મ્યુનિ.સિટી બસના ભાજપના જ કોન્ટ્રાક્ટરો છતાં ૭૦ ડ્રાઇવરોની હડતાળ

 

અમદાવાદ, ગુરૃવાર

 

એએમટીએસનું અંધેર તંત્ર માત્ર હિસાબી ગોટાળા જ નથી કરતું વારંવાર હડતાળ પાડીને અમદાવાદના પ્રજાજનોને હાલાકીમાં પણ મુકી દે છે. હજુ ફેબુ્રઆરીની બે દિવસની હડતાળની બાબત તાજી જ છે ત્યાં બે મહિનામાં જ આજે એક ખાનગી કોન્ટ્રાક્ટરના ૭૦ બસના ડ્રાયવરો અગાઉ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પગાર વધારાની માગણી આગળ ધરીને હડતાળ પર ઉતરી જતાં વેકેશન અને લગ્ન ગાળાની સિઝનમાં પ્રવાસીઓ ભારે હેરના પરેશાન થઈ ગયા હતાં.

 

ભાજપને ખોબેને ખોબે મત આપી ચૂંટી કાઢનાર પ્રજાજનો બે જ મહિનાના ગાળામાં બીજી વખત બાનમાં ઃ મોડી રાતે વાટાઘાટો

 

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આશ્ચર્ય અને આઘાતની બાબત તો એ છે કે, ભાજપના જ કોર્પોરેટરના નામે સાથે સંકળાયેલા આદિનાથ બલ્ક કેરિયના ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં મેમનગર ડેપોમાંથી જ ૬૫ બસો સવારે ૫ વાગ્યાથી શરૃ થતી શિફટમાં ઉપડી ના હતી. પાંચ બસો ચાલુ હતી તે પણ ગણતરીના કલાકમાં હડતાળમાં જોડાઈ ગઈ હતી. સવારના પીકઅવર્સમાં જ બસો ઓછી દોડતા રોજ આવ-જા કરતાં સામાન્ય વર્ગના નોકરિયાતો અને કારીગરો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. સિટી બસ આવશ્યક સેવા ધારો-એસ્મા હેઠળ હોવા છતાં કર્મચારીઓ હિંમતપૂર્વક અવારનવાર પ્રવાસીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે, તે બાબત વહિવટદારોની નબળાઈને છતી કરે છે.

 

આજે જે બસોના રૃટોને અસર થઈ તેમાં રૃટ નંબર ૫૧-થલતેજ, ૧૦૫-નરોડા, ૩૪/૪ બુટભવાની, ૩૫-મટોડિયા પાટિયા, ૭૧/૧ ઓગણજનો સમાવેશ થાય છે. જોકે નીચેના અધિકારીઓએ બસના રૃટની બસો કાપીને આ લાંબા રૃટમાં ગોઠવવાનું શરૃ કરી દીધું હતું. આવતી કાલ શુક્રવારે હડતાળ ચાલુ રહેશે તેમ અધિકારીઓ જણાવે છે. ઉપરાંત લાલદરવાજા જેવા મોટા બસસ્ટેન્ડમાં કોઈ કાંકરી ચાળો ના કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ માગી લેવામાં આવ્યો છે. જોકે સત્તાવાળાઓ આશા સેવે છે કે મોડી રાતે વાટાઘાટો થાય તો કાલે હડતાળ સંકેલાય પણ જાય. દરમ્યાનમાં ખાનગી બસના ઓપરેટરને ટેન્ડરની શરતના ભંગ બદલ નોટિસ ફટકારવા સાથે પેનલ્ટી વસુલવાનું પણ નક્કી થયું છે.

 

એએમટીએસની રોજ ૧૦૦ થી ૧૫૦ બસો ડ્રાયવરના અભાવે તેમજ વર્કશોપની ધીમી ગતિના કારણે ધૂળ ખાતી પડી રહે છે, ત્યાં આજે એક સાથે ખાનગી ઓપરેટરની ૭૦ બસો નહીં ઉપડતા દુષ્કાળમાં અધીક મહિના જેવી સ્થિતિ સર્જાઈ છે. સિટી બસની સ્થિતિ સુધાર્યા વગર ટ્રાફિકજામની સ્થિતિ હળવી થઈ શકે તે સત્ય સત્તાવાળાઓ સમજતા હોવા છતાં તેમનું ધ્યાન માત્ર બીઆરટીએસમાં જ કેન્દ્રીત થયેલું હોવાથી એએમટીએસની સ્થિતિ અણમાનીતી સેવા જેવી છે. જે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપને સત્તાના સૂત્રો સોંપ્યાને પક્ષના જ કોન્ટ્રાક્ટર પ્રજાને બાનમાં લે, તેને સમયની બલિહારી જ કહેવી રહી.