Last Update : 27-April-2012, Friday

 

બોફોર્સ કૌભાંડમાં આખરી સત્ય ક્યારેય બહાર આવશે ખરું?

બોફોર્સ કૌભાંડ કરતાં વધુ મોટું કૌભાંડ આ પ્રકરણમાં સત્ય ક્યારેય બહાર ન આવે એ માટે આચરવામાં આવ્યું હતું

બોફોર્સ કૌભાંડ પહેલી વખત ઈ.સ. ૧૯૮૭ની ૧૬મી એપ્રિલે બહાર આવ્યું હતું. આ ઘટનાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી થતી હોય તેમ સ્વીડનના ભૂતપૂર્વ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે એક મુલાકાતમાં કહ્યું છે કે આ કૌભાંડમાં ઈટાલિયન બિઝનેસમેન ઓક્ટોવિયો ક્વોટ્રોકીની સંડોવણી ઉપર ઢાંકપિછોડો કરવા તેમની ઉપર ભારતના ટોચના નેતાનું દબાણ હતું. સ્ટેન લિન્ડસ્ટોર્મે બીજી ચોંકાવનારી વાત એ કરી હતી કે આ કૌભાંડમાં ફિલ્મસ્ટાર અને સ્વ. રાજીવ ગાંધીના નજીકના મિત્ર અમિતાભ બચ્ચનની સંડોવણીના કોઈ પુરાવા નહોતા તો પણ ભારતની તપાસ સંસ્થા સીબીઆઈએ અમિતાભની સંવોડણીની વાત ઉડાવી હતી. સ્વીડીશ પોલીસના ભૂતપૂર્વ વડાના આ રહસ્યસ્ફોટથી અમિતાભ બચ્ચનને ભારે રાહત થઈ છે, પણ એક નવો સવાલ પેદા થયો છે કે સીબીઆઈ દ્વારા અમિતાભ બચ્ચનની વગોવણી કોના કહેવાથી કરવામાં આવી હતી? બીજો સવાલ એ પેદા થાય છે કે ઓક્ટોવિયો ક્વોટ્રોકીનું નામ છાવરવા માટે કોનું દબાણ હતું? બોફોર્સ કૌભાંડ માત્ર ૬૪ કરોડ રૃપિયાનું હતું. તેની સરખામણીએ ૨-જી કૌભાંડ ૧.૭૬ લાખ કરોડનું છે. તેમ છતાં ભારતના રાજકારણમાં આ કૌભાંડ ૨૫ વર્ષ પછી પણ ઉથલપાથલ મચાવતું રહે છે. આ કૌભાંડમાં આખરી સત્ય બહાર આવે એવી શક્યતા બહુ પાંખી છે.
ઈ.સ. ૧૯૮૭ની ૧૬મી એપ્રિલે સ્વીડનના રેડિયોએ ધમાકો કર્યો કે બોફોર્સના સોદામાં ૬૪ કરોડ રૃપિયાની લાંચ ચૂકવવામાં આવી છે ત્યારે સ્વ. રાજીવ ગાંધીની સરકાર હચમચી ગઈ હતી. આ સોદામાં ભારતના રાજકારણીઓને અને વચેટિયાઓને લાંચ ચૂકવવા માટે મિડલમેન તરીકે ઈટાલિયન બિઝનેસમેન ઓક્ટોવિયો ક્વોટ્રોકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સ્વ. રાજીવ ગાંધીના પરિવારનો અંગત મિત્ર હતો. બોફોર્સ કૌભાંડમાં જો ક્વોટ્રોકીની સંડોવણી પુરવાર થાય તો સ્વાભાવિક રીતે જ શંકાની સોય સ્વ. રાજીવ ગાંધી તરફ આવતી હતી. તેને અટકાવવા માટે ભારતના રાજકારણમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું કવર-અપ ઓપરેશન ચાલુ થયું હતું. આ ઓપરેશન બોફોર્સના મૂળભૂત કૌભાંડ કરતાં પણ મોટું હતું. આ કૌભાંડમાં સીબીઆઈ ઉપરાંત આઈબી અને રૉ જેવી સંસ્થાઓનો પણ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બોફોર્સનું કૌભાંડ બહાર આવ્યું તે પછી સીબીઆઈ જેવી ભારતની મુખ્ય તપાસ એજન્સી ઉપર આ કૌભાંડમાં સત્ય શોધવા બાબતમાં ભારે દબાણ હતું. સીબીઆઈના અધિકારીઓ તપાસ કરવાના બહાને યુરોપના અનેક દેશોમાં ફરી વળ્યા હતા, પણ તેમનો ઈરાદો પુરાવાઓ શોધવાને બદલે પુરાવાઓ બહાર ન આવે તેની ગોઠવણ કરવાનો હતો. બોફોર્સના કેસમાં સત્ય બહાર ન આવે એ માટે તપાસકર્તા સંસ્થાઓ દ્વારા જે કોઈ વ્યાયામ કરવામાં આવ્યો હતો તેની પ્રેરણા તત્કાલીન વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી દ્વારા જ આપવામાં આવતી હતી.
