મલ્લિકા શેરાવતના આઈટમ ગીત અંગે ચાલતા વિવાદનો અંત

 

મુંબઈ,તા.૨૬

 

'તેઝ'ફિલ્મના મલ્લિકા શેરાવતના એક આઈટમ ગીત માટે દિગ્દર્શક પ્રિયદર્શન અને નિર્માતા રતન જૈન વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો હોવાનું અને પ્રિયદર્શને પાછી પાની કરી હોવાનું લાગે છે. આ આઈટમ ગીત સમીરા રેડ્ડી પાસે કરાવવાનો પ્રિયદર્શનનો આગ્રહ હતો. પરંતુ તેમની મંજુરી તેમજ હાજરી વિના આ ગીત મલ્લિકા શેરાવત સાથે શૂટ કરીને તેને ફિલ્મમાં સમાવવા બદલ પ્રિયદર્શન ગુસ્સે ભરાયા હતા. 'તેઝ'માં આ ગીતની જરૃર નહોવાનું માનતા પ્રિયદર્શને આ મુદ્દાના માટે સોમવારે નિર્માતા જૈન સાથે એક મીટિંગ યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું વાતચીત થઈ એ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ, આ ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'તેમની મરજીની વિરુદ્ધ આ ગીતનું શૂટિંગ કરાયું હોવાથી પ્રિયન જૈન પર ઘણા નારાજ હતા અને તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી.

 

તેમજ ડબિંગ, એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવી જવાબદારી તેમણે નિર્માતા પર છોડી દીધી હતી. તેઓ વાઈમાં 'કમાલ ધમાલ વીકલી'ના શૂટિંગ માટે જતા રહ્યા હતા. આ કારણે, 'તેઝ'નાં પોસ્ટ પ્રોડક્શનની જવાબદારી વીનસ ફિલ્મ્સે સંભાળી હતી અને આમા તેમને ઘણી મહેનત કરવી પડી હતી. તેમજ ફિલ્મનું બજેટ પણ વધી ગયું હતું.'

 

સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, આ પરિસ્થિતિમાં માત્ર પ્રમોશન માટે શૂટ થયેલા આ ગીતને છેલ્લી ઘડીએ ફિલ્મમાં સમાવવા સિવાય રતન જૈન પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

 

એક નિર્માતા અને બિઝનેસમેન તરીકે શું વેચાય છે એ પોતે જાણે છે. એમ અગાઉ રતન જૈને કહ્યું હતું. આ સમયે તેમણે જણાવ્યા પ્રમાણે, 'આ ગીતનું શૂટિંગ પ્રિયનની મંજુરીથી થયું હતું. હું તેમને મળવા વાઈ ગયો હતો અને આ ગીત માટે તેમને કોઈ વાંધો નહોતો. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન કામ વખતે પણ તેઓ હાજર હતા. તેમની સાથે મારે સારા સંબંધ છે. હમણા તેઓ જુદા-જુદા શહેરોમાં આ ફિલ્મનું પ્રમોશન કરે છે.'

 

આઈટમ ગીત બાબતે તેમની વચ્ચે કોઈ મતભેદ થયો નહોતો અને પ્રિયનનો તેમને સંપૂર્ણ ટેકો છે. એમ કહી જૈને મલ્લિકા શેરાવતનું ગીત ફિલ્મમાં સામેલ થયું હોવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી.