માઘુરી દીક્ષિત આગામી ફિલ્મમાં ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે

 

- બિપાશા બસુ મોહક લલના તરીકે દેખાશે

 

- હિટ ફિલ્મ ‘શૌકીન’ની રિમેક

 

 

મુંબઇ તા.૨૭

 

તાજેતરમાં બોલીવૂડમાં નારી પ્રધાન ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડની રોકડી કરવા માટે અલગ પેઢીની તેમજ અલગ ઇમેજ ધરાવતી બે અભિનેત્રીઓને બે જુદી જુદી ફિલ્મોમાં સાઇન કરવામાં આવી છે. ‘ગુલાબ ગેન્ગ’માં માઘુરી દીક્ષિત મહિલા ગેન્ગસ્ટરના પાત્રમાં જોવા મળશે જ્યારે બિપાશા બાસુ ૧૯૮૨ની બાસુ ચેટર્જીની હિટ ફિલ્મ ‘શૌકીન’ની રોહિત રોયની રિમેકમાં ખૂબસૂરત યુવતીની ભૂમિકા ભજવશે જે ત્રણ પ્રૌઢ પુરુષને તેની ટચલી આંગળી પર નચાવશે.

 

‘ગુલાબ ગેન્ગ’ની વાર્તા સૌમિક સેન અને અનુભવ સંિહાની છે. આ ફિલ્મની વાર્તા સામાજિક અન્યાય વિરુદ્ધ લડત ચલાવતી મહિલાઓની એક ગેન્ગની છે. આ ફિલ્મ દ્વારા સૌમિક સેન દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા વાસ્તવિક જીવન પર આધારિત છે. આ ફિલ્મ આવતે વર્ષે આઠમી માર્ચ (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) રોજ રિલિઝ કરવાની ફિલ્મસર્જકોની યોજના છે. નિર્માતા અનુભવ સંિહાએ જણાવ્યા પ્રમાણે ‘હા, અમે આ ફિલ્મમાં માઘુરી દીક્ષિતને મુખ્ય ભૂમિકામાં સાઇન કરી છે. ફિલ્મમાં તે ગુલાબની મુખ્ય ભૂમિકા ભજવશે. આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટંિગ શરૂ કરવાનો અમારો વિચાર છે. ‘રા-વન’ની રિલિઝ પછી હું મારી આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી કરવા માટે બનારસ ગયો હતો ત્યારે સૌમિક મારી પાસે આ વિચાર સાથે આવ્યો હતો અને મેં તરત જ તેને આગળ વધવાની સૂચના આપી હતી.’ જાણવા મળ્યા પ્રમાણે હમણા દિગ્દર્શક સેન મહિલા ગેન્ગના અન્ય સભ્યોની તલાશ કરી રહ્યા છે અને આ માટે તેઓ માહિ ગિલ અને શિલ્પા શુકલા જેવી અભિનેત્રીઓનો સંપર્ક કરી રહ્યા છે. આ ફિલ્મ ‘બનારસ મિડિયા વર્ક્સ’ બેનર હેઠળ બનશે. ‘શૌકીન’ની રિમેકની વાત છે તો, દિગ્દર્શક રોહિતે આ ફિલ્મ માટે ૠષિકપૂર, નસીરુદ્દીન શાહ અને બોમન ઇરાનીને પ્રૌઢ પ્રેમીઓના પાત્રો માટે સાઇન કરી લીધા છે. મૂળ ફિલ્મમાં આ પાત્રો અશોક કુમાર, ઉત્પલ દત્ત અને એ.કે. હંગલે ભજવ્યા હતા. અને તેમના આકર્ષણના કેન્દ્ર તરીકે તેમણે બિપાશા બાસુને સાઇન કરી છે.

 

રોહિતે જણાવ્યા પ્રમાણે તેમની આ ફિલ્મ ૧૯૮૨ની હિટ ફિલ્મ ‘શૌકીન’ની બેઠી નકલ નથી’ આ ફિલ્મના રિલિઝ થયે ૩૦ વર્ષ થઇ ગયા છે. સમય અનુસાર અમારે પણ ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવા પડ્યા છે. મારી ફિલ્મના ૬૦ વર્ષના ત્રણ પુરુષો મૂળ ફિલ્મની જેમ આ છોકરીને પામવાની લાલસા રાખશે નહીં.’ એમ રોહિતે ઉમેર્યું હતું.

 

‘મારી ફિલ્મ ‘ઝંિદગી ના મિલેંગી દોબારા’ અને ૧૯૮૨ની ‘શૌકીન’નું મિશ્રણ હશે. આ ત્રણે પુરુષોને દર પાંચ વર્ષે એક પ્રવાસ ખેડવાનો નિયમ છે. અને આ તેમનો છેલ્લો પ્રવાસ હશે.’ એમ રોહિતે ઉમેર્યું હતું.