આ કારણે સ્વ. રાજીવ ગાંધીની નજીક રહેલા લોકોને પણ શક જવા લાગ્યો હતો કે આ કૌભાંડમાં રાજીવ ગાંધી પણ સંડોવાયેલા છે.
બોફોર્સ કૌભાંડને કારણે ઈ.સ. ૧૯૮૯ની ચૂંટણીઓમાં સ્વ. રાજીવ ગાંધીએ સત્તા ગુમાવી હતી અને તેમના સ્થાને વિશ્વનાથ પ્રતાપસિંહ ભારતના વડાપ્રધાન બન્યા હતા. સ્વ. રાજીવ ગાંધીએ બોફોર્સ કેસમાં સત્યનું મોંઢું ઢાંકવા જેમ જાસૂસી સંસ્થાઓનો દુરુપયોગ કર્યો હતો તેમ તેમના સ્થાને વડા પ્રધાન બનેલા વી.પી. સિંહે આ કૌભાંડમાં રાજીવ ગાંધીની સંડોવણી પુરવાર કરવા જાસૂસી સંસ્થાઓનો દુરુપયોગ કર્યો હતો. વી.પી. સિંહના કેબિનેટ સેક્રેટરી ભૂરે લાલના કહેવાથી રૉએ સ્વ. રાજીવ ગાંધીના પરિવારના નાણાંકીય વ્યવહારોની તપાસ કરવા માટે યુરોપની એક ખાનગી ડિટેક્ટિવ કંપનીની સેવાઓ લીધી હતી. આ ડિટેક્ટિવ દ્વારા જે કોઈ હકીકતો શોધી કાઢવામાં આવી એ કેટલાક ચોક્કસ પત્રકારોને આપીને સ્વ. રાજીવ ગાંધીની છાપને ખરડવાની કોશિષો કરવામાં આવી હતી. એ વખતે સ્વ. રાજીવ ગાંધી વિપક્ષના નેતા હતા. જો અમેરિકામાં વિપક્ષના નેતાની અંગત જિંદગી બાબતમાં તપાસ કરવા માટે સરકારી ગુપ્તચર સંસ્થાનો ઉપયોગ કવામાં આવ્યો હોત તો ભારે હોબાળો મચી ગયો હતો. વી.પી. સિંહના તમામ પ્રયાસો છતાં બોફોર્સના મામલામાં સત્ય બહાર આણવામાં તેમને સફળતા મળી નહોતી.
