એર ઈન્ડિયાની પડતી માટે સરકાર જવાબદાર ઃ સંસદીય સમિતિ

 

- બે સંસદીય પેનલ દ્વારા કહેવામાં આવ્યું

 

- ૭ હજાર કરોડ ન વાપર્યા ને વધુ સહાય માગે છે!

 

નવી દિલ્હી, તા. ૨૭

 

સિદ્ધાંત વિહોણાં અને સ્થાપિત હિતો ધરાવતાં તત્ત્વોએ જ, એક સમયે રાષ્ટ્રનાં ગૌરવ સમાન ગણાતી રાષ્ટ્રીય વિમાન સેવા, એર ઇન્ડિયાના પ્રાણ ચૂસી લીધા છે, અને આ સ્થિતિ માટે સરકાર પોતે જ જવાબદાર છે. તેમ બે સંસદીય પેનલ દ્વારા સ્પષ્ટતઃ કહેવામાં આવ્યું છે. આ પૈકી, પાર્લામેન્ટરી કમિટી ઓન એસ્ટિમેટ્સે એર ઈન્ડિયાની નાણાંકીય મુશ્કેલીઓ માટે, સરકારને જ સીધી રીતે જવાબદાર ગણતાં સરકારને તેમ પણ જણાવ્યું છે કે હવે તેણે આ વિમાન સેવાની તેણે લીધેલી લોનનાં, વ્યાજની ચૂકવણી અને નવાં વિમાનો ખરીદવાની જવાબદારીમાંથી દૂર ખસવું જ ન જોઈએ. કારણ કે, તો જ આ વિમાનસેવા 'ઊડતી' રહી શકશે.

 

વરિષ્ઠ સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનાં નેતૃત્વ નીચેની સ્ટેન્ડિંગ કમિટી ઓન ટ્રાન્સપોર્ટ, ટૂરીઝમ અને કલ્ચર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૭-૧૨ની ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન એર-ઇન્ડિયાને, તેને ફાળવવામાં આવેલા રૃા. ૩૨,૭૩૦.૭૧ કરોડ પૈકી માત્ર રૃા. ૨૫,૬૦૩ કરોડ જ વાપર્યા હતા. પરિણામે, રૃા. ૭૧૨૧ કરોડ જેટલી રકમ તો વણવાપરી જ રહી હતી. આ ઘણી જ, ચિંતાજનક પરિસ્થિતિ છે. તેમ પણ આ સમિતિએ આજે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું. આ સમિતિના અધ્યક્ષ યેચુરીએ ડીમાન્ડ્સ ફોર ગ્રાન્ટસ ઑફ સિવિલ એવીએશન મિનિસ્ટ્રી સંદર્ભે કહ્યું હતું કે, આટલી રકમ વાપરી નથી છતાં હવે શા માટે તે સહાય માગે છે.

 

એર ઈંડિયાની આવી દયનીય સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં કમિટી ઑન એસ્ટિમેટસે તેના આજે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, સિદ્ધાંત વિહોણાં અને સ્થાપિત હિતો ધરાવતાં તત્વોએ જ રાષ્ટ્રનાં ગૌરવ સમાન આ વિમાન સેવાના પ્રાણ ચૂસી લીધા છે. જે માટે સરકારની નિષ્ઠુર ઉદાસીનતા જ જવાબદાર છે, તેમ પણ કોંગ્રેસના સાંસદ ફ્રાન્સિસ્કો સરદિન્હાનાં નેતૃત્વ નીચેની આ સમિતિએ જણાવ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે, એક સમયે, પીએસયુની 'શૉ-પીસ' ગણાતી આ વિમાન સેવા આટલી મોટી ખોટ કેમ કરી શકે, તે સમજાતું નથી.'' તેના આ અહેવાલમાં સ્ટેન્ડીંગ કમિટીએ, તેમ પણ કહ્યું હતું કે, એર-ઈન્ડિયાની વિલીનીકરણ (ઈન્ડિયન એરલાઈન્સ સાથેની) યોજના જ વિચારહીન હતી.