જોન અબ્રાહમ પ્રિયા રૂંચાલ સાથે રજિસ્ટર મેરેજ કરવા તૈયાર

 

- લોસ એન્જલસમાં લગ્ન કર્યા હોવાની અફવા પર પૂર્ણવિરામ

 

- ગયે વર્ષે જહોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

 

મુંબઈ,તા.૨૬

 

નસીબ આડેનું પાંદડું ખસી જાય પછી પ્રોફેશનલ તેમજ અંગત જીવનની બધી જ તકલીફો આપોઆપ દૂર થઈ જાય છે. જ્હોન અબ્રાહમ પણ હમણાં આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ગયે વર્ષે અંગત અને પ્રોફેશનલ જીવનમાં જહોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંગત જીવનમાં બિપાશા બાસુ સાથેના અંદાજે ૧૦ વર્ષના પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો તેમજ તેની કારકિર્દીનો પણ નબળો તબક્કો ચાલી રહ્યો હતો.

 

જો કે આ વર્ષ જહોન માટે શુભ સાબિત થયું છે. તેની પ્રેમિકા પ્રિયા રૂંચાલ સાથેનો તેનો સંબંધ લગ્નના માંડવા તરફ આગળ વધી રહ્યો છે. તેમજ નિર્માતા તરીકેની તેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ને સમીક્ષકો તેમજ દર્શકો તરફતી ઘણી પ્રશંસા મળી છે. ‘પ્રિયા અને મેં આ વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું છે,’ એમ જ્હોને કહ્યું હતું. પ્રિયા સાથે તેની મુલાકાત ગયા વર્ષના એપ્રિલ મહિનામાં થઈ હતી. પ્રથમ મુલાકાતના બે મહિનાની અંદર જ તેને સમજાઈ ગયું હતું કે, પ્રિયા જ તેની આદર્શ જીવન-સંગિની બની શકે એમ છે અને તેણે તેની સાથે જ પોતાનું જીવન પસાર કરવાનું છે. કેટલાક મહિનાઓ પૂર્વે લોસ એન્જલસ ખાતે પ્રિયા સાથે લગ્ન કર્યાં હોવાની અફવા પર ઠંડુ પાણી રેડી દેતાં જ્હોને કહ્યું હતું કે, ‘આ વાત સાચી હોય તો મારે એને છૂપાવવાની શું જરૂર છે?’ બિપાશા સાથેનો સંબંધ ચાલુ હતો ત્યારે જ પ્રિયા સાથે તેણે ફરવાનું શરૂ કર્યું હોવાની અફવા બદલ સ્પષ્ટતા કર્તા જ્હોને કહ્યું હતું કે, ‘હું અમારા બંનેના એક મિત્ર દ્વારા પ્રિયાને મળ્યો હતો. પ્રથમ મુલાકાતે જ અમને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું હતું. હું તેની સાથે બધા જ વિષય પર વાતચીત કરી શકું છું. અમારા સંબંધમાં પ્રમાણિકતા છે. અમે એકબીજાને બઘુ જ
કહી શકીએ છીએ. મને લાગે છે કે એક સ્વસ્થ સંબંધમાં આ જ વાત મહત્ત્વની છે.’ બંને અલગ-અલગ ક્ષેત્રના હોવા છતાં તેમના વિચારો એક જ છે. આ બંને સાદાઈથી લગ્ન કરવા માગે છે. ‘આ વર્ષે લગ્ન કરવા બાબતે અમે સ્પષ્ટ છીએ પણ, અમે હજુ સુધી તારીખ નક્કી કરી નથી. હું ઘણો લાગણીશીલ છું. મનમાં આવે તો આવતે સપ્તાહે પણ લગ્ન કરી લઉં. અમારા લગ્નમાં માત્ર અમે બંને અથવા તો અમારા નજીકના પરિવારના સભ્યો હશે. અમારે રજિસ્ટર્ડ લગ્ન કરવા છે,’ એમ જ્હોને કહ્યું હતું. તાજેતરમાં પ્રિયા લંડનમાં છે. તેને કેટલાક કોર્સ કરવા છે અને તે ત્યાં આની તપાસ માટે ગઈ છે. આ કોર્સ શરૂ કરશે તો બે વર્ષ સુધી તેણે લંડનમાં રહેવું પડશે. જો કે આ બંનેએ આ વિકલ્પ પર ચર્ચા કરી છે અને બંને આ માટે તૈયાર છે. જ્હોન અને પ્રિયાના પરિવારે આ બંનેને તેમના આશીર્વાદ આપી દીધા છે. જ્હોન બે વાર પ્રિયાના પરિવારને મળ્યો પણ છે. એક વાર તે લોસ એન્જિલસ ગયો હતો અને બીજી વાર તેઓ પ્રિયાના ૧૦૧ વર્ષના દાદાના મૃત્યુ સમયે તેમના વતન હિમાચલ પ્રદેશમાં આવ્યા હતા. ત્યારે જ્હોન પણ પ્રિયા સાથે ત્યાં ગયો હતો.

 

આ ઉપરાંત નિર્માતા તરીકેની જ્હોનની બે ફિલ્મોનું આ વર્ષના અંતમાં શૂટંિગ શરૂ થવાનું છે.