બોફોર્સના મામલામાં આપણે જે કોઈ હકીકતો જાણીએ છીએ તેમાં 'હિન્દુ' અખબારની ચિત્રા સુબ્રમણ્યમ નામની પત્રકારનો ફાળો બહુ મોટો છે. ઈ.સ. ૧૯૮૭માં જ્યારે બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું ત્યારે ચિત્રા સુબ્રમણ્યમ જીનિવાની ઓફિસ સંભાળતી હતી. ચિત્રા સુબ્રમણ્યમે બોફોર્સ પ્રકરણમાં સ્વીડીશ સરકારના જે કોઈ ગુપ્ત દસ્તાવેજો બહાર પાડયા તે આપનાર સ્વીડનના પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મ હતા એવું હવે આપણને જણાવવામાં આવ્યું છે. બોફોર્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પ્રજાના ભારે દબાણને વશ થઈને સરકારને ઈ.સ. ૧૯૮૭ના ઓગસ્ટ મહિનામાં સંયુક્ત સંસદીય સમિતિનું ગઠન કરવું પડયું હતું, જેનો હેવાલ બે વર્ષ પછી બહાર આવ્યો હતો.
બોફોર્સનું કૌભાંડ ઈ.સ. ૧૯૮૭માં બહાર આવ્યું તો પણ સીબીઆઈએ આ કેસમાં ઈ.સ. ૧૯૯૦ સુધી એફઆઈઆર પણ ફાઈલ કરી નહોતી. તેનું કારણ એ હતું કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમણે સીબીઆઈને કેસ રજીસ્ટર કરવાનો આદેશ જ આપ્યો હતો.
બોફોર્સનું કૌભાંડ ઈ.સ. ૧૯૮૭માં બહાર આવ્યું તો પણ સીબીઆઈએ આ કેસમાં ઈ.સ. ૧૯૯૦ સુધી એફઆઈઆર પણ ફાઈલ કરી નહોતી. તેનું કારણ એ હતું કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમણે સીબીઆઈને કેસ રજીસ્ટર કરવાનો આદેશ જ આપ્યો નહોતો. ઈ.સ. ૧૯૮૯ના નવેમ્બરમાં લોકસભાની ચૂંટણીઓ થઈ તેમાં રાજીવ ગાંધીની કોંગ્રેસની હાર થઈ અને ડિસેમ્બરમાં વી.પી. સિંહની સરકાર બની તેને પગલે તેમના આદેશના કારણે સીબીઆઈએ છેક ઈ.સ. ૧૯૯૦ના જાન્યુઆરીમાં એફઆઈઆર ફાઈલ કરી હતી. આ પછી ઈ.સ. ૧૯૯૧ની ૨૧મી મેના રાજીવ ગાંધીની હત્યા થઈ તેને પગલે આ કેસમાં સીબીઆઈની તપાસ ધીમી પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ બધો સમય ક્વોટ્રોકી ભારતમાં જ હતો. ઈ.સ. ૧૯૯૧માં કેન્દ્રમાં ફરીથી કોંગ્રેસની સરકાર આવી હતી, જેના વડા પ્રધાન નરસિંહ રાવ બન્યા હતા. નરસિંહ રાવે આ બાબતમાં ઢીલાશ દાખવી તેના પગલે ક્વોટ્રોકી ઈ.સ. ૧૯૯૩ના જુલાઈ મહિનામાં ભારતમાં છટકી ગયો હતો.
સીબીઆઈની વર્ષોની મહેનતના અંતે સ્વીસ સત્તાવાળાઓ દ્વારા ઈ.સ. ૧૯૯૭માં સ્વીસ બેન્કનાં ગુપ્ત ખાતાંઓની વિગતો આપવામાં આવી હતી, જેમાં બોફોર્સ કૌભાંડની કટકી જમા થઈ હોવાનું માનવામાં આવતું હતું. સીબીઆઈએ ઈ.સ. ૧૯૯૭ના અંતમાં બોફોર્સ કેસમાં જે ચાર્જશીટ ફાઈલ કરી તેમાં સ્વ. રાજીવ ગાંધી ઉપરાંત ઓક્ટોવિયો ક્વોટ્રોકી, બોફોર્સ કંપનીના ભૂતપૂર્વ વડા માર્ટિન આર્ડબો, બોફોર્સના ભારતના એજન્ટ વિન ચડ્ઢા, તત્કાલીન સંરક્ષણ સચિવ એસ.કે. ભટનાગર વગેરેનાં નામો હતાં.
