વન પણ આપ્યું હતું.

 

તેઓ રાજ્યપાલ હતા ત્યારે દરેક જિલ્લા કલેક્ટરોને પત્ર લખી તેઓએ આ યુદ્ધ વિધવાઓના પ્રશ્નો ઉકેલવા માટેના નિયમો પણ દર્શાવ્યા હતા. તેમનાં માર્ગદર્શન પ્રમાણે ડીરેક્ટર સૈનિક કલ્યાણ બોર્ડ, રાજસ્થાનનાં નેતૃત્વ નીચે એક રાજ્ય કક્ષાની સમિતિ પણ સ્થાપવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરોને સબ ડીવીઝનલ સ્તરે કેમ્પ યોજી યુદ્ધ વિધવાઓના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા પણ લખી જણાવ્યું હતું.