ક્રિકેટર સચિન, અભિનેત્રી રેખાની રાજ્યસભાના સભ્ય તરીકે ભલામણ

 

- થર્મેક્સનાં પૂર્વ ચેર પર્સન અનુ આગાને પણ નોમિનેશન

 

- રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આ નામોને મંજૂરી આપી

 

નવી દિલ્હી, તા. ૨૬

 

રાજ્ય સભાના સભ્યપદ માટે સરકારે જાહેર કરેલાં ત્રણ નામોમાં ક્રિકેટર સચિન તેંડૂલકર, વીતેલા વર્ષોની અભિનેત્રી રેખા અને થર્મેક્સ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ ચેરપરસન અનુઆગા સામેલ છે. બંધારણના આર્ટિકલ ૮૦ હેઠળ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આ નામોને મંજૂરી આપી છે.

 

ક્રિકેટની રમતમાં દેશને અનેક સિદ્ધિઓ ૩૯ વર્ષિય સચિન તેંડૂલકરે અપાવી છે ત્યારે ૮૦ના દાયકાની ટોચની અભિનેત્રી ૫૭ વર્ષિય રેખાએ હિન્દી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યાં છે અને તેની કારકિર્દી દરમિયાન કેટલાંક પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યાં છે.

 

થર્મેક્સ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ ચેરપરસન, સામાજિક કાર્યકર અને હાલ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની નેશનલ એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય ૭૦ વર્ષના આગાને રાજ્ય સભાના સભ્યપદ માટે નોમિનેટ કરાયાં છે. તેઓ ફોર્બ્સની ધનિક ભારતીયોની યાદીમાં પણ સમાવાયેલા છે.

 

બંધારણના આર્ટિકલ ૮૦ની જોગવાઈઓ હેઠળ રાષ્ટ્રપતિને ૨૫૦ સભ્યોના ઉપલા ગૃહમાં ૧૨ સભ્યોને નોમિનેટ કરવાની છૂટ છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જોગવાઈઓ મુજબ નામોને મંજૂરી આપી છે.

 

એન્ટિ-ડિફેક્શન લો અથવા પક્ષપલ્ટા વિરોધી ધારા હેઠળ ગૃહમાં જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવું હોય તો તેની જાહેરાત કરવા માટે નોમિનેટેડ મેમ્બરને છ મહિનાનો સમય અપાય છે.

 

ક્રિકેટમાં યોગદાન બદલ સચિનને ભારત રત્નથી નવાજવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે ત્યારે તેને રાજ્ય સભાના સભ્યપદે નોમિનેટ કરાતાં સહુને આશ્ચર્ય થયું છે.

 

બંધારણના આર્ટિકલ ૮૦ હેઠળ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની નોમિનેશનને મંજૂરી