બોફોર્સ કેસમાં જ્યારે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી ત્યારે ક્વોટ્રોકી મલેશિયામાં રહેતો હતો. ભારતના સત્તાવાળાઓ દ્વારા ક્વોટ્રોકીની ધરપકડ કરી તેને ભારત મોકલવા માટે મલેશિયાની સરકાર ઉપર પત્ર લખવામાં આવ્યો હતો.
આ પત્રના અનુસંધાનમાં ઈ.સ. ૨૦૦૦ના અંતમાં મલેશિયામાં ક્વોટ્રોકીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ વખતે ભારતમાં એનડીએની સરકાર સત્તા ઉપર હતી અને અટલબિહારી વાજપેયી તેના વડાપ્રધાન બન્યા હતા. વાજપેયીની સરકાર પણ કોઈ ભેદી કારણોસર બોફોર્સ કેસમાં ધીમી ગતિએ આગળ ધપવાનું નક્કી કર્યું હતું. આ કારણે મલેશિયામાં ક્વોટ્રોકીને જામીન મળી ગયા હતા. કેન્દ્ર સરકારે તેને ભારતમાં લાવવા માટે બહુ મહેનત કરી નહોતી.
ઈ.સ. ૨૦૦૧માં બોફોર્સ કૌભાંડના આરોપીઓ વિન ચડ્ઢા અને ભટનાગરનાં મૃત્યુ થયાં હતાં. ઈ.સ. ૨૦૦૪માં દિલ્હીની હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ કેસમાં સ્વ. રાજીવ ગાંધીની સંડોવણીના કોઈ પુરાવા નથી.
હવે આ કેસમાં આરોપી ક્વોટ્રોકી જ રહ્યો હતો. સીબીઆઈની વિનંતીના પગલે ક્વોટ્રોકીની ધરપકડ કરવા માટે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
આ નોટિસ મુજબ આર્જેન્ટિનાની પોલીસે ઈ.સ. ૨૦૦૭માં ક્વોટ્રોકીની ધરપકડ કરી હતી ત્યારે તેને ભારતમાં લાવીને કામ ચલાવવાની સુવર્ણ તક હતી, પણ યુપીએની સરકારને ક્વોટ્રોકીને ભારત આણવામાં રસ ન હોવાથી જરૃરી દસ્તાવેજો આર્જેન્ટિનાની સરકારને સુપરત ન કર્યા એટલે તે ફરીથી છટકી ગયો હતો. ઈ.સ. ૨૦૧૧ના માર્ચમાં સીબીઆઈએ ક્વોટ્રોકી સામેના બધા આરોપો પડતા મૂક્યા હતા અને તેને નિર્દોષ છોડી દીધો હતો.
આજની તારીખમાં ક્વોટ્રોકી સામે ભારતની અદાલતમાં કોઈ કેસ નથી અને તે ઇજ્જતભેર ભારત પાછો આવી શકે છે.
બોફોર્સ કેસમાં અત્યાર સુધીની સીબીઆઈની મહેનતના અંતે આપણા હાથમાં એટલું સત્ય બહાર આવ્યું છે કે સ્વીડીશ કંપની દ્વારા ૬૪ કરોડ રૃપિયાની લાંચ આપવામાં આવી હતી, પણ આ લાંચ કોને મળી હતી એ આપણને ખબર નથી. સ્વીડનના ભૂતપૂર્વ પોલીસ વડાના ઘટસ્ફોટથી આપણને એટલો જ ખ્યાલ આવે છે કે આ લાંચ જેમને પણ મળી હોય તેમની ઓળખને છૂપાવવા સ્વ. રાજીવ ગાંધીએ ભારે મહેનત કરી હતી. આ ઓળખને છૂપાવવા પાછળ તેમનો શો ઈરાદો હતો તેની જાણ કદાચ ભારતની પ્રજાને ક્યારેય થશે નહીં.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved