બાળલગ્નમાં પોલીસ ત્રાટકતાં જાન 'લીલાતોરણે' પાછી ફરી

 

અમદાવાદ, ગુરૃવાર

 

જાન 'લીલાતોરણે' પાછી ફરવાની ઘટના ભાગ્યે જ બનતી હોય છે. પણ, અમદાવાદના વાસણા વિસ્તારમાં બાળલગ્ન થતાં હોવાના કારણે માંડવે પહોંચેલી જાન સુરત પાછી ફરી હતી. સમાજના રિવાજ મુજબ યોજાયેલાં લગ્ન ગેરકાયદે હોવાનું પોલીસ સાથે પહોંચેલા સમાજ સુરક્ષા અધિકારીએ સમજાવતાં લગ્ન મોકૂફ રખાયા હતા.વાસણાના વણઝારા વાસના એક પરિવારના આંગણે લગ્નનો માહોલ હતો. સુરતથી અંદાજે ૧૫૦ જેટલા જાનૈયાઓ સાથે જાન આવી હતી. લગ્નમાંગલ્યની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યાં વેજલપુર પોલીસ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા.સમાજ સુરક્ષા અધિકારીને મળેલી માહિતી ખરી નીકળી હતી કે, કન્યાની ઉંમર ૧૬ વર્ષ અને વરરાજાની ઉંમર ૧૭ વર્ષ હતી. પહેલાં તો સમાજના રીતરિવાજ અને પરંપરા મુજબ લગ્ન યોજાયાની દલીલ કરવામાં આવી હતી. પરંતુ, સમાજ સુરક્ષા અધિકારી વી.ડી. પરમારે સમજ આપી હતી કે- કાયદાકીય રીતે લગ્ન ખોટા છે.

 

૧૮ વર્ષથી ઓછી વયની પુત્રી કે ૨૧ વર્ષથી ઓછી વયના પુત્રના લગ્ન કરવાએ બાળલગ્ન ગણાય અને ગૂનો બને છે. વર-કન્યા બન્ને પક્ષના લોકોએ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કરતાં સુરતથી આવેલી જાન પરત ફરી હતી.