કરોડોને લાભદાયી નિર્ણય, PFના વ્યાજદરમાં 8.6% વધારો

 

- આ નાણા 'સ્પેશ્યલ ડીપોઝીટ સ્કીમ'માં રોકવામાં આવે છે

 

- ચાલુ વર્ષે અમલ

 

નવી દિલ્હી, તા. ૨૬

 

'એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ' પરના વ્યાજદરમાં ચાલુ વર્ષે વધારો કરીને ૮.૬ ટકા કરવામાં આવશે. આ નિર્ણયથી પાંચ કરોડ લોકોને ફાયદો પહોંચશે. આ સંદર્ભે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા શ્રમમંત્રી મલ્લીકાર્જુન ખારગેએ જણાવ્યું હતું કે, 'વ્યાજના દર ઓછી આવકના અનુસંદાને નીચા કરવામાં આવ્યા હતા. હવે લઘુત્તમ કે મહત્તમનો સવાલ જ નથી. તેને અમે અમારી મહેસુલી આવક તરીકે વિતરીત કરીએ છીએ જે ચાલુ વર્ષે ૮.૬ ટકા ચુકવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાણા 'સ્પેશ્યલ ડીપોઝીટ સ્કીમ'માં રોકવામાં આવે છે.

 

વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન ઈ.પી.એફ.ના વ્યાજના દર ૯.૫ ટકા હતા જે એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ઘટાડીને ૮.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. જે ફરીથી વધારીને ૮.૬ ટકા કરાયા છે. કર્મચારીના નાણાનો વહિવટ કરતી સંસ્થા ઈ.પી.એફ.ઓ. બિન સરકારી પ્રોવિડન્ટ ફંડ અને અન્ય આવા ફંડોનું રોકાણ સરકારની ખાસ રોકાણ યોજનામાં નાણા રોકે છે જેથી નાણાની સલામતિ સાથે સારૃં વળતર પણ મળી શકે. ખારગેએ ઉમેર્યું હતું કે ઈ.પી.એફ. પર ચુકવાતું વ્યાજ આવક પર આધારીત છે. આ નાણા મજુરોના હોવાથી તેમાંથી કોઇ ફાયદો મેળવવાનો સરકારનો અભિગમ ક્યારેય હોતો નથી. તેની આવકનો દરેક પૈસો તેના ધારકોના કલ્યાણ માટે વપરાય છે. જો વ્યાજનો દર ઓછો હોય તો પણ નાણાને સલામત જગયાએ જ (કસ્ટડી) રાખવામાં આવે છે. ગત સમય ગાળા દરમ્યાન નાણા મંત્રાલયની સુચના અનુસાર વ્યાજના દર નીચા રાખવામાં આવ્યા હતા. એક વર્ષ પૂર્વેના ગાળા દરમ્યાન ૯.૫ ટકા વ્યાજદર આપવો શક્ય ન હોવાથી ઘટાડવામાં આવ્યો હતો. તેમની સરકાર મજુરોના ભલા માટે કાર્ય કરી રહી હોવાનું ઉમેરતા તેમણે વ્યવસાયની સલામતિ, અન્ન અને દવાની સુવિધા સહિતના લાભોની વિગત આપી હતી.